ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે એક સ્પષ્ટતાઃ અહીં ચૂંટણીમાં નહીં, મુસાફરીમાં ઊભા રહેવાની વાત છે. કેવી હોય છે તે સ્થિતિ? તેનો જવાબ સામેવાળાની આધ્યાત્મિકતા, દાર્શનિકતા, ચિંતનપ્રિયતા કે વિચારજડતા પર છે. એક પ્રચલિત ખ્યાલ પ્રમાણે, ઊભા રહેવું એ મજબૂરી સૂચવે છે અને ઊભા રહેનારને દયાને પાત્ર ગણવામાં આવે છે. તેના માટે અપાતું કારણ એવું છે કે ‘માણસને બેસવાની જગ્યા ન મળી, ત્યારે એને ઊભા રહેવાનો વારો આવ્યો ને!’
પરંતુ રોજ અવરજવર કરનારા ઘણા લોકોને આ માન્યતા પાછળ રહેલી વૈચારિક ગરીબી પર, ઊભાં ઊભાં દયા છૂટે છે. સમાજનો નોંધપાત્ર વર્ગ ઊભા રહેવાનું મહાત્મ્ય સમજી શક્યો નથી, એ બદલ તેમને પારાવાર અફસોસ થાય છે અને ક્યારેક તો ‘આ સમાજ કેવી રીતે આગળ આવશે?’ એવાં વચનો પણ તપમગ્ન અવસ્થામાં-એટલે કે ઊભાં ઊભાં- તેમના મુખેથી નીકળી જાય છે.
કારણ? તેમના માટે ઊભા રહેવું એ તપ છે, સિદ્ધિ છે, હક છે. શોખ, શક્તિ અને શાન છે. ગૌરવ ને ગરીમા છે. ઓળખ ને અસ્મિતા છે. ઊભા રહેવું એ તેમના માટે અધિકાર છે ને કર્તવ્ય પણ. આવા લોકોને કોઈ માણસ બેસવાની જગ્યા આપવાની વાત કરે તો, લાંચની દરખાસ્તથી છેડાઇ જતા પ્રામાણિક અફસરની જેમ, તે ખળભળી ઊઠે છે. પોતાના ઊભા રહેવાના હક પર તરાપ વાગી હોય અથવા પોતાની ઊભા રહેવાની ક્ષમતા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હોય,એવો અપમાનબોધ તેમને થાય છે.
પોતાના રોષ પર માંડ કાબૂ રાખતાં એ જગ્યા આપનારને કહે છે, ‘ના રે. આપણા ક્યાં ભાંગી પડ્યા છે? એવું તે કેવું પોપલાપણું કે અડધો કલાક-કલાક ઊભા ન રહેવાય? આમ ને આમ જ લોકોનાં હાડકાં હરામ થઇ જાય છે ને દેશ આગળ આવતો નથી.’આમ કહીને પોતાના ગહન રાષ્ટ્રચિંતનની યોગ્ય નોંધ લેવાઈ કે નહીં, એ જોવા માટે તે આજુબાજુ નજર ફેરવે છે. પરંતુ બેસવા જેવી હીન ક્રિયામાં રત લોકો આવાં સોનેરી વચન ઝીલવાની પાત્રતા ક્યાંથી લાવે? તેમનો સમય મુખ્યત્વે ઊંઘવામાં, પત્તાં રમવામાં, બારીની બહાર જોવામાં, અળાસાવામાં કે ડાફોળિયાં મારવા જેવી વ્યર્થ ક્રિયાઓમાં વેડફાતો હોય છે. આવી ક્ષુલ્લક ક્રિયાઓ કરવા માટે બેઠક હાંસલ કરવા તેમણે કેટલા પ્રયાસ કર્યા હશે, કેટલાં ફાંફાં માર્યાં હશે, એ વિચારે ઊભા રહેલા જ્ઞાનીજનોના અંતરમાં કરુણા ઉભરાય છે. ઊભા રહેવાના આગ્રહી લોકોને મન બેસવું એ શબ્દાર્થમાં જ નહીં, ધ્વન્યાર્થમાં પણ અધઃપતન છે. બીજા અનેક દેશબાંધવો-ભગિનીઓ ઊભાં હોય ત્યારે પોતે એકલા બેઠા રહેવું એ તેમને લગભગ દેશદ્રોહ સમકક્ષ અને લોકવિરોધી કૃત્ય લાગે છે. ‘જગ્યા મળી નથી કે ધબાક દઇને પોદળાની માફક પડ્યા નથી! એવી તે કેવી વૃત્તિ? આટલા બધા ઊભા છે તો તમને પણ ઊભા રહેતાં શું થાય છે?’એવો પુણ્યપ્રકોપ તેમના મનમાં ફુંફાડા મારે છે.
