Columns

યે તેરા ચહેરા,… સંવેદના કા પહેરા!

ગાડી પાર્ક કરી હું એક એરકંડિશન્ડ ફોટોશોપમાં તેના મેઇન કાચનાં બારણાંને જરા હળવેથી ધકેલી અંદર પ્રવેશ્યો. બહારના સૂરજના ગ્લેરથી અંજાયેલો હતો અને અંદર જરા સેમી ડાર્કરૂમ જેવું વાતાવરણ હતું. દુકાનમાં આવ્યા પછી હું જરા આજુબાજુ જોઇને મારી આંખોનું એડેએપ્ટેશન કરી રહયો હતો. એટલામાં તો સામેથી અવાજ આવ્યો, “બોલો સાહેબ, શું સેવા કરું?” સામે કાઉન્ટરની પાછળ ઉભેલા બે ચાર યુવક-યુવતીઓમાંથી એક ભાઇએ જરા કડક ટોનમાં કીધું.

હું કાઉન્ટર નજીક ગયો તો તે ભાઈ પણ કડક ચહેરાવાળા લાગ્યા. કદાચ દુકાનના માલિક હશે, “એક ફોટો પડાવવો છે.” મેં દુકાનમાં તેમની પાછળ વ્યૂ બોર્ડ ઉપર ગોઠવેલા ફોટાઓ સામું જોતાં જોતાં કીધું “બસ એક જ!” પેલા ભાઈને કદાચ મારું તેમની સામું નહીં પણ બીજાના લગાડેલા ફોટાઓ સામે જોવાનું ખટકયું લાગ્યું, “હા, ફોટો તો એક જ પડાવવો છે પણ તેની કોપી દસેક જોઇશે’’ મેં જરા તેમનો મુડ લાવવા થોડી ટીખળ કરી, “હા, હા, કોપી તો તમે કહેશો તેટલી મળશે” હસતાં હસતાં પેલા ભાઈએ મારા હાથમાં એક પ્રીપ્રિન્ટેડ બોર્ડ પકડાવી દીધું. તેમાં જુદી જુદી સાઇઝના ફોટાની જુદી જુદી સંખ્યાની જુદી જુદી કિંમત લખેલી હતી.

બોર્ડ હાથમાં રાખી હું વાંચવા માંડયો, “સાહેબ, પાસર્પોટ માટે ફોટો પડાવવો છે કે વિઝા માટે?” મારા મોં સામું જોતાં જોતાં તેણે અચાનક મારા મનની વાત કરી. મેં પણ બોર્ડમાં નમી પડેલું મારા ચહેરાનું સિગ્નલ ઊંચું કર્યું. “વીઝા માટે, પાસપોર્ટ તો મારી પાસે છે. હા પણ તમને કેવી રીતે ખબર પડી કે હું પાસપોર્ટ કે વીઝા માટે જ ફોટો પડાવવા આવ્યો છું? ” કયુરિઓસિટિ કરતાં મને જરા ટાઇમપાસ કરવાનું મન થયું. “સાહેબ તમારી ઉંમર કોઇ કોલેજમાં એડમિશન લેવા જેવી તો લાગતી નથી કે આઇ કાર્ડ કે બસનો પાસ કઢાવવા તમારે ફોટાની જરૂર પડે.”

મારા ચહેરા સામું જોઇ, મારા સફેદ વાળ અને તેમાં વચ્ચે ડોકાતી ટાલ ઉપરથી તેમનું નિદાન પરફેકટ હતું. “તમારી વાત સાચી છે. મારે વીઝા માટે એપ્લાય કરવાનું છે. બે ઇંચ બાય બે ઇંચનો ફોટો જોઇશે.” મેં તેમને ફોટાની એકઝેટ સાઇઝવાળું વીઝા ફોર્મનું કાગળ બતાવ્યું. પેલાએ તેની સામું જોયું ના જોયું કરી તેના એક આસિસ્ટન્ટને આંખથી મને અંદર લઇ જવાનો ઇશારો કર્યો. “સાહેબ જરા અંદરના રૂમમાં આવો.” પેલો ઉત્સાહી આસિસ્ટન્ટ મને અંદરની બાજુ દોરી ગયો. રૂમમાં અંદર જતાં પહેલાં રીફલેક્સલી મારાથી બૂટ કઢાઇ ગયા. પેલો આ જોઇને મને ઇશારાથી કહે ચાલશે રહેવા દો. આમે ય ફોટો આપણે ચહેરાનો લેવાનો છે. તમારી ફૂલ સાઈઝનો નહીં. “સાહેબ, આજકાલ દવાખાનામાં બહુ અવર જવર લાગે છે.” ડાર્કરૂમના ગંભીર વાતાવરણને કદાચ હળવું કરવા તેણે હસતાં હસતાં મારી બૂટ ઉતારવાની ચેષ્ટાને અનુમાનના શબ્દોથી મઢાવી. “હા, મારે રોજ દવાખાને જવું પડે છે” મેં તેની ફિરકી લેવાનું ચાલુ કર્યું.

‘’એમ? કોઇ ઘરમાં બહુ સીરિયસ- માંદું છે?” મને હતું જ કે પેલો સિમ્પથેટીક થવાનો. ઉત્સાહમાં એલિસબ્રીજ પુલની જેમ. બહુ માંદું- સીરિયસ બોલ્યો, ભલા માણસ બહુ માંદું એટલે જ સીરિયસ કહેવાય. “ના રે, ઘરમાં કોઇ માંદું નથી, હું પોતે જ ડૉકટર છું એટલે રોજ મારા દવાખાને જવું પડે છે. પાપી પેટનો સવાલ છે.” મેં તેમના બતાવેલા ટેબલ ઉપર બેસતાં બેસતાં, હસતાં હસતાં નિખાલસ વાત કરી. પેલો જરા છોભીલો પડ્યો હોય તેવું લાગ્યું. મારી પાસે આવી મારું પોશ્ચર સેટ કર્યું. કમર સીધી, છાતી બહાર, ગળું એકદમ ઊંચું અને ચહેરો સામે. પછી મારાથી ત્રણેક ફૂટ દૂર ઊભા રહી તેનો કેમેરા રીસેટ કરવા બેઠો. તેના આસિસ્ટન્ટ સાથે વાત કરી પૂછી લીધું કે આ પહેલાં કેટલા ફોટા પાડયા અને આમનો ક્યો નંબર આવશે તે એક કાગળ ઉપર લખાવ્યું.

સ્વાભાવિક છે કે ઓસીલેટીંગ ફેનની જેમ મારી નજર પેલા આસિસ્ટન્ટ તરફ જાય. મેં વગર પૂછયે મારું નામ જણાવ્યું ડો. કિરીટ વૈદ્ય. મારો આશય સરળ હતો. ભૂલથી ભળતો ફોટો ના આવી જાય. પેલો કેમેરામેન કહે, ‘’ડાકટર સાહેબ, નામ બિલ ઉપર લખાવજો. અહીં તો અમારું કામ ફોટા નંબરથી જ ચાલે છે. હા હવે પાછું મોં સીધું કરો. ચહેરો જરા દાઢીથી સહેજ ઊંચો કરો. જરા ડાબી બાજુ ફેરવો. બરાબર. હવે બંને કાન દેખાય છે. હું ઓ કે ના કહું ત્યાં સુધી આ કેમેરા સામું જોયા કરો” પેલો કેમેરામાં મારું પ્રતિબિંબ ચેક કરવા લાગ્યો. રેડી કીધું એટલે મેં જરા ચહેરા ઉપર સ્માઇલ રેડયું. આંખોમાં ચમક બતાવી.

