યેમેન અને આરબ દેશો વચ્ચેના યુદ્ધમાં ૩,૭૭,૦૦૦ લોકો માર્યા ગયા છે

આપણે યુદ્ધ વગરની દુનિયાની કલ્પના કરીએ છીએ ત્યારે સાઉદી અરેબિયાની દક્ષિણે આવેલાં યેમેનમાં સાત વર્ષથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. સાત વર્ષ પહેલાં હૌથી બળવાખોરો દ્વારા યેમેનનો કબજો લઇ લેવામાં આવ્યો ત્યારે તેના પ્રમુખ ભાગીને સાઉદી અરેબિયાના શરણે ગયા હતા. સાત વર્ષથી સાઉદી અરેબિયા તેમ જ બીજા આરબ દેશો યેમેનને મુક્ત કરવા મથી રહ્યા છે, પણ હૌથી બળવાખોરો મચક આપતા નથી. સાઉદી અરબ અને યુનાઇટેડ આરબ અમીરાત દ્વારા સતત કરવામાં આવતા હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં નાગરિકો અને બળવાખોરો મળીને ૩.૭૭ લાખ લોકોનાં મોત થયાં છે.

સાઉદી અરેબિયાને અમેરિકાનો ટેકો છે તો હૌથી બળવાખોરોને ઇરાનનો ટેકો છે, જેને કારણે આ યુદ્ધનો અંત આવતો નથી. થોડા દિવસ પહેલાં સાઉદીનાં વિમાનો દ્વારા સાદા શહેરમાં આવેલાં શરણાર્થી કેન્દ્ર પર હવાઈ હુમલો કરવામાં આવ્યો તેમાં સ્ત્રીઓ અને બાળકો સહિત ૭૦ નિર્દોષ નાગરિકોનાં મોત થયાં હતાં અને ૧૩૮ ઘાયલ થયાં હતાં. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા પણ આ હવાઈ હુમલાની કડક નિંદા કરવામાં આવી હતી. આ હુમલાનો બદલો લેવા હૌથી બળવાખોરો દ્વારા પહેલી વખત અબુ ધાબીના એર પોર્ટ પર મિઝાઇલો અને દ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ત્રણ નાગરિકોનાં મોત થયાં હતાં.

હૌથી બળવાખોરોના આ હુમલાને કારણે સંયુક્ત આરબ અમીરાતના શાસકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. તેના નાગરિકો હવાઈ હુમલાની કલ્પનાથી થથરી ગયા છે. સાત વર્ષ જૂના યુદ્ધનો આ ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ શકે છે. સોમવારે સવારે હૌથી બળવાખોરો દ્વારા અબુ ધાબી પર બે વધુ બેલાસ્ટિક મિઝાઇલ છોડવામાં આવ્યા હતા, પણ તેનો નાશ કરવામાં સંયુક્ત આરબ અમીરાતના સૈન્યને પહેલી વખત સફળતા મળી છે. આ મિઝાઇલને નિષ્ફળ બનાવવા અમેરિકા દ્વારા આપવામાં આવેલી થાડ મિઝાઇલ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અબુ ધાબી અને દુબઈમાં તો ખાનગી દ્રોનને પ્રતિબંધિત કરવામાં આવ્યાં છે.

મધ્ય-પૂર્વમાં સાઉદી અરેબિયાની દક્ષિણે નાનકડો યેમેન નામનો દેશ આવેલો છે. યેમેનના ઉત્તર ભાગમાં શિયાઓની બહુમતી છે તો દક્ષિણ ભાગમાં સુન્નીઓની બહુમતી છે. અમેરિકાની મલ્ટીનેશનલ કંપનીઓ યેમેનમાંથી ખનિજ તેલ કાઢીને તેની નિકાસ કરતી હોવાથી અમેરિકા માટે યેમેનનું મહત્ત્વ છે. યેમેનમાં જે સરકાર હતી તે સુન્નીઓની બનેલી હતી, જેના પ્રેસિડન્ટ અબ્દ-રબ્બુ-મનસોર-હાદી અમેરિકાના પિઠ્ઠુ ગણાય છે.

