Comments

તું જ તારો ગાંધી થા દોસ્ત..

વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે – મારા બારણે આવીને આ ભજન કોણ ગાય છે, ભાઈ. ? અવાજ સરસ છે, ભજન પણ જાણીતું છે, મને તો ગાંધીજી યાદ આવી ગયા..! રોજ ગાઓ છો, કે પછી વાર તહેવારે..? પણ તમે દેખાતા કેમ નથી..?

જે હોય તે પ્રગટ થાઓ..! કે પછી એમાં પણ રીમોટ કંટ્રોલ..?  એક વાત પૂછું..? પણ કોને પૂછું? દેખાતા જ ના હોય તો ? તમે પણ યાર  સરકાર જેવા છો. નેતાઓ દેખાય તો સરકાર ના દેખાય ને સરકાર દેખાય તો નેતાઓનાં દર્શન દુર્લભ.  ભગવાન જેવું જ..! એ પણ ક્યાં દેખાય છે? જો ભાઈ, હું કોઈ સ્વાતંત્ર્ય સેનાની પણ નથી, ને  દેશભક્ત પણ નથી. તો પછી મારા આંગણે ઊભા રહીને આવું બ્યુગલ કેમ ફૂંકો છો..?

સમજી ગયો, આજે પ્રજાસત્તાક પર્વ છે, એટલે તમારી પણ ઊંઘ ઉઘડી લાગે છે..! સાચું કહેજો, તમને પણ બાપુ યાદ આવ્યા ને..? ભલે ગાવું હોય તો ગા, વાઈબ્રેશન સુધારશે..! પણ દિલ્હી જઈને ગા, ગાંધીનગર જઈને ગા, નરસિંહ મહેતાના ગઢ જુનાગઢમાં જઈને ગા, પોરબંદર જઈને ગા, કોઈ નિશાળ-આશ્રમ શાળા કે સરકારી ચોરામાં જઈને ગા, હું તો જન્મ્યો ત્યારથી જ વૈષણવ-જન  છું. તું પ્રગટ થાવ, તો તને માળા પણ બતાવું..!

સરસ…!

સકળ લોકમાં, સહુને વંદે, નિંદા ન કરે કેની રે

વાચ કાછ મન નિશ્ર્ચલ રાખે, ધન ધન જનની તેની રે…

બસ..બસ..! મને પંપાળવાનું છોડ..! ક્યાં તો રૂબરૂમાં પ્રગટ થા,  ક્યાં તો આગળ જઈને રટણ કરો. સાલું, સમજાતું નથી કે, રાષ્ટ્રીય પર્વ આવે ત્યારે જ બધાને દેશ-ભક્તિની ધૂણી કેમ ઉપડે..? તમે છો કોણ..? કૃપા કરીને પ્રગટ થાવ ને..? મારી સાથે  ઝાઝી ગાંધીગીરીના કરો પ્લીઝ..!

ગાંધીગીરી..?  મારી આ ચેષ્ટા તને ‘ગાંધીગીરી’ લાગે છે..?  તું મને માણસ સમજે કે શું..?

મોઢું સંભાળીને બોલ..! અમે રાષ્ટ્રપ્રેમીઓ છીએ. અમારા વેશ જુદા, અમારા ખેસ જુદા, પણ અમે એક જ ગાંધીજીની જય, એક સાથે જ બોલીએ. પોતપોતાના ખેસની ઈજ્જત કરીએ. ગાંધીજી એટલે અમારા તારણહાર. ગાદી માટે ઝઘડીએ, પણ ગાદીની પ્રાપ્તિ સુધી જ..! પછી ખાદી પહેરીને મોંઘીદાટ ગાડીમાં ફરીએ..!

વાત આડી, પણ સમય આવે ત્યારે ખાદી..! પછી તો જે દિશામાં પવન એ દિશામાં નાવડું હંકારીએ..!  બાપુએ તો અમને ખુરશી સુધી જવાનો રસ્તો બતાવ્યો, એમને વળી ભૂલાય..? ચાલ હવે, લાંબુ ભાષણ કરી નાંખ્યું. ક્યાં તો પ્રગટ થાઓ, ક્યાં તો મને મારું કામ કરવા દો. સ્વાતંત્ર્ય દિવસ વરસમાં એક જ દિવસ આવે છે, ને કામો ઘણાં બાકી છે. કામ નહિ થાય તો, આવતી કાલનું છાપું અમારા ‘ફોટુ’ વગર પ્રગટ થશે..! હું  એક વેપારી  છું..!

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે

રામ નામ શું તાળી લાગે, સકળ તિરથ તેના તનમાં રે

હવે હદ થાય છે હંઅઅઅ ? તારા ગળામાં પીન ચોંટી ગઈ કે શું..? સહેજ કોઠું આપ્યું એમાં તો લોહી પીવા બેઠો..! હવે તું જાય છે કે, પછી..?

હાહાહાહા…! આવી ગયો ને ઔકાત ઉપર..? મારા પ્રાગટ્યની ચિંતા છોડ, તું જ માણસ તરીકે પ્રગટ થા..! હું કોણ છું, એની જિજ્ઞાસા છોડ, તું જ તારો ગાંધી બની જા..!

તમે છો કોણ યાર..? પ્રગટ થવા કરતાં, પ્રવચન વધારે આપો  છો..? [ ત્યાં જ માણસના ખભે એક વાંદરું ચઢી ગયું.] અરે…ઉતર, નીચે ઉતર..! સહેજ મોંઢું આપ્યું, એમાં ખભે ચઢી ગયું..? ઉતર, નીચે ઉતર..!

સમ દ્રષ્ટિ તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે

જીહ્રવા થકી અસત્ય ન બોલે, પર ધન નવ ઝાલે હાથ રે

ઓહહહ..! એટલે કે, આ ભજન તું જ ગાતો હતો એમ ને  ? તું પણ અમારી જેમ બોલી શકે છે..?

કેમ કોઈ શંકા ?  તને ખબર નહિ હોય, ગાંધીજીના ત્રણ વાંદરા પૈકીનો એક વાંદરો હું પોતે છું. આ તો મને ચળ ઉપડી કે, પ્રજાસતાક પર્વના બહાને, લાવ એક આંટો ગુજરાતમાં લગાવી આવું. ને ‘ખુશ્બુ ગુજ્રરાતકી’ લેતો આવું, એમ કરવામાં તમે    આંટે ચઢી ગયાં..!

વાંદરવેડા ના કર, ને ગપ્પાં મારવાનું છોડ. ગાંધીજીને વાંદરા નહિ, ત્રણ વાંદરાનું રમકડું વ્હાલું હતું. એકને દેખાતું નહિ, બીજાને સંભળાતું નહિ, ને ત્રીજાથી બોલાતું નહિ…!

બસ, એ ત્રીજો વાંદરો તે જ હું..!  વિકાસ એવો ફાટ્યો કે, રમકડાંમાંથી અમે વાંદરા થઇ ગયા, ને તું એકબીજાના હાથનું રમકડું થઈ ગયો. હવે હું બોલતો થઇ ગયો છું. મારી જેમ  બાકીના બે વાંદરા પૈકી  એક દેખતું થઇ ગયું ને બીજું સાંભળતું થઇ ગયું..!  ત્યારે તું તો કોઈનું સાંભળતો પણ  નથી, ને કોઈ સામે જોતો પણ નથી. વાંદરા સુધરી ગયાં, માટે માણસ તું પણ સુધરી જા દોસ્ત..! વૈષ્ણવ જનના લેબલ લગાવી ક્યાં સુધી છેતરવાનો?

ખામોશ…!  તું મને ચાઈનાની પ્રોડક્ટ લાગે છે..! અમારા વાનરો તો ભગવાન શ્રી રામના ભક્તો હતા. ચાલ ખભેથી નીચે ઉતર. તારો ભાર લાગે છે.

ભાર તો આ જગતને તારો લાગે છે વત્સ..! એક પૂર્વજ તરીકે  એટલું જ કહેવું છે કે, ‘તું જ તારો ગાંધી બની જા. તો જ સાચું પ્રજાસત્તાક પર્વ કહેવાશે. જય શ્રી રામ..!!

લાસ્ટ ધ બોલ

બોલો વિદ્યાર્થીઓ લાલ કિલ્લો ક્યાં આવ્યો?

દિલ્હીમાં..!

ખોટું, સુરતમાં આવ્યો..!

અરે..? વિદ્યાર્થીઓ સાચું કહે છે, ને તમે ખોટું કેમ શીખવાડો..?

મારો છ મહિનાનો પગાર બાકી છે. એ નહિ ચૂકવે ત્યાં સુધી આમ જ ચાલશે,,,!

       – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top