હોઠ ઉપર પણ હળવાશ લહેરાવી. ફોટો પડયાની કિલકનો અવાજ અને ઓકે મને સાથે જ સંભળાયા. હું સાવધાનમાંથી વિશ્રામમાં આવી ગયો. બેઠા બેઠા કમર ઢીલી કરી, ટેબલ ઉપરથી ઊભો જ થવા જતો હતો ત્યાં પેલાએ નજીક આવી તેના ડિજીટલ કેમેરામાં મને મારો ફોટો દેખાડયો. હું મારા ચહેરા કરતાં પેલા ફોટામાં મોં ઉપર કોમાની જેમ ગોઠવાયેલા બે કાન બરાબર દેખાય છે ને? તે ધ્યાનથી જોતો હતો. પેલાને લાગ્યું કે મને જ મારો ફોટો નથી ગમ્યો લાગતો. મારા ચહેરા ઉપર તેને ઇચ્છિત હાવભાવ જોવા ના મળ્યા એટલે મને ફરી એકશન રીપ્લે કરવા જણાવ્યું. “એક બીજો સ્નેપ લઇ લઇએ જેથી તમારે ફરી આવવું ના પડે”. હસતાં હસતાં મેં કીધું “બીજા ફોટાના એક્સ્ટ્રા પૈસા તો નહીં થાય ને” પેલાએ પણ હસતાં હસતાં મારો હસતો ફોટો ફરી પાડયો. મને નંબરવાળી એક નાની ચબરખી આપી બીજા દિવસે ફોટા લઇ જવા કીધું.

માણસના ચહેરાને જેટલું ઇમ્પોર્ટન્સ આ અમેરિકા કે ઇંગ્લેન્ડની એમ્બેસીવાળા આપે છે તેટલું તો કોઇ વ્યકિતએ પણ માથું ઓળવા સિવાય અરીસા સામું જોઇને જાતે પણ નહીં આપ્યું હોય. આતંકવાદીઓની મહેરબાની બીજું શું! તેમને ફોટો પણ સ્પેશ્યલ સાઇઝનો એટલે કે બે બાય બે ઇંચનો જોઇએ. તેમાં તમારો ચહેરો છાંસઠ ટકા જેટલી જગ્યા રોકતો હોવો જોઇએ. પાછળ સફેદ બેકગ્રાઉન્ડ જોઇએ અને ખાસ તો સ્ટીરિયો સીસ્ટમના બે સ્પીકરની જેમ બે કાન બરાબર એકબીજાથી અવળા દેખાવા જોઇએ. મુખડું કે ચહેરો એટલે પ્રભુએ કાળા માથાવાળા માનવીના ચહેરા ઉપર સરસ લેન્ડસ્કેપીંગ કરેલો બગીચો.

ભગવાને બનાવેલા આ બગીચાઓની ખૂબી તો એ હોય છે કે દરેક બગીચો એકબીજાથી જુદો. નામ ભલે સરખાં હોય, તેમનાં કામ ભલે સરખાં હોય પણ બગીચો જોઇને જ ઓળખી શકાય કે આ ડૉ. કિરીટ વૈદ્ય અને પેલા ડૉ. કિરીટ શાહ. તેમાં પણ કયારેક પુરુષ બગીચો અને સ્ત્રી બગીચો. બિચારા ડૉ. રોહિતભાઇનું નસીબ તો જુઓ. રોજ સામે બંને એક જ નામના પણ વિજાતીય જાતિના બગીચા જોવાના. તેમના બંને બોસનું નામ પંકજભાઇ. ઘરવાળી ડૉ.પંકજબેન અને હોસ્પિટલમાં બોસ ડૉ.પંકજ દિવેટીઆ. બગીચાની કિનારીઓમાં પણ કેટલી વિવિધતા! નીચેની બાજુ દાઢીનો સપોર્ટ હોય, બે સાઇડમાં અવતરણ ચિહન જેવા બે કાન હોય. કાન અને દાઢીની વચ્ચે સરસ મજાની પીંછું ફેરવવાનું મન થાય તેવી ગાલના પૂર્વાર્ધની લપસણીઓ હોય. કપાળની ઉપર ઉંમર પ્રમાણે વાળનું જંગલ હોય કે ટાલનું મંગલ હોય. બરાબર મધ્યમાં ગંધ પારખું બેનાળી બંદૂક જેવું કાનનું એન્ટેના ગોઠવાયેલું હોય છે.

