નડિયાદ: ઠાસરા તાલુકાના ગોળજ રોડ ઉપર આવેલા નગરી વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી પીવાના શુધ્ધ પાણીની કોઇ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી રહીશો પરેશાન થઇ રહ્યા છે. પાલિકા તંત્ર દ્વારા પાણીની લાઇન તો નાંખવામાં આવી છે પણ કનેક્શન ન આપી કામ અધુરૂં જ છોડી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા જિલ્લામાં કોલેરાનો રોગચાળો માથું ઉંચકી રહ્યો છે, ત્યારે પીવાનું શુધ્ધ પાણી સત્વરે મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી લાગણી આ વિસ્તારના રહીશો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નગરી વિસ્તારમાં ૧૫ થી વધુ મકાનો આવેલા છે, જેમાંથી ૧૦૦ થી વધુ લોકો વસવાટ કરે છે. ઠાસરા નગરપાલિકા દ્વારા ત્રણ – ચાર દિવસે એકવાર પાણીનું એકાદ ટેન્કર મોકલવામાં આવે છે. જે પુરતું ન હોવાથી રહીશો દ્વારા પાણીની કાયમી વ્યવસ્થા કરી આપવાની રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઇને પાણીની લાઇન તો નાખવામાં આવી, પરંતુ કનેક્શન આપ્યા વગર આ કામગીરી અધુરી જ છોડી દેવામાં આવી છે. જેને લઇને આ વિસ્તારના રહીશોને પાણીનો પ્રશ્ન છેલ્લા લાંબા સમયથી સતાવી રહ્યો છે.
આ બાબતે સ્થાનિક કક્ષાએ રજૂઆત કરતાં, ઠાલા વચનો જ આપવામાં આવે છે અને કોઇ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. હાલમાં પાણીની સમસ્યાને લઇને રોષે ભરાયેલા લોકો દ્વારા વહેલી તકે પીવાના પાણીની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચિકી ઉચ્ચારવામાં આવી છે. જ્યાં સુધી લાઇનનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી રોજેરોજ આ વિસ્તારના રહીશોને ટેન્કરથી પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે.