એક્સિડન્ટ અંગેના કલેઇમ્સના કિસ્સાઓમાં વીમા કંપનીઓ FIR ને ઘણું જ મહત્ત્વ આપે છે. જો FIR ન નોંધાવવામાં આવી હોય તો ક્લેઇમ રીજેકટ કરી દે છે. એટલું જ નહીં પણ જો FIR નોંધાવામાં અને કલેઇમ ફાઇલ કરવામાં વિલંબ થયો હોય તો પણ કલેઇમ નામંજૂર કરાતા હોય છે. પરંતુ, તાજેતરમાં દેશની સર્વોચ્ચ ગ્રાહક અદાલત નેશનલ કન્ઝયુમર ડીસ્પ્યુટસ રીડ્રેસલ કમિશને એક ચુકાદામાં પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યુરન્સ પોલિસી ધરાવનાર વીમેદારને થયેલ અકસ્માત અંગેનો કલેઈમ FIR ન ફાઇલ થયેલ હોય તો પણ ચૂકવણીપાત્ર હોવાનું ઠરાવ્યું છે.
ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ કંપની લિ. વિરૂધ્ધ સુરેશ સિંહના આ કેસમાં બન્યું એવું હતું કે, સુરેશ સિંહ (મૂળ, ફરિયાદી) ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ કંપની લિ. (મૂળ સામાવાળા)ની પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યુરન્સ પોલિસી રૂા. ૧૦ લાખની ધરાવતા હતા. વીમો અમલમાં હતો તે દરમિયાન ફરિયાદી મધ્યપ્રદેશમાં છીંદવાડાથી ગ્વાલિયર જઈ રહ્યા હતા. છીંદવાડા રેલવે સ્ટેશન પાસે ફરિયાદી રસ્તા પર ચાલી રહ્યા હતા ત્યારે પાછળથી બેફામ અને એકસેસીવ સ્પીડે આવતા એક સ્કૂટરે ફરિયાદીને અડફટમાં લઇ લીધા હતા. પાછળથી સ્કૂટર ટકરાવાથી ફરિયાદી રસ્તા પર ફેંકાય ગયા હતા. સ્કૂટર-સવાર અલબત્ત ફરાર થઈ ગયો હતો. ફરિયાદીને ડાબી આંખના ભાગમાં તથા તેની ઉપર કપાળના ભાગમાં ઇજાઓ થઈ હતી. ઇજાઓ સામાન્ય હોવાનું માનીને ફરિયાદીએ સોફ્રામાઇસીન મલમ ખરીદીને કપાળના ભાગમાં થયેલ ઇજાઓ પર લગાડયો હતો અને પોતે ટ્રેનમાં બેસી ગયા હતા અને બીજા દિવસે મોરેના પહોંચ્યા હતા.
પરંતુ ફરિયાદીને બીજા દિવસે ડાબી આંખમાં સખત પીડા થઈ રહી હતી. દૃષ્ટિ પણ ધૂંધળી બની હોવાનું જણાતું હતું. જેથી, ફરિયાદીએ પહેલાં મોરેનામાં જિલ્લા સરકારી હોસ્પિટલમાં આંખના નિષ્ણાત સર્જનને કન્સલ્ટ કર્યા હતા. જેમણે ફરિયાદીને ડાબી આંખમાં ઇજાને કારણે હેમરેજ તથા Traumatic cataract Fungus થયેલ હોવાનું નિદાન કર્યું હતું. ત્યાર બાદ, ફરિયાદીએ ગ્વાલિયર જઈ ત્યાં પણ જુદા-જુદા આંખના નિષ્ણાત સર્જનોને બતાવ્યું હતું. તેમણે પણ ઉપરોકત નિદાન કન્ફર્મ કર્યું હતું. તે દરમિયાન ફરિયાદીએ ડાબી આંખની દૃષ્ટિ (Vision) બિલકુલ ગુમાવી દીધી હતી.
જેથી ત્યાર બાદ ફરિયાદીએ પોતાની પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યુરન્સ પોલિસી અન્વયે અકસ્માતમાં ડાબી આંખની દૃષ્ટિ ગુમાવવાને કારણે રૂા. ૫ લાખનો કલેઈમ સામાવાળા વીમા કંપની સમક્ષ કર્યો હતો. વીમા કંપનીએ ફરિયાદીએ થયેલ અકસ્માત અંગે સંબંધિત પોલીસ સ્ટેશનમાં કોઈ FIR ન નોંધાવેલ હોવાથી ફરિયાદીનો કલેઇમ નામંજૂર કરી દીધો હતો. જેથી ફરિયાદીએ ન્યાય મેળવવા માટે જિલ્લા ગ્રાહક અદાલતનાં દ્વાર ખટખટાવવા પડયાં હતાં. જિલ્લા ગ્રાહક અદાલતે FIR ન હોવાથી તેમ જ અકસ્માત અંગે અન્ય પણ કોઈ માનવાલાયક પુરાવા ન હોવાનું જણાવી ફરિયાદ રદ કરી હતી. જેથી ફરિયાદીએ સ્ટેટ કમિશન સમક્ષ અપીલ ફાઈલ કરી હતી.
