નવી દિલ્હી: અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે બુધવારે બીજા દિવસે સંસદમાં તીખી દલીલો (Debate in Parliament on No-Confidence Motion) ચાલી રહી છે. રાહુલ ગાંધીએ (RahulGandhi) આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર સંસદમાં સરકારને આડેહાથ લીધી હતી. રાહુલ ગાંધીએ મણિપુર હિંસાના (ManipurRiots) મુદ્દા પર સીધે સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PMNarendraModi) ટાર્ગેટ કર્યા હતા.
રાહુલે કહ્યું, થોડા દિવસ પહેલા હું મણિપુર ગયો હતો. પરંતુ અમારા પીએમ હજુ ગયા નથી. કારણ કે મણિપુર તેમના માટે ભારત નથી. મણિપુરનું સત્ય એ છે કે મણિપુર બચ્યું નથી. તમે મણિપુરને બે ભાગમાં વહેંચી દીધું છે. મણિપુર તૂટી ગયું છે.
રાહુલે કહ્યું, ભારત એક અવાજ છે. ભારત આપણા સૌનો અવાજ છે. તે દિલનો અવાજ છે અને આ અવાજની મણિપુરમાં હત્યા થઈ છે. તેનો અર્થ એવો કે મણિપુરમાં ભારત માતાની હત્યા થઈ છે. તમે મણિપુરના લોકોની હત્યા કરી ભારત માતાની હત્યા કરી છે. તમે દેશદ્રોહી છો. તમે પરોપકારી નથી. એટલે તમારા વડાપ્રધાન મણિપુર જઈ શકતા નથી. કેમ કે તેમણે ભારત માતાની હત્યા કરી છે. તમે ભારત માતાના રક્ષક નથી. તમે ભારત માતાના હત્યારા છો.
સ્પીકર ઓમ બિરલાએ રાહુલને ટોક્યા
ભારત માતાની હત્યાના નિવેદન પર સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને અટકાવી ટકોર કરી હતી કે તેઓ ભારત માતા વિશે સન્માનથી બોલે. તેના પર રાહુલે કહ્યું કે, હું મારી માતાની હત્યાની વાત કરી રહ્યો છું. હું આદર સાથે બોલું છું. ભારતીય સેના એક જ દિવસમાં મણિપુરમાં શાંતિ સ્થાપિત કરી શકે છે, પરંતુ સરકાર સેનાનો ઉપયોગ કરી રહી નથી. કેમ કે, સરકાર મણિપુરમાં ભારત માતાની હત્યા કરવા માંગે છે. જો પીએમ મોદી તેમના દિલની વાત નથી સાંભળતા તો તેઓ કોની વાત સાંભળે છે. તેઓ માત્ર બે જ લોકોની વાત સાંભળે છે.
મોદીને રાવણ સાથે સરખાવ્યા
રાહુલ ગાંધીએ સંસદમાં બોલતી વખતે આડકતરી રીતે નરેન્દ્ર મોદીને રાવણ સાથે સરખાવ્યા હતા. રાહુલે કહ્યું રાવણ માત્ર બે લોકોની વાત સાંભળતો હતો. એક મેઘનાથ અને બીજા કુંભકર્ણ. તેવી જ રીતે મોદી માત્ર બે લોકોની વાત સાંભળે છે. અમિત શાહ અને અદાણી. હનુમાને લંકા બાળી ન હતી. રાવણના અહંકારે લંકા બાળી હતી. રામે રાવણને માર્યો નથી તેના અહંકારે રાવણનો જીવ લીધો છે. તમે આખા દેશમાં કેરોસીન ફેંકી રહ્યાં છો. તમે હરિયાણાને સળગાવી રહ્યો છે. તમે આખા દેશને સળગાવવામાં વ્યસ્ત છો.
ઈતિહાસમાં પહેલીવાર ભારત માતાની હત્યાની વાત થઈ: સ્મૃતિ ઈરાની
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતી વખતે રાહુલ ગાંધીના આક્ષેપોનો જવાબ આપ્યા હતા. ઈરાનીએ કહ્યું પહેલી વાર રાષ્ટ્રના ઇતિહાસમાં ભારત માતાની હત્યાની વાત કરવામાં આવી છે. સંસદમાં ભારત માતાની હત્યાની વાત થતી હતી ત્યારે કોંગ્રેસના સભ્યો તાળી વગાડી રહ્યાં હતાં તે દ્રશ્યએ સમગ્ર દેશની સમક્ષ પ્રસ્થાપિત કરી દીધું છે કે કોના મનમાં ગદ્દારી છે? મણિપુર ખંડિત નથી થયું. તે વિભાજીત નથી થયું. તે દેશનો જ ભાગ છે.
સ્મૃતિ ઇરાનીએ કાશ્મીરી પંડિતો પરના અત્યાચારનો ઉલ્લેખ કર્યો હતો. ઈરાનીએ કહ્યું તમે નથી ઈચ્છતા અમે કાશ્મીરી પંડિતો, ગિરિજા ટિક્કુ, શીલા ભટ્ટ સાથે થયેલા અત્યાચારોની વાત કરીએ. ભીલવાડામાં 14 વર્ષની બાળકી પર ગેંગરેપને યાદ કરાવતા કહ્યું તાજેતરમાં રાજસ્થાનમાં આ શરમજનક ઘટના બની. તે બાળકીના અંગોને કાપી સળગતી ભઠ્ઠીમાં ફેંકી દેવાયા. ત્યારે કેમ તમે ન્યાયની માંગણી કરી નહીં? બંગાળમાં 60 વર્ષની વૃદ્ધા સાથેના રેપની ઘટના પર પણ તમે એકેય શબ્દ બોલ્યા નથી.