Columns

તું તારું કામ કર

એક મલ્ટી નેશનલ કંપનીમાં વિશેષ બહુ સરસ કામ કરે …એટલી નિષ્ઠા અને પ્રામાણિકતાથી કામ કરે કે તેને સતત પ્રમોશન મળતું જ રહે.તેની આ સતત કામિયાબીથી રાજી થનારા હતા તેનાથી વધારે નાખુશ થનારા પણ હતા.કંપનીમાં લગભગ તેની સાથે જ જોડાયેલ અગમ હંમેશા તેનાથી પાછળ રહી જાય એટલે ઈર્ષ્યાથી બળી મરે. અગમ વિશેષથી આગળ નીકળવાના ઘણા પ્રયત્નો કરે પણ બધા જ વ્યર્થ જ જાય.અને તેની ઈર્ષ્યા વધતી જાય… અગમે હવે વિશેષની સામે જાણે ખુલ્લો મોરચો ખોલી દીધો.તે સતત તેને નીચે દેખાડવાના પ્રયત્નો કરે.પોતાના જેવા વિશેષની પ્રગતિથી જલતા લોકોને ભેગા કરી વિશેષની છબી બધી રીતે બગડવાની કોશિશ સતત કરે.વિશેષ આ બધાથી રીતસર થાક્યો.તે આ પ્રકારના પ્રેશરને કારણે પોતાના કામમાં પણ પૂરેપૂરું ધ્યાન આપી શકતો ન હતો.

એક દિવસ કંટાળીને વિશેષ પોતાના મોટા ભાઈ પાસે ફોન પર રડી પડ્યો..તે પોતાના મોટા ભાઈને જ ગુરુ માનતો હતો.તેણે બધી વાત મોટા ભાઈને કરી જ હતી અને આજે રડતાં રડતાં કહ્યું, ‘ભાઈ હવે હદ થાય છે હું ઇગ્નોર કરું છું પણ આ લોકોનું ખરાબ વર્તન વધતું જ જાય છે.હવે મને લાગે છે હું પણ મારો પાવર અને મારી ઓળખાણ વાપરી ઉપર મેનેજમેન્ટમાં તેની ફરિયાદ કરું અને તેને નોકરીમાંથી જ કઢાવી નાખું..’ મોટા ભાઈએ કહ્યું, ‘તું તારું કામ કર. કંપનીને વફાદાર રહીને આગળ વધારવાનું …અને બીજા તારા માટે ખરાબ વિચારે અને ખરાબ કરે પણ તું એમ નહિ કરતો ..તું તેની પર ધ્યાન આપવાનું અને પરેશાન થવાનું છોડી દે…કારણ કે જો જેને પરેશાન કરવામાં આવે તે પરેશાન ન થાય તો પરેશાન કરનાર જલ્દી થાકી જાય છે…માટે ધીરજ રાખ. તું હિંમતથી બધી પરિસ્થિતિનો સામનો કરી આગળ વધતો રહે. તું પરેશાન નહિ થાય તો તે આપોઆપ થાકશે અને આપોઆપ હારી જશે ..તારે તેના જેવા ખરાબ થવાની જરૂર નથી.’

વિશેષે મોટા ભાઈની વાતને માની અને કોઈ સામા પગલાં લેવાને બદલે પોતાના કામ પર જ વધારે ધ્યાન આપવાનું શરૂ કર્યું અને તેને વધુ એક પ્રમોશન મળ્યું…અગમનું ધ્યાન કામ કરતાં વધારે વિશેષને પરેશાન કરવામાં હતું એટલે તેની મોટી ભૂલ થઇ અને મેનેજમેન્ટે તેને કાઢી મૂકવાનું ફરમાન કર્યું ત્યારે વિશેષે મેનેજમેન્ટ પાસે તેને વધુ એક તક આપવાની દરખાસ્ત કરી અને અગમને એક તક અપાવી…અગમને ખૂબ પસ્તાવો થયો. તેણે આખી ઓફિસ સમક્ષ વિશેષની માફી માંગી અને મેનેજમેન્ટ સમક્ષ પણ લેખિત કબુલાત મોકલાવી. વિશેષે બધી વાત મોટા ભાઈને જણાવી.મોટા ભાઈએ એટલું જ કહ્યું, ‘ભાઈ, આવા બધા લોકો પરેશાન કરવા આવે અને જાય, બસ, તું તારું કામ કરતો રહે અને તારી સચ્ચાઈ અને સારપ છોડતો નહિ.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top