સ્ટેટ કમિશને વિવિધ મેડિકલ રીપોર્ટસની ચર્ચા કરતાં જણાવ્યું હતું કે ફરિયાદીએ મોરેના તેમ જ ગ્વાલિયરની સરકારી હોસ્પિટલમાં તેમ જ અન્ય હોસ્પિટલોમાં આંખના સર્જનોને બતાવ્યું હતું. જે હોસ્પિટલના તબીબોએ ફરિયાદીને તપાસીને કરેલ નોંધ પરથી ફરિયાદીની ડાબી આંખમાં અકસ્માતથી ઈજા થયેલ હોવાનું અને હેમરેજ થયેલ હોવાનું સ્પષ્ટપણે પ્રતીત થતું હતું. ફરિયાદીની ડાબી આંખના કરાયેલા ‘B ડcan’ રીપોર્ટમાં પણ ફરિયાદીની ડાબી આંખનું Vision અકસ્માતમાં થયેલ ઈજાને કારણે ગયું હોવાનું જણાવ્યું હતું.
ગ્વાલિયરની જે. એ. હોસ્પિટલના રીપોર્ટમાં પણ, ફરિયાદીને Traumatic catract અને રેટાઈનલ ડીટેચમેન્ટ થયેલ હોવાનું જણાવી ગયેલ દૃષ્ટિ પાછી મેળવવા સંબંધે કાંઈ થઈ શકે તેમ ન હોવાનું જણાવ્યું હતું. તેમ જ ડાબી આંખમાં બિલકુલ દૃષ્ટિ ન હોવાનું જણાવી કાયમી ખોડ (Permanent Disability) નું સર્ટીફિકેટ પણ ઈસ્યુ કરાયું હતું. ઉપરોકત ચર્ચા કર્યા બાદ સ્ટેટ કમિશને ફરિયાદીએ ડાબી આંખની દૃષ્ટિ અકસ્માતના કારણે ગુમાવી હોવાનું તારણ પર આવી, રૂા. ૧૦ લાખની પોલિસીના ૫૦% રકમ એટલે કે રૂા. ૫ લાખ ફરિયાદીને ૬% વ્યાજ તથા કાર્યવાહી-ખર્ચના બીજા રૂા. ૫ હજાર સહિત ચૂકવી આપવાનો વીમા કંપનીને આદેશ આપતો હુકમ કર્યો હતો.મજકૂર હુકમથી નારાજ વીમા કંપનીએ નેશનલ કમિશન સમક્ષ રીવિઝન પીટીશન ફાઈલ કરી હતી.
નેશનલ કમિશનની પ્રિસાઈડીંગ મેમ્બર જસ્ટીસ બી. એન. પી. સિંહ તથા ડો. પી. ડી. શિનોયની બેન્ચે પણ અકસ્માત અંગે FIR ન નોંધાવેલ હોવાથી કલેઈમ ચૂકવણીપાત્ર ન બનતો હોવાની વીમા કંપનીની દલીલ ફગાવી દઈને આવા પર્સનલ એક્સિડન્ટના કિસ્સાઓમાં પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવાનું ફરજીયાત યા અનિવાર્ય ન હોવાનું ઠરાવી ફરિયાદીએ રૂા. ૫ લાખ વ્યાજ તથા ખર્ચ સહિત ચૂકવવાનું વીમા કંપનીને ફરમાવતો સ્ટેટ કમિશનનો હુકમ કન્ફર્મ કર્યો હતો.
આમ, પર્સનલ એક્સિડન્ટના કિસ્સામાં FIR નોંધાવાય તો વધુ સારું. આમ છતાં, FIR ન નોંધાવી શકાયેલ હોય તો પણ હાથ ધોઈ નાંખવાની જરૂર નથી. બીજા ડોકયુમેન્ટસ, મેડિકલ રીપોર્ટસ, પેપર્સ પરથી પણ એક્સિડન્ટને કારણે ઇજા થઇ હોવાનું પુરવાર થઇ શકતું હોય તો ઇન્સ્યુરન્સ કલેઇમ મળવાપાત્ર બને છે.