Business

યે કહાં આ ગયે હમ..?!

જાવેદ અખ્તરની એ પંક્તિઓ ‘યે કહાં આ ગયે હમ યુહીં સાથ ચલતે ચલતે’ પોતાની પ્રિયતમા સાથે ચાલતાં ચાલતાં તે ક્યાં નીકળી જાય છે તેની ખબર રહેતી નથી. પરંતુ અહીંયા મારે વાત કરવી છે કે સાંપ્રત સમયમાં  જે દ્રશ્યો દેખાઈ રહ્યાં છે એ જોવા માટે આપણી આંખ ટેવાયેલી નથી અને તેનો સ્વીકાર પણ કરતી નથી. ત્યારે આપણાં મોંમાંથી એ શબ્દો સરી પડે છે કે ‘યે કહાં આ ગયે હમ’?!

Bad guys selling masks at high prices in internet auctions.

માનવની રચના અને સર્જન માટે ઈશ્વરને થેંક યુ  કહેવા શબ્દો નથી. શું કહેવું? ત્રણ લોક આકાશ, પાતાળ અને પૃથ્વી તરીકે જેને ઓળખીએ છીએ અને ત્યાં અસ્તિત્વે સૌમાં ચેતનાનું પ્રગટીકરણ કર્યું છે તે તમામ જીવમાત્ર માનવની રચનાથી લગભગ જોજનો પાછળ હોય એવું તો જરૂર લાગે! ઘણી વાર આપણે માનવને પશુ સાથે સરખાવતાં શીંગ અને પૂંછ વગરનો હોય તેમ ઓળખાવીએ છીએ. પરંતુ આ ઓળખ પણ કંઈક અંશે તેનાં ઘૃણિત કૃત્યો સામે આવે ત્યારે પંગુ પુરવાર થતી દેખાય છે. મોંમાંથી શબ્દો સરી પડે છે કે આ માણસ…!?

મડદા ઉપર મિજબાની માણતો મોહઘેલો, પાંચ-સાત વર્ષની પુષ્પપાંદડી સરખી કન્યાને કામ નહોરથી ચીરી નાખતો પીશાચી કામી નરરાક્ષસ, તરફડતાં દર્દીને જોયા વગર રૂપિયાનો ખણખણાટ સાંભળવા ટેવાયેલો લાલચુ તબીબ, સ્મશાનમાં લાગો લેનારો રાજવી, પૈસા માટે આબરૂ અને ઓશિંગણને કોરાણે કરનારો લોલુપ..! હે રામ, શું આ બધું જોવા તું અમને જીવાડે છે? સમાજવ્યવસ્થા અને આતંકી પતિથી ત્રાસીને આપઘાત કરનાર અસહાય દીકરી મરતાં સમયે કહે છે કે ભગવાન હું હવે કદી માનવજાતનું મોં જોવા ઈચ્છતી નથી. કેવી ઘૃણા,નફરત! હે ઈશ્વર…! જલ્દી અમારી દોરી ખેંચી લે. ખેંચી લે! આ સંવેદનશીલ સજ્જનોનો સાદ શેરીથી સ્વર્ગ સુધી સંભળાય રહ્યો છે. કોરોનાના કઠીનતમ કાળમાં ઇન્જેક્શનની કાળાબજારી, ઓક્સિજનની લૂંટફાટ,ખાવાપીવાનું ગાયબ કરીને રોકડું કરનારા, તરફડતાં પારેવાં સમ દર્દીઓને ભગવાન ભરોસે છોડનારા વહીવટકારો.. તેને શું ગણવા? કેવા ગણવા? દ્રવિત એક સંતે કહ્યું કે શું રામે રાવણને પૂર્ણત: મારી‌ નાખ્યો છે, બિલકુલ નહીં! તે હજી જીવે છે. દેવાયત પંડિતની વાણીના એ શબ્દો નજર સામે જ ડીસ્પ્લે થાય છે.

બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ, માવતર જણ્યા મેલશે, ભૂપ લેશે ના ભાળ; ભૂપ લેશે ના ભાળ, માણસ માણસને ખાશે, સત્ય છુપાશે સુતલ, જુઠ્ઠા જગ વખણાશે; જીવતા જોશે લાખણા, પાપીનાં ચડશે પાળ.

આ શબ્દો શત- પ્રતિશત સાચા પડતાં અનુભવાય છે. પાપીનાં ચડશે પાળ જુઓ સ્મશાનમાં શબને અગ્નિ સમર્પિત કરવા કે સરપણમાં ગોબાચારીથી પૈસા મંગાય તો આથી હવે અધમ કાળ ક્યો હોય? દવાખાનું કે જ્યાં યાતનાને શાંત કરવા કોઈ આવે અને તે અસહાય દર્દી પર બળાત્કાર..!!? જ્યાં આશ્રય ઈચ્છો ત્યાં જ આતંક છે. સગપણને ન સમજનારા ચકનાચૂરોનો થાય છે ગુણાકાર, શું કરો..!!!?

હે રામ..! તેં મને માણસ શા માટે બનાવ્યો..!? મને મન અને હૃદય આપ્યાં શા માટે..? રોજ અગણિત યાતનામાંથી નીકળતો નીકળતો ચીરાતો જાઉં છું. મરું છું ફરી ઊભો થાઉં ત્યાં નવું ખડગ સામે જ ખડું હોય છે મને ટુકડા ટુકડા કરવા! હું મારી અસહાયતા માટે શરમ અનુભવું છું. ધિક્કાર છે મને કે હું આવા જગતમાં આજે પણ શ્વાસ લઉં છું.

Most Popular

To Top