Entertainment

‘નાયક નહીં, ખલનાયક હૈ તું..’, સંજ્ય દત્તે RSSના વખાણ કર્યા તો કોંગ્રેસને ખોટું લાગ્યું

બોલિવૂડ અભિનેતા સંજય દત્તના એક વીડિયો બાદ રાજકીય તોફાન ઊભું થયું છે. હાલ થોડા દિવસ પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની આગામી 100મી વર્ષગાંઠ નિમિત્તે સંજય દત્તે એક વિડિયો બનાવી તેમાં સંગઠનની પ્રશંસા કરી અને તેને દેશના સંકટ સમયમાં સાથ આપનાર સંસ્થા ગણાવી હતી. આ નિવેદન પછી કોંગ્રેસે અભિનેતાનો કડક વિરોધ દર્શાવ્યો છે અને અભિનેતાની ખુલ્લેઆમ ટીકા કરી છે.

સંજય દત્તનો વીડિયો વાયરલ
સંજય દત્તે તા. 2 ઓક્ટોબરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં તેમણે કહ્યું કે “RSS હંમેશા દેશની સાથે ઊભું રહ્યું છે ખાસ કરીને સંકટ અને મુશ્કેલીઓના સમયમાં.” તેમણે RSSની શતાબ્દી માટે શુભેચ્છાઓ પાઠવી. આ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકોએ દત્તના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો તો કેટલાકે તેમને નિશાન બનાવ્યા.

કોંગ્રેસનો આકરો પ્રતિકાર
કોંગ્રેસે સંજય દત્તના નિવેદનને લઈને નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસના નેતા સુરેન્દ્ર રાજપૂતે ‘X’ પર લખ્યું “તમે નાયક નથી, તમે ખલનાયક છો. તમે તમારા પિતાના લાયક નથી.” આ ટિપ્પણીને કારણે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે.

સંજય દત્તના પિતા દિવંગત સુનીલ દત્ત કોંગ્રેસના એક અગ્રણી નેતા અને સંસદ સભ્ય (MP) તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમની બહેન પ્રિયા દત્ત પણ કોંગ્રેસ સાથે સંકળાયેલી છે. આવા સમયે સંજય દત્ત દ્વારા RSSની પ્રશંસા કરવી તેમના પરિવારની રાજકીય વિચારસરણીના વિરુદ્ધ ગણવામાં આવી રહી છે.

સંજય દત્તનો ભૂતકાળ અને વિવાદ
સંજય દત્તનું નામ અગાઉ પણ વિવાદોમાં આવ્યું છે. 1993ના મુંબઈ સીરિયલ બ્લાસ્ટ કેસમાં ગેરકાયદે હથિયાર રાખવા બદલ તેમની ધરપકડ થઈ હતી. ટાડા હેઠળના આરોપોમાંથી તેઓ મુક્ત કરાયા હતા પરંતુ આર્મ્સ એક્ટ હેઠળ દોષિત ઠેરવાયા હતા અને જેલની સજા પણ ભોગવી હતી.

અભિનેતાની ચુપ્પી
હાલ સુધી સંજય દત્તે કોંગ્રેસના પ્રહારો પર કોઈ જવાબ આપ્યો નથી. સોશિયલ મીડિયા પર લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક દત્તની પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાક તેમને ભડકાવી રહ્યા છે. RSS પર બોલેલા શબ્દો સંજય દત્તના રાજકીય સંબંધો અને જાહેર છબી પર શું અસર કરશે તે આવનારા સમયમાં સ્પષ્ટ થશે.

Most Popular

To Top