Comments

યોગી આદિત્યનાથની મુશ્કેલી વધતી જાય છે

ઉત્તર પ્રદેશમાં ભાજપને લોક્સભામાં પછડાટ મળી એની અસરમાંથી હજુ એ મુક્ત થયો નથી અને હવે વિધાનસભાની દસ બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાવાની છે એમાં ભાજપને પ્રતીતિજનક વિજય ના મળ્યો તો યોગીની મુશ્કેલી વધવાની છે. એમને મુખ્યમંત્રીપદ પરથી હટાવવાની વાતો વહેતી થતી રહે છે. અત્યારે તો એમની ખુરશી સલામત છે પણ એ ક્યાં સુધી? એ સવાલનો જવાબ બહુ જલદી મળવાનો છે.

યોગીજીને પહેલી વાર મુખ્યમંત્રી બનાવાયા ત્યારે જ બધાને આશ્ચર્ય થયું હતું. બીજી વાર ચૂંટણી જીત્યા એનાથી એમની ખ્યાતિ વધી અને એમણે અમુક મુદે્ કડક પગલાંઓ લીધાં એની પણ નોંધ લેવાઈ અને એમના સ્થાનની મજબૂતી વધી. ભાજપના એ સ્ટાર પ્રચારક પણ બની ગયા. પણ લોકસભાની ચૂંટણીમાં યુપીમાં ભાજપ એક રીતે તો પરાસ્ત થયો. ૮૦માંથી માત્ર ૩૬ બેઠકો મળી અને ઇન્ડિયા ગઠબંધનને ૪૩ બેઠકો મળી એ કારણે યોગીજી સામે સવાલોના તીર છૂટે એ સ્વાભાવિક છે.

બીજી બાજુ, ભાજપમાં આંતરિક રીતે જ અસંતોષ છે એ સપાટી પર આવવા લાગ્યો છે અને એમાં ય ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય દ્વારા યોગી પર હુમલા પર હુમલા થઇ રહ્યા છે એ દર્શાવે છે કે, યુપી ભાજપમાં બધું બરાબર નથી. મૌર્યે તો એમ પણ કહ્યું કે, ભાજપે અગાઉની ચૂંટણીમાં સારો દેખાવ કર્યો હતો એ માટે યુપી સરકાર નહિ ભાજપ અને મોદીની લોકપ્રિયતા જવાબદાર હતી. એમનો ઈશારો સીધો યોગી તરફ હતો. કેટલીક બેઠકોમાં બંને નાયબ મુખ્યમંત્રીઓની ગેરહાજરી પણ એ સ્પષ્ટ કરે છે કે, યોગીની શાસનપદ્ધતિથી ભાજપના જ કેટલાક લોકો નારાજ છે.

ગઈ લોકસભાની ચૂંટણીમાં યોગીએ ભલામણ કરેલાં ઉમેદવારોને પૂરતી ટિકિટ ના અપાઈ એ મુદે્ પણ નારાજગી રહી હતી. આ ઉપરાંત બુલડોઝર બાબા તરીકે યોગી ભલે ખ્યાતિ પામ્યા પણ એ જ કારણે યુપીમાં અનેક સમુદાયો એમનાથી નારાજ પણ થયા. સૂકા ભેગું લીલું  પણ બળી જાય છે એવી ફરિયાદો ઊઠી. કેટલાક કિસ્સામાં ભાજપના નેતાઓની સંડોવણી હતી ત્યાં સરકારી તંત્ર દ્વારા પગલાં લેવામાં ઢીલાશ દાખવાઈ એ મુદે્ પણ યોગી સરકારની ટીકાઓ થઇ છે. એમ પણ માનવામાં આવે છે કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને યોગીથી નારાજ છે.

તાજેતરની જ વાત કરીએ તો કેટલાક નિર્ણયો વિવાદ જગાવી ગયા. જેમ કે, કાવડિયાઓ જે માર્ગ પરથી નીકળે છે એ માર્ગ એટલે કે મુઝઝફરપુર સરકારી તંત્ર દ્વારા રસ્તા પર આવતા વેપારીઓને એમના નામનાં પાટિયાં મૂકવાનો ફતવો બહાર પડાયો. આ કારણે જે વિવાદ સર્જાયો અને વાત સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી  અને કોર્ટે એ નિર્ણય અટકાવી દીધો અને એ કારણે યોગી સરકારનું નાક કપાયું. હરદ્વારમાં આ જ રીતે મસ્જીદોને કપડાથી ઢાંકવાનો આદેશ થયો. એનો ય વિવાદ થયો.

આવા નિર્ણયો દ્વારા યોગી સરકાર વિધાનસભાની દસ બેઠકોમાં હિંદુ મુસ્લિમ આધારે જીત મેળવવા માગતા હોય તો એ એમની ભૂલ છે. કારણ કે, અયોધ્યા જે લોકસભા મતક્ષેત્રમાં આવે છે ત્યાં ભાજપ હાર્યો છે. જે દસ બેઠકોની ચૂંટણી થવાની છે એમાં પાંચ બેઠક પર તો સપા ચૂંટણી જીત્યો હતો. એમાંની કરહાલ બેઠક પર તો અખિલેશ યાદવ જીતેલા. દસમાંથી ભાજપ પાસે ત્રણ બેઠકો હતી. આ સ્થિતિમાં સપાની બેઠકો મેળવવાનો પડકાર છે. ભાજપે તો દસ મંત્રીઓને આ કામ સોંપી દીધું છે અને કહે છે કે, યોગીજી ખુદ દસેય બેઠકો પર નજર રાખી રહ્યા છે. બીજી બાજુ સપા ફુલ ફોર્મમાં છે અને કોંગ્રેસ પણ કેટલીક બેઠકો લડવા માગે છે. બસપાનું લોકસભામાં ખરાબ પ્રદર્શન રહ્યું અને એનો ફાયદો સપાને થયો છે અને ઇન્ડિયા દ્વારા પછાત , દલિત અને અલ્પસંખ્યક [ પીડીએ ] નીતિ અપનાવાઈ છે એ ભાજપને ભારે પડી છે. હવે પેટા ચૂંટણીમાં ભાજપ દેખાવ કેવો કરે છે એ મહત્ત્વનું બનવાનું છે.

