Comments

યે ક્યું કાલી, વો ક્યું ગોરા?

ત્વચાના વર્ણ અનુસાર સૌંદર્યની વિભાવના પ્રદેશે પ્રદેશે જુદી હોય છે. આમ છતાં, શ્વેત ઍટલે કે ગોરા રંગ પ્રત્યેનું આકર્ષણ અને અહોભાવ લગભગ સાર્વત્રિક જાવા મળે છે. આવા અહોભાવ વચ્ચે શ્યામરંગી ત્વચા અને વિશિષ્ટ નાકનક્શો ધરાવતા હબસીઓને સામાન્ય રીતે ‘કુરૂપ’ ગણવામાં આવે છે. ગુજરાતી કહેવત ‘સીદીબાઈને સીદકાં વહાલાં’પણ આવી જ માનસિકતાનું પ્રતિબિંબ છે. સ્વાભાવિક છે કે આ કહેવત બિનસીદી દ્વારા બનાવાઈ હશે. એ એમ કહેવા માગે છે કે સીદી એટલે કે હબસણ એટલે કે કુરૂપમાં કુરૂપ મનાતી સ્ત્રીને પોતાનાં જ સંતાનો વહાલાં લાગતાં હોય છે.

શ્યામરંગી ત્વચા પ્રત્યેનો અભાવ પણ લગભગ સાર્વત્રિક હોય એમ જણાય છે, જે વખતોવખત એક યા બીજી રીતે છતો થતો રહેતો હોય છે. હમણાં ‘નેટફિલક્સ’પર ચાર ભાગમાં મૂકાયેલી દસ્તાવેજી શ્રેણી ‘ક્વિન ક્લિઓપેટ્રા’માં ઈજિની કુંવરી ક્લિઓપેટ્રાની ભૂમિકા અડેલ જેમ્સ નામની બ્રિટિશ અભિનેત્રીએ ભજવી છે. આ બાબતને લઈને ઇજિવાસીઓને વાંધો પડ્યો છે. કારણ એટલું જ કે અડેલ જેમ્સ અશ્વેત મૂળની છે. શ્રેણીના નિર્માતાઓ પર ઈતિહાસને મરડવા અને ઈજિપ્શિયન ઓળખને અયોગ્ય રીતે રજૂ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આમ તો, ૧૯૬૩માં રજૂઆત પામેલી અંગ્રેજી ફિલ્મ ‘ક્લીઓપેટ્રા’માં આ ભૂમિકા ખ્યાતનામ અભિનેત્રી એલિઝાબેથ ટેલરે ભજવી હતી અને તેઓ જાણે કે ક્લિઓપેટ્રાનાં પર્યાય બની રહ્યાં હતાં. એ અગાઉ ૧૯૪૫માં રજૂ થયેલી ફિલ્મ ‘સીઝર ઍન્ડ ક્લીઓપેટ્રા’માં અભિનેત્રી વિવિયન લે દ્વારા આ પાત્ર ભજવવામાં આવેલું, એ પછી છેક ૨૦૦૨ની ફિલ્મ ‘એસ્ટરિક્સ એન્ડ ઓબેલિક્સ’માં અભિનેત્રી મોનિકા બેલુચીએ ક્લિઓપેટ્રાનું પાત્ર ભજવેલું. ક્લિઓપેટ્રાની ભૂમિકા બદલ જાણીતી બનેલી આ ત્રણે અભિનેત્રીઓ શ્વેત હતી.

વિચિત્રતા એ હતી કે એલિઝાબેથ ટેલરે ફિલ્મમાં કામ કરવાના ચારેક વર્ષ અગાઉ યહૂદી ધર્મ અપનાવ્યો હતો અને ઈઝરાયલની તરફેણમાં તેઓ જાહેર નિવેદન કરતાં હતાં. એ સમયે ઈઝરાયલને ઈજિ શત્રુ ગણતું હતું. આથી યહૂદીઓ અને ઈઝરાયલ સાથેના તમામ પ્રકારના સંબંધોને ઈજિમાં પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. તેને પગલે આ ફિલ્મ પર પણ ઈજિમાં પ્રતિબંધ હતો.

હવે છ દાયકા પછી ઈજિમાં ફરી એક વાર ક્લિઓપેટ્રાને લઈને અસંતોષ પેદા થયો છે. ઈજિના અનેક અધિકારીઓએ આ શ્રેણીની ટીકા કરી છે. ઈજિના પ્રવાસન અને એન્ટિક્વિટી મંત્રાલયની દલીલ છે કે આ શ્રેણી જે પ્રકારે દસ્તાવેજી બની રહી છે એ જોતાં તેના નિર્માતાઓએ ચોકસાઈ દાખવવી જોઈઍ અને ઐતિહાસિક તેમજ વૈજ્ઞાનિક તથ્યો પર આધાર રાખવો જોઈએ. એક ટ્વીટમાં મંત્રાલયે જણાવ્યું કે ક્લિઓપેટ્રાની પ્રતિમાઓ એ હકીકત પુરવાર કરે છે કે તે હેલનીસ્ટીક એટલે કે ગ્રીક નાકનક્શો ધરાવતી હતી, જેમાં તેની ઉઘડતી ત્વચા, આગળ પડતું નાક અને પાતળા હોઠ વિશિષ્ટતા સમાન હતાં.

