પ્રત્યેક વ્યક્તિની એક વિશેષ અદા હોય છે, જે એને બીજા કરતાં અલગ તારે. નેતા-અભિનેતાની આવી અદા લોકોની નજરે જલદી ચઢે અને એ વાત જ ધ્યાનમાં રાખીને નેતા-અભિનેતા એમની બોડી સ્ટાઈલ કે અદા વિકસાવે. ગરદન ઝૂકાવી- હોઠ પર રોમેન્ટિક સ્મિત રમાડીને ઝડપભેર ડાયલોગ ફેંકવાની દેવસા’બની એવરગ્રીન અદા પર જુવાન હૈયાં ફિદા રહેતા. એ જ રીતે,‘કાકા’ રાજેશ ખન્ના સહેજ ઝૂકી કેમેરા ઍન્ગલ મુજબ ડાબો કે જમણો હાથ ઊંચકી પ્રેમભર્યા સ્વરે એ રીતે સંવાદ બોલતા કે માશૂકા ઘાયલ થઈ જતી અને બીગ બચ્ચનજી તો તમારા તરફ હાથ લંબાવી – હથેળી થોડી પ્રશ્નાર્થરુપે ખુલ્લી કરી માત્ર એટલું કહે : ‘હૈંઈઈઅઅય્..!’ તો પૈસા વસૂલ !
અભિનેતાની જેમ નેતાલોગને પણ જનતાની સામે જતા પહેલાં પોતાની બોડી લેગ્વેજ વિકસાવવી પડે. પૂરતી સજાગતા સાથે વિકસાવેલા આવા શારીરિક હાવભાવ દ્વારા એ જનતા સાથે ( અહીં મતદાર વાંચો ! ) સંપર્કનો સેતુ બાંધી લે છે. જનતા- મતદાર સાથે આવો દ્રઢ સંબંધ બાધવાની કળામાં મહારાષ્ટ્રના બાળાસાહેબ માહેર હતા. ગંભીર ચહેરે એ મેદની સામે ખડા થાય ને ક્ષણેક હાથ જોડી ધીરે ધીરે એ બન્ને હાથ પોતાના મસ્તક્થી ઉપર હવામાં ઊંચકેને એ અદામાં ફરી બન્ને પંજા જોડી નમસ્કાર કરે અને એ મુદ્રામાં ઈરાદાપૂર્વક લાંબો સમય રહે, જેથી ખભાથી ઉપર એમના બે હાથની બનેલી ફ્રેમની બરાબર વચ્ચે એમનો ચહેરો આવે અને જનતાનું ધ્યાન-નજર બરાબર એમના ચહેરા પર સ્થિર થઈ જાય અને બાળાસાહેબની એ મુદ્રાની જ તસવીરો TV તેમજ બધા અખબારોમાં છવાઈ જાય!
સક્રિય રાજકારણમાં આવ્યા ત્યારે શરુઆતમાં આવી જ ‘નમસ્તે’ મુદ્રા આપણા સમકાલીન વડા પ્રધાન નરેન્દ્રમોદી કરતાં, પણ લોકોની નજરમાં અને કેમેરાની ફ્રેમમાં કઈ રીતે આબાદ ઝડપાઈ રહેવું એની કળામાં બધા નેતા-અભિનેતાથી એ હંમેશા આગળ જ રહે..એમની કેમેરા ઍન્ગલની સુઝ એવી ફક્કડ છે કે સાથે અમેરિકાના પ્રેસિડેન્ટ ઓબામા હોય કે ડૉનાલ્ડ ટ્રમ્પ હોય કે પછી જો બાઈડન… આપણા નરેન્દ્રભાઈ આવા મહારથીઓને ઝાંખા પાડી છવાઈ જાય છે ! આજકાલ આ જ રીતે પોતાની આગવી અદાથી હંમેશા ચર્ચામાં રહ્યાં છે જર્મનીનાં એન્જ્લા મર્કેલ.. સતત ૧૬ વર્ષ સુધી જર્મનીના ‘ચાન્સેલર’ જેવા સર્વોચ્ચ પદ પરથી શાસન કરી આંતરરાષ્ટ્રીય રાજકરણમાં એક નવી જ આભા પ્રગટાવનારાં અન્જેલા મર્કેલે હમણાં જ દેશની ચૂંટણી પહેલાં જ સ્વૈછાએ સત્તા છોડી ત્યારે બધાને ભારે નવાઈ લાગી હતી.
