Columns

તને એ નહીં સમજાય!

તને એ નહીં સમજાય!’ આ વાક્ય શિશુ અવસ્થાથી વૃધ્ધાવસ્થા સુધીમાં માનવીના જીવનમાં વારંવાર સાંભળવામાં આવતું હોય છે. તેમાં તથ્ય કેટલું તે વિચારણા માંગી લે છે. તો ચાલો એને સમજવા કેટલાંક ઉદાહરણો જોઈએ. પાર્થ માધ્યમિક શાળાનો વિદ્યાર્થી. ભૂગોળના શિક્ષક એને આબોહવા – પ્રાકૃતિક અવસ્થા બાબતમાં સમજણ આપે. સૂર્યના સખત તાપમાં પાણીની વરાળ બને, તે આકાશે ચડે, તેનાં વાદળાં બંધાય, તેમાં પાણી ભરાય અને પછી એ પાણી ધરતી પર પાછું વરસાદના રૂપમાં પડે. ધરતી પરથી લીધું તે પાણી આકાશ પાછું ધરતીને આપે. પાર્થના દિમાગમાં શંકાનો કીડો સળવળે છે અને તે પૂછી મારે છે – ‘સર, પાણીની વરાળ તો સતત થતી જ રહે છે. વાદળાં બંધાતાં જ રહે છે. પાણી ભરાતું જ રહે છે તો પછી 10મી જૂને કે એની આસપાસની તારીખે જ કેમ વરસાદ પડે છે?’

આ પ્રશ્નથી અન્ય વિદ્યાર્થીઓ જ નહીં, શિક્ષક પણ ચોંકી પડે છે – ‘તને કહ્યું એટલું સમજ. ઝાઝી મગજમારી ના કર કેમ કે તને એ નહીં સમજાય…’ અને વાત પૂરી. સમય જતા પાર્થ યુવાન થાય છે. વાજતે – ગાજતે એક કોડીલી કન્યાને ગૃહલક્ષ્મી બનાવીને કુમકુમ પગલે ઘરમાં પધરામણી થાય છે. પતિના આધારે અને સહારે તો સાસરે આવી છે. પતિના પ્રેમની હકદાર છે એટલે એને રાજી રાખવી પડે છે. રવિવારે ક્યાંક ફરવા લઈ જવી પડે, ક્યારેક હોટેલમાં, ક્યારેક પાર્ટી – પિકનિક પર, ક્યારેક નાટક – સિનેમા બતાવવા પડે. ક્યારેક તેને મનગમતી ભેટ આપી પતિએ રાજી તો રાખવી પડે ને?

માતાને લાગે છે કે પોતાના તરફનો પુત્રનો સ્નેહ ઘટી રહ્યો છે. ધીરે ધીરે માનો અસંતોષ વધતો જાય છે. નારાજગી મતભેદમાંથી મનભેદમાં પરિણમી. માતા એને બચપણમાં આપેલી અમૂલ્ય સેવાની યાદ અપાવે છે. જવાબમાં પુત્ર અણછાજતો ઉત્તર આપતા કહે છે – ‘એ તો દરેક મા-બાપની ફરજ છે. એમાં તમે શી નવાઈ કરી? તમારી સાથે મેં 25 વર્ષ કાઢ્યાં પણ આની સાથે તો આખો જન્મારો ગુજારવાનો છે. હું નાની – મોટી વાતમાં ઝઘડ્યા કરું તો જન્મારો વીતે કઈ રીતે? ઘરમાં શાંતિનું નામોનિશાન ન રહે. માટે હું જે કરું છું તે ઠીક છે. મા! તને એ નહીં સમજાય’ અને વાત પૂરી.

ઘર – ઘરની કહાનીમાં આ એક વાક્ય તો વચ્ચે ઊભું જ રહેવાનું – ‘તને એ નહીં સમજાય.’
અનિકેતનું સંયુક્ત ફેમિલી. એક દિવસ માતા – પિતાએ થોડીક પડતી અગવડો અંગે બીતાં – બીતાં નમ્રતાથી ફરિયાદ કરી. અનિકેતને આ ન ગમ્યું. અકળાઈ ઊઠ્યો અને ઠપકાના સૂરમાં માબાપને કહેવા લાગ્યો – ‘મા, તમોને રહેવા માટે અલગ રૂમ છે, લાઈટ, પંખો, ગીઝર બધું જ છે, બે ટાઈમ ચા – પાણી સાથે નાસ્તો મળે છે, જોઈતું બધું જ મળે છે પછી ધમપછાડા શા માટે? શાંતિથી જીવો ને અમને પણ શાંતિથી જીવવા દો. હવે તમને અપેક્ષા શાની છે? આ ઉંમરે તમને બીજું જોઈએ પણ શું?’

