Columns

નસીબદાર છે તું

સોહનના ઘરે તેનો મિત્ર રાજ રાત્રે ૧૧ વાગ્યે આવ્યો.રાજ એકદમ અપસેટ અને ગુસ્સામાં હતો.સોહને પૂછ્યું, ‘અરે દોસ્ત, ના ફોન ..ન મેસેજ અને અત્યારે અચાનક …’ રાજ બોલ્યો, ‘હા બસ એમ જ …તને ન ગમ્યું હોય તો જતો રહું?’ સોહન બોલ્યો, ‘અરે, આવું શું બોલે છે દોસ્ત ,કેમ ગુસ્સામાં છે?’ રાજ કંઈ બોલ્યો નહિ.સોહને થોડી વાર સુધી કંઈ પૂછ્યું નહિ અને તે બોલે તેની રાહ જોઈ પછી વાત શરૂ કરવા કહ્યું, ‘રાજ, ઘરમાં કોઈ નથી પણ કેરટેકર માસી કોફી સારી બનાવે છે પીશ?’ અને પછી સોહન જવાબની રાહ જોયા વગર માસીને બે કોફી બનાવો કહેવા કિચનમાં જતો રહ્યો.થોડી વારમાં માસી બે કપ ગરમ કોફી અને નાસ્તો આપી ગયા.સોહને પૂછ્યું, ‘રાજ, ચલ હવે કોફી પી અને મૂડ સારો કર અને મને કહે શું થયું?’

રાજ કોફી પીવા પહેલાં જ ચિડાઈને બોલ્યો, ‘જે છે તે આ ‘શું થયું?’ જ છે.હું આ શું થયું? ના સવાલથી જ કંટાળી ગયો છું.સવારે મોડો ઊઠું તો મમ્મી પૂછે શું થયું? તબિયત તો સારી છે ને? ફોનમાં લાંબી વાત કરું તો પણ શું થયું? કોનો ફોન હતો? ફોનમાં વાત ન કરું તો પણ શું થયું, ફ્રેન્ડસ સાથે ઝઘડો થયો? બહુ ખુશ ગીત ગાતો ઘરમાં ફરું તો નાનકડી બહેન પૂછે, ‘શું થયું આજે તો બહુ ખુશ છે?’ મોઢું ઊતરેલું હોય અને મૂડ ન હોય તો તે જોઇને પણ મમ્મી પૂછે, ‘શું થયું?’ કંઈ બોલતો ન હોઉં, ચુપચાપ હોઉં તો દાદા પૂછે, ‘ભાઈ, શું થયું, કેમ ઉદાસ છે? હું સાચે કંટાળી ગયો છું આ ઘરના બધાના ‘શું થયું?’ સવાલથી …કંઈ પણ કરો, કોઈક તો પૂછે જ ‘શું થયું?’

રાજની અકળામણ સાંભળીને સોહન હસવા લાગ્યો અને બોલ્યો, ‘દોસ્ત, સાવ પાગલ છે તું.’ રાજને કંઈ સમજાયું નહિ,સોહન આગળ બોલ્યો, ‘દોસ્ત મારા, બહુ નસીબદાર છે તું કે તારા જીવનમાં તારા ફેમિલી મેમ્બર્સ તારું આટલું ધ્યાન રાખે છે.તારા ચહેરા અને વર્તનથી સમજી જાય છે કે કૈંક થયું છે.સાચે જરા મોઢું ઊતરેલું હોય કે ચૂપ હોઈએ કે પછી ચહેરો અને આંખો ખુશીથી ચમકતી હોય અને ઘરમાં કોઈ પૂછે શું થયું?

આટલી દરકાર કરવાવાળા.ચિંતા કરવાવાળાં લોકો બધાંનાં નસીબમાં હોતા નથી.એક જ ઘરમાં રહેવા છતાં ખબર નથી હોતી કે પડી નથી હોતી કે એકબીજાના જીવનમાં શું થાય છે.મને જ જો, મારાં મમ્મી પપ્પા કે મોટા ભાઈ ભાભી પાસે મારી દરકાર લેવાનો સમય નથી. મને જોઇને, મારો ચહેરો અને વર્તન જોઇને ‘શું થયું?’ પૂછવાવાળું પણ કોઈ નથી. મારા જેવા ઘણા છે. તારા જેવા નસીબદાર કોઈક જ અને તું અકળાઈ જઈને ગુસ્સે થાય છે.’ સોહનની વાતે રાજની આંખો ખોલી.  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top