જે શરીરની એક અનિવાર્ય જરૂરિયાત હવાનું મેન ડોર પણ છે. નાકની આજુબાજુ ફેલાયેલો ગાલપ્રદેશ મોટાભાગે સપાટ અને લીસ્સો હોય છે. કયારેક તે ચંદ્રની ધરતીની જેમ ખરબચડો થઇને ધારક વ્યકિતને ચંદ્રમુખી બનાવે છે. એ પણ કમનસીબી છે કે કવિઓના અને શાયરોના તેમની માશૂકાઓના ચહેરાના ચંદ્રમુખી જેવાં વિશેષણોનાં ગપ્પાં આપણે વર્ષો સુધી ચલાવે રાખ્યાં. ભલું થજો પેલા નીલ આર્મસ્ટ્રોંગનું કે સન 1960માં ચંદ્ર ઉપર પગ મૂકીને પેલા ગપોડીઓને ખુલ્લા પાડ્યા. ફિલમવાળાઓ તો રીતસર તેમની વાતો માનીને તે જમાનામાં લગભગ દર બીજી ફિલમ, યે ચાંદ સા રોશન ચહેરા, ચાંદ સી મહેબૂબા હો મેરી, ચોદવીકા ચાંદ હો તુમ જેવું પ્રેમિકાને ફર્લટીંગ કરાવતા સોંગ મુકાવી જ દેતા. તેમની વાતોથી ભોળવાઇને શરદચંદ્ર જેવા બંગાળી લેખકે તો તેમની પ્રસિધ્ધ નવલકથા ‘દેવદાસ’ની નાયિકાનું નામ પણ ચંદ્રમુખી રાખેલું જ ને? જો કે છેલ્લાં દોઢ વરસથી કોવિડ મહામારીના કારણે મોટાભાગનાં લોકોના ચહેરા માસ્ક કે ફેસ શિલ્ડના કારણે ઢંકાયેલા રહે છે. માત્ર આંખોથી જ જેનેતેને ઓળખી શકાય છે.

બરાબ૨ નાકના એન્ટેનાની નીચે જ માણસની બીજી બે અનિવાર્ય જરૂરિયાતો, એટલે કે ખોરાક અને પાણીનું મેન ડોર છે. તેના બે ફાટકો એટલે કે હોઠ આડા ખૂલવાને બદલે ઊભા ખૂલતા હોય છે. ખોરાક, પાણી અને હવાને અંદર જવા દે છે તો સામે મોટાભાગે જરૂરી બિનજરૂરી શબ્દ બહાર કાઢયા કરે છે. કયારેક થૂંક પણ ઉડાડે છે તો કયારેક માંદગીમાં ખાધેલા પીધેલાની ઊલટી પણ કરાવે છે. નાકના છેડે અને બેઉ કાનની વચ્ચે ભગવાને સરસ મજાના મોતી મૂકેલા છે.

મોટાભાગે તો બેઉ આંખો બે બેનોની જેમ કે બે બહેનપણીઓની જેમ સંપીને રહે છે. કયારેક જાની દુશ્મનની જેમ લુકીંગ ટુ લંડન અને ટોકીંગ ટુ ટોકિયો જેવું ફાંગું ચિત્રણ કરીને પણ રહે છે, તેમની કમનસીબી એ છે કે તેઓ આખી દુનિયાને જોતી રહે છે પણ બંને એકબીજાને જોઈ શકતી નથી સિવાય કે માણસ ચાટલા સામું જોઇ વાળ ઓળતો હોય. આંખોની ઉપર પાછો એક કપાળ નામનો સપાટ પ્રદેશ આવેલો હોય છે, ત્યાં બહેનો તેમના સૌભાગ્યની નિશાનીઓ ચાંલ્લા, બિંદી કે સિંદુરનું એક્ઝિબિશન કરી દે છે. ધાર્મિક ભાઇઓ તેમના ધર્મની સિમ્બોલિક નિશાનીઓ ચોંટાડે છે. એકતા કપૂરની સીરિયલની વીલનણો તો સાપ, કરોળિયા, ઓકટોપસ, તલવાર, ત્રિશૂળ, ભાલા, દાત૨ડું, તીર-કમાન જેવા ચિત્રવિચિત્ર ચાંલ્લા લગાવીને સીરિયલનાં બીજાં પાત્રો કરતાં પબ્લિકને વધુ બીવડાવતી હોય છે.

