આપણી આસપાસ એવા અનેક લોકો હોય છે, જેમના ચહેરા અને વ્યવહારમાં એક પ્રકારની લાચારી હોય છે. તેઓ સતત પોતાને નબળા, વંચિત અને હારેલા માને છે. તેમને પોતાને પણ લોકો તેમને બિચારાં કહે તેવું ગમતું હોય છે, જેઓ પોતાને બિચારા માને છે, તેમને કોઈને કોઈ એક અથવા બીજા પ્રકારની મદદ કરવા પણ પહોંચી જાય છે,જેના કારણે તેમના બીચારાપણામાં વધારો થાય છે.
તેઓ માનતા થઈ જાય છે કે જો પોતાને બીચારા ગણવામાં આવે અને તેના કારણે તેમને ફાયદો મળતો હોય તો બીચારા કહેવડાવવામાં વાંધો નથી. માત્ર સમાજમાં જ નહીં, આપણા પરિવારમાં પણ આવી વ્યકિતઓ હોય છે તેમને પણ બિચારા બની જીવવાની મઝા આવતી હોય છે.
આપણે ત્યાં એક એવો મોટો વર્ગ છે કે જેઓ સામાજિક -શૈક્ષણિક અને આર્થિક રીતે આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ પછાત છે, તેમાં વાંક બન્ને પક્ષે છે, જેઓ વંચિત અને શોષિત છે,તેમાંથી મોટા વર્ગને બિચારા બની જીવવાની ટેવ પડી ગઈ છે.
બીજી તરફ સરકાર અને સમાજને પણ આ વર્ગને નાનકડા ટુકડા સમાન મદદનો રોટલો આપી પોતાની ફરજ પૂરી કરે છે,એટલે જેઓ બીચારા છે તેઓ કાયમ બિચારા બની જીવતા રહે છે.
આપણા ઘરમાં પણ એક વ્યકિત એવી હોય છે જેઓ નાના મોટા કામ ઉપર આપણી ઉપર નિર્ભર રહે છે, મને નહીં આવડે, મને ખબર પડતી નથી,મને બીક લાગે છે તેવું તે કહે છે અને આપણે તેમની આવડત,તેમની ખબર અને તેમના ડરને પોષીએ છીએ, આવું જ મારા ઘરમાં પણ હતું, મારાં માતા-પિતા બંન્ને સરકારી નોકર હતાં, છતાં મારી માતાને અનેક બાબતનો ડર લાગતો હતો,ત્યારે ડીજીટલ યુગ શરૂ થયો ન્હોતો.
સરકારી ઓફિસમાં પગાર પણ રોકડમાં આવતો હતો, મારી મા પગાર થાય એટલે ઓફિસમાંથી આખો પગાર મારા પપ્પાના હાથમાં મૂકી દેતી હતી. મારા પિતા જો તે સંદર્ભમાં કોઈ પ્રશ્ન પૂછે તો તરત કહેતી મને હિસાબમાં ખબર પડે નહીં, મારા પિતા તેને બેન્કમાં જવાનું કહેતા તો તરત કહેતી ના હો મને બેન્કમાં બહુ બીક લાગે છે.
આમ મારી મા જીવનની નાની મોટી તમામ બાબતમાં મારા પિતા ઉપર નિર્ભર હતી. એક રાત્રે અચાનક મારા પિતાને છાતીમાં દુખાવો ઉપડયો અને હાર્ટ ફેલીયરમાં તેમનું અવસાન થયું.
આમ ઘરમાં તમામ માટે બિચારી અને ભોળી બની જીવવાની મારા માને ટેવ પડી ગઈ હતી, પણ હવે મારા પિતા રહ્યા ન્હોતા, સવારની પહેલી ચ્હા જે મારા પિતા બનાવતા હતા ત્યાંથી લઈ હવે તમામ બાબતો અને તેનો નિર્ણય તેણે પોતાને કરવાનો હતો. મારા પિતા ગુજરી ગયા ત્યારે મારી મા પચાસ વર્ષની હતી.