અમેરિકાની સુન્ની ત્રાસવાદીઓ સામેની લડાઇમાં આ સુન્ની પ્રેસિડન્ટ સહકાર આપતા હતા તેને અમેરિકાની વિદેશ નીતિની મોટી સફળતા ગણાવવામાં આવતી હતી. હવે યેમેનમાં પરિસ્થિતિ એકદમ પલટાઇ ગઇ છે. ઉત્તર યેમેનમાં રહેલા હૌથી શિયા બળવાખોરોએ ૨૦૧૪ ના સપ્ટેમ્બર મહિનામાં પાટનગર સાનાનો કબજો લઇ લેતાં પ્રેસિડન્ટ હાદીને દક્ષિણે આવેલાં શહેર એડનમાં શરણું લેવાની ફરજ પડી હતી. હૌથી બળવાખોરોના હાથમાં એડન શહેર આવી જતાં પ્રેસિડન્ટ હાદી ભાગીને સાઉદી પહોંચી ગયા હતા. સાઉદી અરેબિયા સુન્ની દેશ છે. તેણે હૌથી બળવાખોરો સામે યુદ્ધ જાહેર કર્યું છે. તેમાં દુનિયાના ૧૦ સુન્ની દેશો પણ જોડાઇ ગયા છે.

યેમેનના સુન્ની શાસકોને સાઉદી અરેબિયા સહિતના ૧૦ સુન્ની મુસ્લિમ દેશોનો ટેકો મળ્યો છે તો સરકાર સામે લડી રહેલા શિયા હૌથી બળવાખોરોને ઇરાનનો જબરદસ્ત ટેકો મળ્યો છે, કારણ કે ઇરાનમાં શિયાઓની બહુમતી છે. અમેરિકા સુન્ની ઇસ્લામિક સ્ટેટ સામેની લડાઇમાં ઇરાનનો ટેકો લઇ રહ્યું છે, પણ યેમેનની સુન્ની સરકારને બચાવવાની બાબતમાં તે ઇરાનની સામે આવી ગયું છે. યેમેનનો ભૂતકાળ પણ વૈવિધ્યથી ભરેલો છે. ઇસવી સન પહેલાં યેમેન પગાન ધર્મનું કેન્દ્ર હતું. ઇ.સ. ૨૭૫ ની સાલમાં યેમેન યહૂદી રાજાઓના આધિપત્ય હેઠળ આવ્યું હતું. ઇસુની ચોથી સદીમાં ત્યાં ખ્રિસ્તીઓ આવ્યા હતા.

તેમણે પોતાના ધર્મનો પ્રચાર શરૂ કર્યો. ઇસુની સાતમી સદીમાં યેમેન ઇસ્લામના રંગે રંગાઇ ગયું. વીસમી સદીનું યેમેન ઓટોમાન અને બ્રિટીશ સામ્રાજ્ય વચ્ચે વહેંચાયેલું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઉત્તર યેમેનમાં શિયાઓનું રાજ હતું. તેની સરકાર સામ્યવાદી હતી. દક્ષિણ યેમેન ઇ.સ. ૧૯૬૭ સુધી બ્રિટીશરોના કબજામાં રહ્યું હતું. ઇ.સ. ૧૯૯૦ માં ઉત્તર અને દક્ષિણ યેમેનને જોડીને યેમેનના આધુનિક પ્રજાસત્તાકની રચના કરવામાં આવી હતી. માત્ર ૩૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવેલું યેમેનનું રાજ્ય આજે પોતાના અસ્તિત્વની લડાઇ લડી રહ્યું છે.  જો અમેરિકા દ્વારા સાઉદી અરેબિયા મારફતે યેમેનના પ્રમુખ અબ્દ-રબ્બુ-મનસોર-હાદીને ટેકો આપીને સાઉદી અરેબિયામાં શરણ ન આપવામાં આવ્યું હોત તો યેમેનમાં હૌથી સરકાર રાજ કરતી હોત.

