ગાંધીનગર : મધ્ય અરબ સાગરમાં ઉદ્ભવેલું ચક્રવાતી વાવાઝોડું હાલમાં મજબૂત બન્યુ છે એટલું જ નહીં તે ઓમાન તરફ સરકી રહ્યું છે. જો કે તેની અસર હેઠળ દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. હવમાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ રાજયમાં 24 કલાક માટે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયુ છે. જેમાં પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ થઈ શકે છે.
બીજી તરફ ચોમાસુ સિસ્ટમ પૂરી પણ થઈ રહી છે. હાલમાં જે વરસાદ થઈ રહ્યો છે, તે અરબ સાગરમાં રહેલા ચક્રવાતની અસર હેઠળ થઈ રહ્યો છે. 24 કલાક માટે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયમાં આજે રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 69 તાલુકાઓમાં હળવો વરસાદ થયો હતો. જેમાં ભૂજમાં સવા બે ઇંચ, છોટા ઉદેપુરના બોડેલીમાં સવા બે ઈંચ, અમરેલીમાં પોણા બે ઇંચ, ડભોઈમાં સવા ઇંચ, પંચમહાલના જાબુંઘોડામાં સવા ઇંચ, ખંભાળિયામાં સવા ઇંચ, પાટણના ચાણસ્મામાં એક ઇંચ, ગોધરામાં 1 ઈંચથી વધુ , ગોંડલમાં 1 ઇંચ, છોટા ઉદેપુરમાં 1 ઈંચ જેટલો વરસાદ થયો હતો.
છેલ્લા 24 કલાકની અંદર રાજયમાં 93 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો. જેમાં સવા ત્રણ ઇંચ, જેતપુરમાં 2.44 ઇંચ, જામજોધપુરમાં 2.4 ઇંચ, અમરેલીના કુકાવાવ વડિયામાં સવા બે ઈંચ જેટલો વરસાદ થયો હતો. રાજયમાં મોસમનો સરેરાશ 139.24 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 184.95 ટકા , ઉત્તર ગુજરાતમાં 115.11, મધ્ય – પૂર્વ ગુજરાતમાં 133.34 ટકા , સૌરાષ્ટ્રમાં 146.59 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 144.67 ટકા જેટલો વરસાદ થયો છે.