મુખડું એટલે માનવીના અંતરમનનો અરીસો. તમે ચહેરા સામે જોઇને જ કહી શકો કે આ મુખડું અત્યારે સુખડું છે કે દુખડું છે. માણસનો ચહરો કયારેય ખોટું બોલતો નથી તેમાં ય સ્ત્રીનો ચહેરો તો ખાસ. તમારા મનના, તમારા દિલના ભાવ તમારા મોં ઉપર ના લાવવા દેવા હોય તો તમારે અમિતાભની ઊંચાઇના કલાકાર હોવું જરૂરી છે. વાઇસવર્સા પણ એટલું જ સાચું છે એટલે કે ચહેરાના હાવભાવથી જ તમે એકટર તરીકે કેરેકટરમાં ઘૂસી જઇને પાછા અમિતાભ જેવા ઊંચા કલાકાર બની શકો છો.

વ્યકિત ખુશ છે કે ઉદાસ તે તેના ચહેરા ઉપરથી જણાઈ આવે છે. તેના ચહેરાના બધાં અવયવોની સંઘભાવના હોય છે. ટીમવર્ક જેવું હોય છે. ખુશી અને ઉદાસી તો ચહેરા ઉપરના બે કોમનમાં કોમન હાવભાવ છે બાકી નવે નવ પ્રકારના ઇમોશન્સ જોવા હોય તો તમારે સંજીવકુમાર વાળી “નયા દિન નઇ રાત” ફિલમ જોવી પડે. તેમાં સંજીવકુમાર અને જયા ભાદુરીએ માત્ર ચહેરાની મદદથી પ્રદર્શીત થતી માનવજીવનની નવે નવ લાગણીઓના રસ એક એવરેસ્ટીયા ઉંચાઇના અભિનયથી બતાવ્યા છે.

આ નવ રસો એટલે હાસ્ય, રૂદન, ગુસ્સો, ભય, શરમ, લુચ્ચાઇ, વાસના, બિભત્સતા અને રૌદ્રતા. તે બધાનું ચીત્રણ બંને કલાકારોએ જે ખુબીથી બતાવેલું કે તેને ફિલ્લમ એકિટંગના ઇતિહાસમાં એક માઇલસ્ટોન કે એનસાઈકલોપિડીયા તરીકે નોંધ લેવામાં આવે છે. જોડકા બાળકોના ચહેરા એકદમ સરખા હોય છે. આ હકિકતનો લાભ લઇને બોલિવુડમાં દર વરસે બે વરસે ડબલ રોલ વાળી હિરો કે હિરોઇનની ફિલ્મ આવતી જ રહે છે.

કયારેક જુદી જુદી જગ્યાએ જન્મેલા માણસોના ચહેરા પણ ઓગણીસ-વીસના ફરક સાથે મળતા આવતા હોવાથી એકબીજાની નકલ જેવા લાગતા હોય છે. હોલીવુડનો ગ્રેગરી પેક એટલે આપણા બોલિવુડનો દેવઆનંદ. ઐશ્વર્યાના ચહેરાની બે બે ડુપ્લિકેટ તો દિયા મીર્ઝા અને સ્નેહા ઉલ્લાલ બોલિવૂડમાં જ છે. વર્ષો પહેલાં આઇ એસ જોહર નામના કોમેડિયને (તે પ્રોડયુસર અને ડાયરેકટર પણ હોવાથી) રાજેશ ખન્નાના ડુપ્લિકેટ રાકેશ ખન્ના, શશી કપૂરના ડુપ્લિકેટ શાહી કપૂર, વગેરેને લઇને એક ફલોપ ફિલ્મ બનાવેલી.

તે વખતે સાચા રાજેશ ખન્ના અને સાચા શશી કપૂરના જ વળતાં પાણી હતાં એટલે ડુપ્લિકેટને તો કોણ જોવા જાય? તે પછી તો સંજુબાબા, અનિલ કપૂર, ધર્મેન્દ્ર, અમિતાભ, શત્રુઘ્ન સિંહા, શાહરૂખ ખાન, દેવઆનંદના ડુપ્લિકેટો ઊભા થયા. પિકચરોમાં કોમેડી કરવા બેસી ગયા. ગઇકાલના સ્પોર્ટસ્ટાર સચીન, ઇન્ઝમામ, સહેવાગના અને આજના સુપર સ્પોર્ટસ્ટાર ધોનીના ડુપ્લિકેટ પણ વન ડે મેચો દરમ્યાન જુદી જુદી ન્યૂઝ ચેનલો ઉપર ઉભરાઇને લોકોને મનોરંજન પૂરું પાડવા માંડયા છે.