જર્મનીમાં ‘મટ્ટી’ તરીકે એ બહુ મશહૂર. ‘મટ્ટી‘ એટલે મા-મમ્મી. આ મમ્મીની પાર્ટી તાજી ચૂંટણીમાં ભલે પરાજિત થઈ, પણ ઈલેકશન વખતના સર્વેમાં ૮૬ % લોકોએ મટ્ટીની કામગીરીની મુક્તમને પ્રશંસા કરી છે.! આવાં મટ્ટીજી વર્ષો પહેલાં રાજકારણમાં પ્રવેશ્યા ત્યારથી એ પણ અજાણતાં જ થઈ ગયેલી એમની એક અદાને કારણે આજે પણ જાણીતાં છે. એ છે એમનાં હાથની એક ચેષ્ટા-એક મુદ્રા. વર્ષો પહેલાં ચૂંટણીના પ્રચાર માટે એમનું ફોટો-શૂટ હતું. કેમેરા સામે મર્કેલ ઊભાં તો રહી ગયાં ત્યારે પોતાના બન્ને હાથનું શું કરવું એની અવઢવમાં એમણે બન્ને હાથ પેટ સામે કમરથી સહેજ ઉપર રાખ્યા અને બન્ને હાથની આંગળીઓના ટેરવા એકમેક સાથે એ રીતે સ્પર્શ કરાવ્યાં કે અનાયાસ હીરા જેવી આકૃતિ સર્જાઈ ગઈ… આવી આકૃતિને અંગ્રેજીમાં ‘રૉમ્બસ’ અર્થાત સમચતુર્ભુજ આકાર કહે છે. સમય વીતતા જર્મન ભાષામાં ‘મર્કેલ-રાઉટે’ તરીકે ઓળખાતી એન્જ્લા મર્કેલના હાથની આ અદા એવી જાણીતી થઈ ગઈ કે વિપક્ષોના નેતા પણ એની ખૂલ્લેઆમ નકલ કરતાં થઈ ગયા. તાજેતરની ચૂંટણીના પ્રચાર વખતે મર્કેલના પક્ષે એના આ સર્વોચ્ચ નેતાના હાથની ચેષ્ટા કરતાં ૨૦૦૦ લોકોની તસવીરો સાથે ૭૦ બાય ૨૦ મીટરના હોર્ડિંગ બર્લિન સેન્ટ્રલ સ્ટેશનની બહાર ગોઠવીને એક વિક્રમ સર્જી દીધો હતો..!
લો, મળ્યો ડફોળ !
હમણાં આપણે ત્યાં ડ્રગ્સ રાખવા- એના સેવન કરવાના આરોપસર દિલ્હી- મુંબઈના કેટલાંક શ્રીમંત યુવાન- યુવતીઓની મધદરિયે ક્રુઝની એક રૅવ પાર્ટીંમાંથી ધરપકડ થઈ. આ કિસ્સો વધુ ચગ્યો, કારણ કે એ પાર્ટીમાં આપણા બોલિવૂડના બાદશાહ ખાન શાહરુખનો ચિરંજીવ આર્યનખાન પણ સામેલ હતો. નાર્કોટિસના એ દરોડામાં નશીલાં પદાર્થ નબીરાઓએ કયાં ક્યાં સંતાડ્યા હતા એની જે વિગતો બહાર આવી છે એ સાવ શુષ્ક ને નિરાશાજનક છે.
એમણે જે જે જગ્યાએ ડ્રગ્સ છૂપાડેલાં એ બધા જ સ્થળથી આપણી શાળા- કોલેજના છોકરાં માહિતગાર છે. એટલું જ નહીં, એનાથી પણ સારી-જલ્દી હાથ ન આવે એવી એવી ‘ગુપ્ત’ જગ્યાએ એ કોપી કરવાની કાપલીઓ સંતાડવામાં કાબેલ છે ! ખેર, જેવા આર્યન અને શાહરુખ ખાનના નસીબ..પણ એક વાત તો કબૂલ કરવી જ રહી કે આવાં બે-નંબરી કામ માટે તમારે એક નંબરી સ્માર્ટ્નેસને સતર્કતા દાખવવી પડે… નહીંતર તમારા હાલ પેલા અમેરિકન યુવક જેન્સ કટર્ઝ જેવા થાય.
વાત જરા વિગતે જાણીએ… જેમ્સને પોતાની કારનું કન્વર્ટર વેંચવું હતું. આજકાલ તો ઓનલાઈન કે સોશ્યલ મીડિયા પર તમે વિકટોરિયા યુગના લોલકથી લઈને વર્જિનિટિ-કૌમાર્ય સુધ્ધાં ખૂલ્લેઆમ વેંચી શકો. જે વેંચવાની હતી એ કાર- ડિવાઈસનો ક્લોઝ- અપ ફોટો ઝડપીને જેમ્સે હોંશે હોંશે ‘ફેસબુક’ પર અપલોડ કર્યો અને ગ્રાહકો તો ન આવ્યા,પણ ગણતરીના કલાકોમાં એને ઘેર પોલીસ પહોંચી અને ગેરકાયદે ડ્રગ્સ રાખવા અને એના સેવન કરવા બદલ જેમ્સને જેલ ભેગો કર્યો.. થયું’તું એવું કે સેલ માટે જેમ્સે કારના કન્વર્ટરનો ફોટો પાડીને ઓનલાઈન મૂક્યો ત્યારે એ રાજાપાઠમાં એટલે કે નશામાં હતો. ફોટો લેતી વખતે એને ભાન ન રહ્યું કે પેલા સાધનની સાથે ડ્રગ્સ ભરેલું એક પ્લાસ્ટિકનું પાઉચ તેમજ સિરિંજ સુધ્ધાં એ ફોટામાં ઝડપાઈ ગયા હતા..વાર્તા પૂરી ! આ ઘટનાનો પદાર્થપાઠ એ કે આવાં નશીલાં પદાર્થની ગેરકાયદે હેરાફેરી કરતાં હો ત્યારે વધુ સજાગ-સતર્ક રહેવું પડે, નહીંતર જેમ્સની જેમ ડફોળ જ પૂરવાર થાવ..!