માતાને દીકરાની આ સફાઈ સાંત્વન આપી શકી નહિ. ભીતર જે નારાજગીનો અગ્નિ જલતો હતો, તે વાત જબાન પર આવી ગઈ – ‘દીકરા! આ ઉમંરે અમોને શું જોઈએ, તે તમોને તમારી આ ઉંમરે કદી નહીં સમજાય. તું જ્યારે અમારી ઉંમરે પહોંચશે ત્યારે જ તને એ સત્ય સમજાશે. અત્યારે તને એ નહીં સમજાય!’ અમારા રેખાબા અને જનકબાપાની વાત કરું. સવારે ઊઠીને રેખાબાએ કેસેટ પ્લેયર ચાલુ કર્યું. ધીમા અવાજે ભજન શરૂ થયું – ‘મારા પ્રભુની ભક્તિ પ્યારી, આજની ઘડી રળિયામણી – મારો વ્હાલો પધાર્યાની વધામણીજી રે!’

મધુર અવાજે ગવાતા આ ભજનમાં આજનો દિવસ વિશેષ હતો તે રેખાબા અને જનકબાપા બંને જાણતા હતા. જનકબાપા ભજનની કડી મમળાવતા વોક કરવા ગયા – રેખાબા ભજન ગાતાં – ગાતાં રસોડામાં આવ્યાં. મોટી વહુએ જોયું કે બા આજે કિચનમાં કેમ છે? અને ગરમ નાસ્તાની તૈયારી કરી રહ્યાં છે. કંઈક ન સમજાય એવા આનંદમાં છે અને પોતે જાતે ગરમ પરોઠું બનાવી રહ્યાં છે. પુત્રવધૂ સીમાએ કહ્યું – ‘બા અમે હોઈએ પછી તમારે રસોડામાં કામ કરવાનું ન હોય.’ તો રેખાબા બોલ્યાં – ‘તને એ નહીં સમજાય.’ એટલામાં જનકબાપા આવ્યા.

તેઓ પણ ખુશખુશાલ દેખાતા હતા. ‘ચાલો ચાલો, જલદી નાહીધોઈ દીવો કરી ડાઈનિંગ ટેબલ પર આવો.’ જનકબાપા ખુરશી પર બેઠાં કે તરત જ રેખાબા ગરમ ગરમ પરોઠાં લઈને આવી ગયાં. દીકરાની વહુ જોતાં નથી ને એમ જોઈ જનકબાપાએ રેખાબાને ગાલે હળવી ટપલી મારી કહ્યું, ‘હેપ્પી ડે! રેખાબા!’ ‘શું તમેય’ આટલું બોલી બાજુની ખુરશીમાં બેસી ગયાં. જનકબાપાએ કહ્યું – ‘તૈયાર થઈ જા, મંદિરે જઈ આવીએ.’ બન્ને દર્શન કરવા ઉપડી ગયાં. સાથે જતી વખતે કહેતા ગયા – ‘વહુ સીમા, આજે હું અને તારા સસરા ઘરે નથી જમવાનાં. સાંજે મોડાં આવીશું.’

સવારથી વહુ – દીકરો મા – બાપના આશ્ચર્ય પર આશ્ચર્ય નિહાળતાં હતાં. સીમાએ પૂછ્યું – ‘શું છે બા. આજ સવારથી તમે એક પછી એક નવાઈ પમાડે તેવું કામ કરો છો! મુખ પર આનંદ મલકે છે. છે શું?’ રેખાબા બોલ્યાં, ‘તને એ નહીં સમજાય!’
સાંજે ફરી કરીને બંને ઘરમાં હાથમાં ગિફ્ટની થેલીઓ લઈને પ્રવેશ્યાં. ડાઈનિંગ ટેબલ પર મૂકી. શાંતિથી બેઠાં. મોટા છોકરાએ સીમા અને રીમા વહુઓને બૂમ પાડી કહ્યું, ‘લીંબુનું શરબત જલદી લાવ!’ ગ્લાસ આપતાં વહુઓ બોલી, ‘બા, તડકામાં બાપુજીને પણ આ ઉંમરે ક્યાં લઈ ગયાં હતાં?’ રેખાબા બોલ્યા, ‘વહુ બેટા! તને એ નહીં સમજાય!’ આજના દિવસની ધ્રુવપંક્તિ ચાલુ રાખી. પછી ઓર્ડર કર્યો, ‘‘ચાલો બધા દિવાનખાનામાં બેસી જાવ! આજે અમે બહુ ખુશ છીએ એટલે તમારે માટે ગિફ્ટ લાવ્યાં છીએ! બા – બાપુજીએ પહેલાં બાળકો પછી વહુ – દીકરી – દીકરા અને જમાઈ સૌને ગિફ્ટ આપી. નાનાં બાળકોને તો ગિફ્ટ ગમી ગઈ નાચવા લાગ્યા.

ગિફ્ટની વહેંચણી વખતે મોટાભાઈ – ભાભીને અણસાર આવી ગયો કે આજે બા – બાપાની મેરેજ એનિવર્સરી છે એટલે એણે માળીને ફોન કરી ફૂલોનો શણગાર એક રૂમમાં કરાવી દીધો. બધા ખુશખુશાલ જમી કરીને પરવાર્યા એટલે કહ્યું, ‘આજે અમારા બન્ને ભાઈઓની ઈચ્છા છે કે TV પર હોલમાં બધાં સાથે બેસી પિક્ચર જોઈએ. એટલે તમારી સૂવાની વ્યવસ્થા મારા રૂમમાં છે. તો તમે આવો મારા બેડરૂમમાં’ મોટા દીકરાએ કહ્યું. તેઓ મોટા દીકરાના રૂમ તરફ ગયા. શું જુએ છે? દીવાઓથી ઝગમગતા સ્ટાર, ધૂપની સુગંધ, કેક, દીવાલ પર સમગ્ર કુટુંબની મોટી તસવીર, તેની નીચે ફૂલોથી લખેલું – ‘અર્ધી સદીની લગ્નયાત્રાને અમારી લાખ લાખ શુભેચ્છા!’

રૂમમાં સુગંધની સૌરભ સાથે શુભેચ્છાની સૌરભ મહેકી રહી. જનકબાપા દીકરાઓને ભેટીને કહેવા લાગ્યા – ‘આ બધું શું છે?’
‘બા – બાપુજી! હવે અમારે કહેવાનો વારો છે. તે તમને નહીં સમજાય’ દીકરા પરેશે હાસ્ય સાથે કહ્યું, ‘અમે બધા તમારા અસીમ પ્રેમમાં ગળાડૂબ છીએ તો અમારી આ નાનકડી ભેટ સ્વીકારી આશીર્વાદ આપો.’ પરેશે સીમા, રીમા, ભાઈ – બધાને ઈશારો કર્યો. બેન – બનેવી સૌને. બંને પુત્રવધૂઓ કિંમતી શાલ લઈને આવી. પરિવારના સૌએ શાલ ઓઢાડી, પગે લાગ્યા. ત્યારે સૌને બા – બાપ ગળે વળગ્યાં. બંનેની આંખોમાંથી આનંદમિશ્રિત અશ્રુની ધાર વહેવા લાગી.

બચ્ચાં પાર્ટી દાદા – દાદીને વળગી કહેવા લાગી – ‘તમે કેમ રડો છો?’ ત્યારે બંનેએ રડતી આંખમાં હાસ્ય ભેળવી કહ્યું – ‘મારાં બચ્ચાંઓ! અત્યારે તમને આ નહીં સમજાય!’ બધાં ખડખડાટ હસી પડ્યાં.
તો વાચકમિત્રો! વાતવાતમાં ‘તને એ નહીં સમજાય’ એ ધ્રુવપંક્તિ બોલી – વાતને પૂર્ણવિરામ આપી દેવું એ બરાબર નથી. સમજાય એવું બોલો. જેથી વધુ સવાલ – જવાબ કરવા રહેતા નથી. આપણી પાસે પણ પૂરી જવાબની સમજ હોતી નથી એટલે આપણે બોલીએ છીએ – ‘તને એ નહીં સમજાય.’ આમાં આપણું અજ્ઞાન જ દેખાય છે!

સુવર્ણરજ :-
રૂઆબ તો મૌનનો હોય છે
સાહેબ, શબ્દોનું શું છે,
એ તો ફરી જાય છે –
પરિસ્થિતિ પ્રમાણે!

Most Popular

To Top