ચહેરો વારસામાં પણ ઝેરોક્સ કોપીની જેમ ઊતરતો હોય છે. દરેક તાજા જ જન્મેલા બબલી અને બંટીના ચહેરા એકદમ એકબીજાને મળતા હોય છે. જો કે તેની ખબર કાઢવા આવેલી માસીઓ, કાકીઓ અને ફોઇઓ જયોતિષીઓની જેમ ફેંકમફેક જ કરતી હોય છે કે બબલી કે બંટીનો ચહેરો અદદલ પપ્પા કે મમ્મી ઉપર અથવા તો દાદા કે દાદી ઉપર ગયો છે. ઓળખાય તેવો ચહેરો તો પાંચછ મહિને કે બે વર્ષે સામે આવે છે. ભારતમાં તો ખાસ તકલીફ નથી પડતી પણ અમેરિકામાં કોઇ ધોળીયા કપલને ત્યાં કાળિયું સંતાન આવે ત્યારે આડોશપાડોશમાં ખાસ્સી કોમિક ગુસપુસ થતી હોય છે. ચહેરો જ એક એવું પ્લાસ્ટિક સર્જનોનું હાથવગું અંગ છે કે તેની ઉપર તેમની ખરી સ્કીલ બતાવવાનો ચાન્સ આપે છે. કલેફટ લીપ કે કલેફટ પેલેટ જેવી જન્મજાત ખોડમાં તો તેમની માસ્ટરી બતાવે જ છે પણ અકસ્માતથી પડેલા મોંના ડાઘા કે બિહામણા લાગતા કાપા પણ કોસ્મેટીકલી રીપેર કરી આપે છે.

મેડિકલ પરીક્ષણમાં તો ચહેરાની મદદથી જ ઘણા રોગોની પ્રાથમિક ઓળખ કે શંકા થાય છે. ચંદ્રમુખી (મુનફેસ) ચહેરો હાઇપોથાયરોઇડ કે મીક્ષીડીમાના રોગમાં થાય છે. કુશીંગ્સ ડીસીઝમાં ગોળ અને શાઇનીંગ મોં દેખાય છે. કિડની ફેઇલ્યોરમાં પણ સોજા આવીને મોં ગોળ લાગે છે પણ તેમાં આંખની નીચેના ભાગમાં વધુ સોજો જોવા મળે છે. હાયપર થાઇરોઇડીઝમમાં દર્દી ડોકટરની સામે આંખો ફાડીને જોતો હોય તેવું મોંઢું લાગે છે. હતાશ કે ડિપ્રેસ્ડ ચહેરો માણસની મનોસ્થિતિની આબાદ ચાડી ખાય છે. તેમના મોઢાના રોતલ એક્સપ્રેશનને આંસુથી છલકાતી આંખો સ્ટીરિયો ઇફેકટ આપે છે.

નવોઢાના શરમથી થતાં લાલ ગાલવાળો ચહેરો અષાઢી સાંજના મેઘધનુષને પણ શરમાવે છે. ગુસ્સા અને જુસ્સાના હાવભાવ પાતળી ભેદરેખા સાથે ચહેરો જ બતાવી શકે છે. માત્ર હોલસેલ ચહેરો જ નહીં, પણ રીટેલમાં તેના ઉપાંગો સંવેદના આંખ પ્રેમનું તોફાન બતાવી શકે છે. ગાલના મેદાની પ્રદેશો શરમથી પાનખરમાં પણ વસંત ઋતુનો માહોલ ઊભો કરે છે. કાનની બૂટ લજજાથી લાલ થઇ શકે છે. કપાળ ચિંતાની કરચલીઓથી કરમાઇ શકે છે. નાક વંકાઇને અણગમો જાહેર કરી શકે છે. હોઠ મિલાપના ઇજનથી કંપી શકે છે. કાળા માથાના માનવી માટે સાચે જ કહેવાયું છે કે… યે તેરા ચહેરા… સંવેદના કા પહેરા !

Most Popular

To Top