Charchapatra

યોગ દિન રોજ દિન

21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે આખું વિશ્વ યોગ કરી સોશ્યલ મિડિયામાં છવાઈ જશે. ખરેખર આ ભાગદોડભરી જિંદગીમાં યોગનું મહત્ત્વ ફકત એક જ દિવસ પૂરતું યાદ આવે છે. પછી ફરી પાછું જૈસે થે! સવારથી ઘડિયાળને કાંટે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા દોડતો મધ્યમ વર્ગનો માણસ તો પોતાની શારીરિક તંદુરસ્તી માટે સમય આપી શકતો જ નથી અને આર્થિક રીતે સદ્ધર વ્યક્તિઓ મોટા મોટા જીમ અને યોગા કલાસમાં જઇને પોતાનો સમય પસાર કરે છે. પોતાના ઘરનું કામ બાઈ પાસે કરાવી બોડી મેઈન્ટેન માટે યોગા કલાસ અને જીમમાં જતી ઘણી બધી સ્ત્રીઓ હશે. પરંતુ પહેલાંના સમયમાં જાતે કરવામાં આવતાં કામો જેવાં કે કૂવે પાણી ભરવું, તળાવે કપડાં ધોવાં, ઢોરનું વાસીદું કરવું,ઘરની સાફસફાઈથી માંડીને કાચાં ઘરોમાં લીંપણ કરવું. આ બધાં કામો એ સ્ત્રીઓ માટે યોગા અને કસરતથી કમ ન હતાં. જેમને નખમાં પણ રોગ ન હશે.

જયારે હાલની પેઢીનાં તો બાળકો જ પાંગળાં હોય છે. શાળાના અડધા કલાકના કસરતના તાસમાં પણ ઊભા ન રહી શકનાર બાળકો પીઝા-બર્ગર જેવા ફાસ્ટફુડ ખાઈ મોબાઈલ અને ટી.વી.માં સમય પસાર કરી શારીરિક કસરત અને ખેલકૂદની દુનિયા (બાહ્ય રમતો)થી વંચિત રહી જાય છે. જે તેમના શારીરિક સ્વાસ્થ્ય માટે જોખમી છે, માટે દરેક માતા-પિતાએ આજના આ યોગદિને શરૂઆત કરી પોતાના બાળકના સ્વાસ્થ્ય માટે જાગૃત બનવાની જરૂર છે. તમામને યોગ દિવસની શુભકામના અને વિશ્વયોગ દિનને આપણે રોજ મનાવીએ એવી અભ્યર્થના.
અમરોલી – પટેલ પાયલ વી. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ગુજરાત પોલીસને અભિનંદન
ગુજરાત રાજયની વસ્તીના પ્રમાણમાં પોલીસ કર્મચારીઓની સંખ્યા ખૂબ ઓછી હોવા છતાં તેમની કામગીરી ઊડીને આંખે વળગે એવી છે. ગુજરાતની આર્થિક, સામાજિક, ઔદ્યોગિક સુખ-સમૃધ્ધિથી આકર્ષાઈને અન્ય રાજયમાંથી રોજી-રોટી મેળવવા માટે આવતાં લોકોને કારણે પણ ગુજરાતની વસ્તીમાં પ્રતિવર્ષ વધારો થતો રહે છે. જેની સરખામણીમાં પોલીસ કર્મચારીની સંખ્યામાં વધારો થતો હોતો નથી. પરંતુ ગુનાઓની સંખ્યા અને નવા નવા પ્રકારના ગુનાઓમાં વધારો થતો રહે છે. પોલીસ મિત્રો પોતાના જાનની, પરિવારની પરવા કર્યા વગર ગુનાઓને ઉકેલવા ૨૪*૭*૩૬૫ દિવસ ફરજ બજાવતા હોય છે.

એમને મળતું આર્થિક વળતર પ્રમાણમાં ખૂબ ઓછું હોવા છતાં રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક ઘટનાઓ, માનવસર્જિત કે કુદરતી આફતોમાં કેટલીક વાર તો દિવસો સુધી ભૂખ્યા-તરસ્યા રહીને, પરિવારથી દૂર રહીને પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા હોય છે. આતંકવાદ, ડ્રગ્સ માફિયા, જમીન માફિયા, ચોરી, લૂંટફાટ, ખૂનામારકી જેવા અનેક ગુનાઓમાં ખૂંખાર ગુનેગારોનો સામનો કરતાં કોઈક વાર તો શહીદી પણ વહોરી લેતા હોય છે. પોલીસ તંત્રમાં કેટલીક નબળાઈઓ હોવા છતાં એમની કામગીરી અભિનંદનીય છે એ આપણે સ્વીકારવું રહ્યું. આપણી આજની સલામત જિંદગી માટે સૌ પોલીસમિત્રોને ધન્યવાદ.
સુરત     – મિતેશ પારેખ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top