આ એક વાક્ય યાદ રાખવા જેવું અને રોજ સતત બોલતાં રહેવા જેવું છે. વાક્ય છે ‘યુ આર યુનિક.’એક નાનકડી છોકરી ૮ વર્ષની સ્કૂલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે. તેની સ્કૂલમાં એન્યુઅલ ફન્કશન હતું અને છોકરીને તેમાં મુખ્ય રોલ મળ્યો.નાનકડી છોકરીએ બાળકની માતાનો રોલ કરવાનો હતો અને હાથમાં નાનકડી ઢીંગલી લઈને તેને સુવડાવતાં સુવડાવતાં હાલરડું ગાવાનું હતું. છોકરીએ મોર્ડન મમ્મીના લુકમાં સરસ ગાઉન પહેર્યું હતું.તે ગાઉનની ડીઝાઇનમાં લેસ અને મોતી હતાં.સ્ટેજ પર કાર્યક્રમ શરૂ થયો અને છોકરીએ ઢીંગલીને તેડીને હાલરડું ગાવાનું શરૂ કર્યું.
હવે એમ બન્યું કે ઢીંગલીના સોનેરી વાંકડિયા વાળ છોકરીના ગાઉનમાં મોતી સાથે ભેરવાઈ ગયા. હવે તે છોકરીએ હાલરડું પૂરું કરી બાળકને ઘોડિયામાં સુવડાવી દેવાનો સીન હતો.પણ ઢીંગલીના વાળ ભેરવાયેલા હતા તો તે તેને સુવાડી શકી નહિ,પણ નાનકડી છોકરી ગભરાઈ ન ગઈ.સ્ટેજ પર આટલા દર્શકો સામે ઊભા તો ન જ રહી જવાય અને શું તકલીફ થઇ છે તે પણ જાહેર ના કરાય એટલી સમજ છોકરીને હતી.તે ઘોડિયા નજીક ગઈ. બાળકને સુવાડવાની એક્ટિંગ કરી.પછી પોતાની જાતે જ ડાયલોગ ગોઠવીને બોલી, ‘અરે, મારા બાબુને નથી સૂવું. ઘોડિયામાં મમ્મી પાસે જ રહેવું છે.’આમ બોલીને બાળકને હાથમાં રમાડતાં તેણે ધીમે ધીમે વાળ મોતીમાંથી કાઢ્યા.નાટક શીખવાડનાર ટીચર સમજી ગયા કે કંઇક તકલીફ છે.બાકી બધાને એમ જ હતું કે નાટક જ ચાલુ છે.
હાલરડું ગાતાં ગાતાં ધીમે ધીમે વાળ મોતીમાંથી કાઢી લીધા બાદ છોકરી બોલી, ‘ચાલો બાબુ, હવે મમ્મીને બીજાં કામ છે. હવે ઘોડિયામાં સૂઈ જાવ’અને આટલો ડાઈલોગ બોલી તેણે બાળકને ઘોડિયામાં સુવાડી દીધું અને પોતે કામ કરવા રસોડામાં અંદર ગઈ અને વીંગમાં ઊભેલા ટીચરને ટૂંકમાં તકલીફ કહીને વળી સ્ટેજ પર પહોંચી ગઈ.આગળનો સીન બરાબર ભજવાયો. નાટક પણ પૂરું થયું અને બધાએ વખાણ્યું.આખો કાર્યક્રમ પૂરો થયો.અંતમાં સ્કૂલના પ્રિન્સીપાલ સ્ટેજ પર આવ્યા અને નાટકના ટીચરને બોલાવ્યા.ટીચરે આખી ઘટના અને છોકરીએ ડર્યા વિના સમયસૂચકતા રાખીને કરેલા પ્રયત્નો બધાને કહ્યા અને છોકરીની હિંમત અને વિચારશક્તિ માટે તેના ખૂબ વખાણ કર્યા. તેને ઇનામ આપવામાં આવ્યું.બધા દર્શકોએ પણ તાળીના ગડગડાટથી છોકરીને વધાવી.ઇનામ આપ્યા બાદ ટીચરે છોકરીને પૂછ્યું, ‘તને ડર ન લાગ્યો આટલી સૂઝબૂઝ અને હિંમત કયાંથી મળી.’
છોકરી બોલી, ‘સર, ત્રણ દિવસ પહેલાં બહુ ડરી ગઈ હતી કે નાટકમાં મારા આટલા લાંબા ડાઈલોગ છે.એકલા સ્ટેજ પર પરફોર્મ કરવાનું છે કેમ થશે? બરાબર નહિ થાય તો શું કરીશ? અને હું ડરીને રડવા લાગી હતી.ત્યારે મારી મમ્મીએ મને સમજાવ્યું હતું કે ભગવાને આપણને બધાને ખાસ બનાવ્યા છે.એવરી વન ઇસ યુનિક એટલે તું યાદ રાખજે કે ‘યુ આર યુનિક’તું ખાસ છે અને ખાસ કામો કરી શકે છે.બસ સતત આ યાદ રાખજે અને જયારે ડર લાગે ત્યારે મારી સામે અથવા તારા ટીચર સામે જોઈ લેજે અને મનમાં યાદ કરજે. ‘યુ આર યુનિક’તો તું બધું જ બરાબર ડર્યા વિના કરી શકીશ.બસ, મેં મમ્મીના આ શબ્દો યાદ કર્યા અને જે સૂઝ્યું તે પ્રમાણે કર્યું.’ટીચરે કહ્યું, ‘રીયલી, યુ એન્ડ ઓર મોમ આર યુનિક.’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.