ઈજિની સુપ્રિમ કાઉન્સિલ ઓફ એન્ટિક્વિટીઝના સેક્રેટરી જનરલ ડૉ. મુસ્તફા વઝીરીએ આ શ્રેણીમાંના ક્લિઓપેટ્રાના દેખાવને ઈજિપ્શિયન ઈતિહાસની ખોટી રજૂઆત તેમજ દેખીતી ઐતિહાસિક ભૂલ ગણાવી છે. ઈજિપ્શિયન વકીલ મહમૂદ અલ-સેમરીઍ દેશમાં આ શ્રેણીના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવાની સાથોસાથ ‘નેટફિલક્સ’પર ‘ઈજિપ્શિયન ઓળખ’ની ગેરવાજબી રજૂઆત કરવાની સાથોસાથ આફ્રિકનકેન્દ્રી વિચારધારાને ઉત્તેજન આપવાનો આક્ષેપ કર્યો છે. સરકારહસ્તક ઈજિની પ્રસારણસેવા અલ વતીક્યાએ તો ક્લિઓપેટ્રા પર પોતાની આગવી શ્રેણી બનાવવાની તૈયારી આરંભી દીધી હોવાના સમાચાર છે.

આમ, ઈજિમાં ‘નેટફિલક્સ’પરની ક્લિઓપેટ્રાની શ્રેણીને લઈને વમળો પેદા થયાં છે. ચિત્રવિચિત્ર અનેક સવાલો તેણે પેદા કર્યા છે. જેમ કે, શું આ શ્રેણી આફ્રિકાકેન્દ્રી વિચારધારાને પ્રોત્સાહન આપે છે? ઈજિની વિશિષ્ટ સાંસ્કૃતિક અને વંશીય પરંપરાને આ શ્રેણીએ પોતાના રંગે રંગી દીધી છે? કલાકારોની પસંદગીથી અકળાયેલા લોકો પોતાના જૂનાપુરાણા પૂર્વગ્રહોને છેહ દઈ રહ્યા છે કે કેમ?

આમ પણ, ઐતિહાસિક કે પૌરાણિક પૃષ્ઠભૂમિ ધરાવતી શ્રેણી કે ફિલ્મ બનાવવી જુદી રીતે પડકારજનક હોય છે. તેમાં પાત્રો અને કથાવસ્તુઓ જાણીતાં હોવાને કારણે લોકો તેમની સાથે એક પ્રકારનું તાદાત્મ્ય અનુભવતા હોય છે. ફિલ્મનું માધ્યમ મૂળતઃ દૃશ્યમાધ્યમ છે તેમજ એ મનોરંજનનું એવું માધ્યમ છે કે જેનું ચાલકબળ વ્યાપાર છે. પ્રચાર તેનું સૌથી મહત્ત્વનું પરિબળ હોય છે. ચાહે પ્રશંસાથી કે ટીકાથી, ફિલ્મ કે શ્રેણી પ્રચારમાં રહે એ તેની પ્રાથમિક જરૂરિયાત છે. ઐતિહાસિક, પૌરાણિક કે ધાર્મિક કથાવસ્તુ સાથે લોકોની લાગણી પણ જોડાયેલી હોય છે. એક આખો વર્ગ આ કથાવસ્તુને લગતી કોઈ ને કોઈ બાબતથી દુભાવા માટે તત્પર બેઠેલો હોય છે. જો કે, આ બધું સરવાળે ફિલ્મના લાભમાં રહે છે.

આનો અન્ય દાખલો એટલે જૂન, ૨૦૨૩ના બીજા સપ્તાહમાં રજૂઆત પામેલી, ઓમ રાઉત દિગ્દર્શિત, રામાયણ પર આધારિત ફિલ્મ ‘આદિપુરુષ’. આ ફિલ્મના સંવાદોને લઈને વ્યાપક નારાજગી પ્રવર્તી રહી છે. તેની એક અવાજે ટીકા થઈ રહી છે, છતાં પ્રથમ ત્રણ-ચાર દિવસમાં જ તેણે રૂ. ૩૪૦ કરોડની અંદાજિત આવક મેળવી લીધી છે. હિન્દુ રાષ્ટ્ર એવા નેપાળે આ ફિલ્મને પ્રતિબંધિત કરી છે. તેની સરખામણીએ ક્લિઓપેટ્રાની તો શ્રેણી છે. કેવળ ઈજિમાં એ પ્રતિબંધિત થાય એથી શું વળવાનું?

ફિલ્મના માધ્યમનો આટલો વિકાસ થયો હોવા છતાં એ હકીકત સાર્વત્રિક રહી છે કે તેને હજી અભ્યાસના માધ્યમની રીતે પૂરતી ગંભીરતાથી લેવામાં આવતું નથી. સૌ જાણે છે કે કોઈ પણ ફિલ્મ છેવટે તેની સાથે સંકળાયેલી વ્યક્તિનું અંગત દૃષ્ટિબિંદુ હોય છે. તેમાં અવનવા અને અનેક પ્રયોગ થઈ શકે છે. આટલી ઉઘાડી હકીકત હોવા છતાં ફિલ્મ કે શ્રેણીને સાંસ્કૃતિક કે ઐતિહાસિક રીતે ગેરવાજબી ગણાવીને તેને પ્રતિબંધિત કરવા સુધી પહોંચી જવું એ પણ એક અલાયદી સંસ્કૃતિ બની રહી છે એ કેવી વક્રતા!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top