‘ઊભા રહેવું એ મારો મુસાફરીસિદ્ધ અધિકાર છે’ એવું માનનારા કેટલાક લોકો ત્રણની બેઠક પર ચોથા કે પાંચમા જણ તરીકે બેસવા માટેની ઝુંબેશ આદરે, ત્યારે બેઠેલાને તેમાં દુરાગ્રહ કે દુષ્ટતા કે દાદાગીરીનાં દર્શન થાય છે. હકીકતમાં, અગવડપૂર્વક બેસવા માટે તકરાર કરતો માણસ આરામથી બેઠેલા લોકોના પાપમાં ભાગીદાર થવા ઇચ્છે છે. કમનસીબે, બેઠેલા લોકોનાં અંતરદ્વાર બંધ હોવાથી તેમને આવો વિચાર આવતો નથી અને આખી ઘટનાને તે ‘અપડાઉનિયાઓની લુખ્ખાગીરી’જેવું દુન્યવી નામ આપે છે.
આનાથી ઊલટું પણ ક્યારેક બને છે. મહાભારતના ધર્મ-અધર્મવાળા પેલા વિખ્યાત શ્લોકની જેમ કેટલાક મુસાફરો બેઠેલા હોય છે, પણ આમ કરીને પોતે અધઃપતન વહોર્યું છે એ તે જાણે છે. પોતાનો અપરાધભાવ ઓછો કરવા અને બીજા થોડા લોકોને પોતાના પાપમાં ભાગીદાર બનાવવા માટે એ પોતાની જગ્યા પર થોડા સંકોચાય છે અને ઇઝરાઇલના નકશામાંથી ગાઝા પટ્ટી જેટલી જગ્યા કાઢીને ઊભેલા કોઇ જણને ઇશારાથી નિમંત્રે છે.
ઊભો રહેલો માણસ પોતાના તપથી અજાણ હોય તો તે આ તક ઝડપી લે છે અને પાંચ-દસ મિનીટ પછી ‘આના કરતાં તો ઊભાં ઊભાં સારું હતું, પણ સામેથી બોલાવીને જગ્યા આપી, એટલે હવે ઊભા પણ શી રીતે થઇ જવાય?’એવું વિચારીને કોચવાયા કરે છે. તેમની સરખામણીમાં, ઊભા રહેવાના મામલે યોગી અવસ્થાએ પહોંચી ચૂકેલા લોકો આવાં પ્રલોભનોથી ચળતા નથી.
આછું હસીને અને ગાઝાપટ્ટીના ભવિષ્યની આગોતરી કલ્પના કરીને તે સાંકડમાંકડ બેસવાનો પ્રસ્તાવ, એકાદ સારું બહાનું કાઢીને ઠુકરાવે છે. મોટા ભાગના લોકોએ જગ્યા માટે ઝઘડાઝઘડી થતી જોઇ હોય, એટલે મુસાફરીમાં ઊભા રહેવાનો આટલો મહિમા જાણીને તેમને નવાઈ લાગી શકે છે. પરંતુ, ઉચ્ચ ભૂમિકા ધરાવતી ઘણી ખરી વાતો વ્યવહારુ દુનિયાનાં લોકોને સહેલાઈથી ક્યાં સમજાય છે? ઊભા રહેવું અને ત્યાર પછી પણ આનંદમાં રહેવું તે એક કળા અને સિદ્ધિ છે. ગીતાની પરિભાષા જ માફક આવતી હોય એવા લોકો તેને ‘યોગ’ પણ ગણી શકે. એ દૃષ્ટિએ, બેસવાની જગ્યા મળવા છતાં, ‘આપણને ઊભા ઊભા વધારે ફાવશે’ અથવા ‘કલ્લાક માટે કોણ બેસે?’ એવાં વચનો ઉચ્ચારનારને ‘હઠયોગી’નો દરજ્જો આપી શકાય.
કંઈ પણ કર્યા વિના, કેવળ ઊભા રહેવાથી પુણ્ય મળતું હોય, છતાં લોકો મોહાંધ થઈને બેસવા માટે પડાપડી કરે, એનું નામ તો હળાહળ કળિયુગ.