યેમેનના જે શિયા હૌથી બળવાખોરો છે તેમનો બહુ લાંબો ઇતિહાસ છે. યેમેનનું આધુનિક રાજ્ય અસ્તિત્વમાં આવ્યું તેના પહેલાં હજારો વર્ષોથી તેઓ ઉત્તર યેમેનમાં રાજ કરતા હતા. અગાઉ તેઓ યેમેનના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અલી અબ્દુલ્લા સાલેહના દમન સામે લડતા હતા. ઇ.સ.૨૦૧૧ માં અમેરિકાની સહાયથી સાલેહને ઉથલાવીને હાદી સત્તા પર આવ્યા હતા. આજની તારીખમાં પણ ભૂતપૂર્વ પ્રેસિડન્ટ સાલેહ યેમેનના લશ્કર પર વગ ધરાવે છે. હવે હૌથી બળવાખોરોને સાલેહનો પણ ટેકો મળ્યો હોવાથી તેમની તાકાત વધી ગઇ છે. હૌથી બળવાખોરોના કબજામાં યેમેનનો લગભગ ૯૦ ટકા ભૌગોલિક પ્રદેશ આવી ગયો છે. યેમેનનું જે લશ્કર હતું તેના ૯૦ ટકા ઉચ્ચ અધિકારીઓ અને સૈનિકો પણ બળવાખોરો સાથે જોડાઇ ગયા છે. યેમેન પાસે જે ફાઇટર વિમાનો હતાં તેનો કબજો પણ બળવાખોરોના હાથમાં આવી ગયો છે. યેમેનની સરકાર સંપૂર્ણપણે ભાંગી પડી છે.

અમેરિકાના દુશ્મન અલ-કાયદાના પિત્રાઇ ભાઇ જેવું સંગઠન યેમેનમાં કાર્યરત છે. તેના પર અંકુશ રાખવા અમેરિકાએ પોતાના ૧૨૫ સૈનિકો યેમેનમાં રાખ્યા હતા. યેમેનમાં યુદ્ધ શરૂ થયા પછી અમેરિકાએ આ સૈનિકોને પાછા બોલાવી લીધા છે. યેમેનમાં ઇસ્લામિક સ્ટેટનું ત્રાસવાદી સંગઠન પણ સક્રિય થયું હોવાનું કહેવાય છે. થોડા સમય પહેલાં તેણે યેમેનમાં આવેલી શિયા મસ્જિદ પર બોમ્બમારો કર્યો હતો. યેમેનની અંધાધૂંધીનો લાભ લઇને આ સંગઠનો પગદંડો જમાવે તેવું પણ બની શકે છે. વર્તમાનમાં લિબિયા, સિરિયા, ઇરાક, ઇરાન અને યેમેનમાં જે કોઇ ઉથલપાથલો ચાલી રહી છે, તેના મૂળમાં તેમની જમીનમાં પડેલા ખનિજ તેલના ભંડારો છે. આ ભંડારોને લૂંટવા માટે યુરોપ અને અમેરિકાની મલ્ટીનેશનલ કંપનીઓએ તે દેશોમાં પોતાનાં થાણાંઓ નાંખ્યાં છે. આ થાણાંઓની રક્ષા કરવાનું કામ લશ્કરને સોંપવામાં આવ્યું છે. તેલને કારણે આ દેશોમાં યુદ્ધો થાય છે; પ્રજા હિંસાની આગમાં હોમાઇ જાય છે. આરબ દેશોમાં સમૃદ્ધિ લાવનારું તેલ વિનાશનું પણ કારણ બની ગયું છે.

અમેરિકા જે દેશોમાં હસ્તક્ષેપ કરે છે ત્યાંની શાંતિ જોખમાઇ જાય છે. અમેરિકાએ ઇરાક ઉપર હુમલો કરીને સદ્દામ હુસૈનને ફાંસીએ ચડાવ્યા હતા. ત્યાર પછી અમેરિકાએ ઇરાકમાં જે પૂતળાં સરકારની સ્થાપના કરી તે ઇરાકને અખંડ રાખી શકી નથી. અત્યારે ઇરાકના અડધા ભાગ ઉપર ઇસ્લામિક સ્ટેટના ત્રાસવાદીઓનો કબજો છે. અમેરિકા ઇરાક વતી લડી રહ્યું છે. ઇસ્લામિક સ્ટેટે સિરિયા ઉપર પણ પોતાનો કબજો જમાવ્યો છે. ત્યાં પણ અમેરિકા લડી રહ્યું છે. સિરિયા અને ઇરાક નામના દેશો નકશામાં જેવા દેખાય છે તેવા રહ્યા નથી. હવે યેમેનની પણ તેવી હાલત થઇ છે.

Most Popular

To Top