તેણે અમને કંઈ કહ્યું નહીં. સૌથી પહેલાં તેણે પચાસ વર્ષની ઉમંરે સ્કુટર શીખવાનું શરૂ કર્યું અને થોડાક દિવસમાં તેઓ ઓફિસે અમદાવાદના ટ્રાફિકમાં સ્કુટર લઈ જવા લાગી,તેને જે બેન્કમાં ડર લાગતો હતો હવે તે બેન્કમાં રોજ જવા લાગી.તેને લાગતું હતું મને નહીં આવડે, મને ખબર નહીં પડે તે બધું જ તે શીખી ગઈ.
તેના મૃત્યુના અંતિમ દિવસ સુધી તે માનસિક રીતે કોઈની ઉપર નિર્ભર ન્હોતી કારણ તેને કોઈ બિચારું કહેનાર રહ્યું ન્હોતુ.આમ જેઓ પોતાને બિચારા સમજે છે તેઓ જિંદગીની લડાઈમાં પાછળ રહી જાય છે.
આવું જ આપણા સમાજમાં પણ છે. સમાજના એક મોટા વર્ગને બિચારો રહેવાની જ મઝા પડે છે.એક વર્ગ એવો છે કે જેમને કોઈ પોતાને બિચારા કહે તેનો ગુસ્સો આવે છે.તેમને કોઈની દયા ખપતી નથી. ભારતને આઝાદી મળી ત્યારે ભારતનું વિભાજન થશે તેવી દેશના નેતાઓ અને દેશના લોકોને અપેક્ષા ન્હોતી.
વિભાજન બાદ મોટી સંખ્યામાં લોકો વિસ્થાપિત પણ થયા, આપણા દેશમાં લાખોની સંખ્યામાં સિંધી અને શીખો ભારતમાં આવ્યા,જેઓ ભારતમાં આવ્યા તેવા લાખો સિંધીઓ અને શીખો પહેરેલાં કપડે ભારતમાં આવ્યાં હતાં.તેઓ પોતાના ઘર,પોતાની જમીન અને જીવનભર કમાવેલી મૂડી જીવવા બચાવવા છોડી ભારત આવ્યા હતા.
તે તમામની સ્થિતિ એક ભિક્ષુક કરતાં પણ બદતર હતી, પણ સિંધી અને શીખોએ ભારતમાં આવ્યા પછી બિચારા બની જીવવાને બદલે જિંદગીની લડાઈ જાતે લડી લેવાનો નિર્ણય કર્યો.તેમણે સરકાર અને સમાજ મદદ કરશે તેવી અપેક્ષા રાખ્યા વગર રસ્તા ઉપર આવી ગયેલી પોતાની જિંદગી નવેસરથી સજાવવાનો નિર્ણય કર્યો.
મારી ઉંમર આજે પંચાવન વર્ષની છે. મેં અનેક ભિક્ષુકો અને મંદિરોની બહાર રસ્તા ઉપર ભીખ માગતા જોયા છે. ભીખ માંગવા માટેની પહેલી લાયકાત ચહેરા ઉપર લાચારી અને બિચારા હોવાનો ભાવ હોવો જરૂરી છે, પણ મેં આજ સુધી રસ્તા ઉપર કોઈ સિંધી અને શીખને ભીખ માગતા જોયો નથી,તમે પણ યાદ કરજો, કદાચ તમને પણ યાદ આવશે નહીં, ગુજરાતમાં શીખોની સંખ્યા ઓછી છે.
પરંતુ સિંધી સમાજ મોટો છે. મેં અનેક સિંધીઓને ગરીબ જોયા છે, પરંતુ કોઈ સિંધીને ભીખ માંગતા જોયો નથી, કરોડપતિ અને લાખોપતિ સિંધીઓ અનેક છે તેની સામે સામાન્ય સિંધીઓની સંખ્યા મોટી છે, પણ દરેક સિંધી નાનો મોટો ધંધો કરે છે, સિંધીઓને બસ સ્ટેન્ડ ઉપર બે-પાંચ રૂપિયાના બીસ્કીટ અને ચોકલેટ વેંચવામાં સંકોચ થતો નથી, કારણ તેઓ મહેનતકશ પ્રજા છે. તેઓ ભારત આવ્યા ત્યારે સાવ રસ્તા ઉપર હતા અને બિચારા હતા, પણ તેમને બિચારાની જિંદગી મંજૂર ન્હોતી.
– આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.