વાયનાડની ઘટનાનો બોધપાઠ ક્યારે લેવાશે?
વાયનાડનાં ચાર ગામોમાં ભૂસ્ખલનના કારણે ૨૦૦ જેટલાં લોકો મૃત્યુ પામ્યાં છે અને એક ઘાયલ થયો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાન તો વધ્યું અને હવે વધુ વરસાદ પડી રહ્યો છે. આ કારણે અનેક જગ્યાએ દુર્ઘટના ઘટી છે. એમાં વાયનાડમાં બનેલી ઘટના આપણી ઊંઘ ઉડાવવા માટે પૂરતી હોવી જોઈએ. વિકાસના નામે જે થઇ રહ્યું છે એને કારણે પ્રકૃતિને નુકસાન પહોંચાડાઈ રહ્યું છે એનું આ પરિણામ છે અને આ મુદે્ રાજ્કારણ ના થાય એ જરૂરી છે. કેરળમાં સરકાર ડાબેરી પક્ષની છે અને કેન્દ્રના ગૃહ મંત્રી દ્વારા એમ કહેવાયું છે કે, કેરળને ચેતવણી આપવામાં આવી હતી.

એ વાત સાચી હોઈ શકે છે અને કેરળ સરકારે યોગ્ય પગલાં ના લીધાં હોય એવુંય બની શકે છે. પણ આ સમય કોની કેટલી ભૂલ છે એ નક્કી કરવાના બદલે આવી સમસ્યાનો ઉકેલ કઈ રીતે લાવી શકાય એ મુદે્ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંકલન હોવું જરૂરી છે. ઉત્તર ભારતમાં પણ આવી ઘટનાઓ બનતી રહે છે. પણ સમસ્યા એ છે કે, ઘટના થાય ત્યારે આક્રોશ જોવા મળે છે અને સરકારો દિલાસા દે છે પણ જે પગલાં લેવાવાં જોઈએ એ લેવાતાં નથી. રસ્તા મોટા થાય , હાઈ વે બને , એકસપ્રેસ વે બને એ ઇચ્છનીય છે પણ એ પ્રકૃતિના ભોગે ના બને એ જરૂરી છે. માળખાકીય સુવિધા વધે એ આવશ્યક છે પણ પ્રકૃતિને નુકસાન કર્યા વિના પણ વિકાસ થઇ શકે એ વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે . એમ નહિ થાય તો વાયનાડ જેવી ઘટનાઓ બનતી રહેશે.

ગુજરાતમાં ધારાસભ્યોમાં આક્રોશ

ગુજરાતમાં સરકારમાં ફેરબદલાવ અટકી પડ્યો છે અને ભાજપના નવા પ્રમુખની પસંદગી પણ વિલંબમાં પડી છે. બીજી બાજુ ભાજપના જ ધારાસભ્યોમાં રોષ છે કે એમની માગણીઓ પ્રત્યે અધિકારી ધ્યાન દેતા નથી. હમણાં રાજકોટ મહાપાલિકા દ્વારા મેયરની ઉપસ્થિતિમાં લોક દરબાર વોર્ડવાઈસ યોજાઈ રહ્યા છે અને એમાં ફરિયાદોનો ઢગલો થઇ રહ્યો છે.  રાજ્યમાં વરસાદના કારણે રસ્તાઓની જે હાલત થઇ છે એ મુદે્ પણ રોષ છે. ઘેડ [અણથકમાં વરસાદ આવે અને પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની છે પણ એનો ઉકેલ આવતો નથી.

આવા મુદે્ ધારાસભ્યો મુખ્યમંત્રી સુધી પોકાર કરે છે અને હમણાં કેબીનેટમાં કોઈ યુવા મંત્રીએ કહ્યું કે, ધારાસભ્યોની માગણીઓનો પત્ર મુખ્યમંત્રી સુધી પહોંચે એ પહેલાં મિડિયામાં વહેતો થઇ જાય છે. આ ના થવું જોઈએ. વાત તો સાચી છે. પણ સમસ્યા એ છે કે, સરકાર અને તંત્ર વચ્ચે મોટો ગેપ પડી ગયો છે. અધિકારી કહ્યામાં નથી અને એ બેકાબૂ બન્યા છે. આ કારણે ધારાસભ્યોની સાચી ભલામણ પણ સ્વીકારાતી નથી. અને એ મુખર બની જાય છે. એનાથી પાર્ટી અને સરકારની ઈમેજને નુકસાન પહોંચે છે. સી. આર. પાટીલ કેન્દ્રમાં ગયા છે અને એટલે રાજ્યમાં પક્ષમાં કોઈને કોઈ સાંભળતું નથી અને કહેતું પણ નથી.
કૌશિક મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top