Columns

યે ઘિબલી – ઘિબલી ક્યા હૈ?

અત્યાર સુધીમાં તમે ઘિબલીની તસ્વીરો બનાવી લીધી હશે. વાયરલ થવું એટલે શું? Open AIનું ઘિબલી તેનું જબરદસ્ત ઉદાહરણ છે, જે હજુ ગયા અઠવાડિયે બજારમાં આવ્યું હતું. ઘિબલી આવ્યું ન હતું ત્યાં સુધી Chat GPTને જાણનારો વર્ગ ખૂબ નાનો હતો. આજે દરેક વ્યક્તિ Chat GPTનો ઉપયોગ કરીને પોતાના ઘિબલી ફોટા બનાવી રહ્યા છે. એટલું જ નહીં, ઘિબલી કેવી રીતે બનાવી શકાય તેનાં ટ્યુશન આપતી રીલ્સ પણ વાયરલ થઈ રહી છે. આ છબિઓ બનાવવાની નવી પદ્ધતિઓ સમજાવવામાં આવી રહી છે. તમે પણ પ્રયત્ન કર્યો જ હશે. મતલબ કે, તમારા મિત્ર કે સહયોગીએ તમારા પ્રીમિયમ Chat GPT અકાઉન્ટમાં લોગ ઇન કર્યું જ હશે અને ઘિબલી-ઘિબલી કર્યું જ હશે. સોશ્યલ મીડિયા પર જે રીતે ઘિબલી ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે એ મુજબ આનાથી હવે કોઈ અછૂત રહ્યું નહીં હોય.


ગયા અઠવાડિયે Chat GPTની પેરેન્ટ કંપની Open AIએ તેનું બીજું અપગ્રેડ લોન્ચ કર્યું હતું. GPT-4oનો વાસ્તવિક હેતુ ઇમેજ પ્રોસેસિંગમાં સુધારો કરવાનો છે. મોડેલ આવ્યું અને તેણે બનાવેલી ઘિબલી છબિ વિશ્વભરમાં લોકપ્રિય બની હતી. આ એક જાપાની કલા છે, જેની શરૂઆત 1985માં એનિમેટર હાયાઓ મિયાઝાકી દ્વારા કરવામાં આવી હતી. આ કલા 80ના દાયકામાં જાપાનમાં પ્રખ્યાત થઈ હતી અને ધીમે ધીમે દુનિયા તેનાથી પ્રભાવિત થઈ હતી. એનિમેટર હાયાઓ મિયાઝાકીની વાત છેલ્લે કરીશું.
પણ ખરી ડીલ ગયા અઠવાડિયે થઈ હતી. 2000 રૂપિયાના પ્રીમિયમ છતાં આખી દુનિયાએ આવા ફોટા બનાવવાનું શરૂ કર્યું હતું. આ પછી, Open AIના સર્વર્સ પર દબાણ વધી ગયું છે. Open AIના CEOએ લોકોને અપીલ કરવી પડી છે કે, આડેધડ ઘિબલીની તસ્વીરો ન બનાવો. થોડી ધીરજ રાખો. અમારી ટીમને પણ ઊંઘની જરૂર છે. મતલબ કે, Open AIના GPU ગરમ થઈ રહ્યા હતા.
તમને થશે ઘિબલી અમે બનાવીએ અને Open AIના GPU ગરમ થઈ રહ્યા હતા? તમારો મતલબ શું છે? આનો અર્થ એ કે તેમને પણ ઠંડા કરવા પડશે. હા સાહેબ. તમે જે પણ ચેટ બોટનો ઉપયોગ કરો છો, તેને ચલાવવા માટે GPUની જરૂર પડે છે. GPU એટલે એક કમ્પ્યુટર ચિપ, જેનો ઉપયોગ કમ્પ્યુટર, લેપટોપ, સ્માર્ટફોન અને અન્ય ગેજેટ્સમાં તસ્વીરો, વિડિયોઝ, 2D અને 3D એનિમેશન માટે થાય છે. સામાન્ય ભાષામાં તેને ગ્રાફિક્સ કાર્ડ અને વીડિયો કાર્ડ પણ કહેવામાં આવે છે. આ ચિપની મદદથી તસ્વીરો અને વીડિયોઝ સ્ક્રીન પર ઝડપથી લોડ થાય છે. સામાન્ય લેપટોપમાં બેઝિક GPU હોય છે અને જો તે પાવરફૂલ ગેમિંગ લેપટોપ હોય તો તેમાં એક શક્તિશાળી GPU હોય છે. હવે ચેટબોટને આ GPUની જરૂર છે. મતલબ, તેમની સિસ્ટમથી ક્લાઉડ સ્ટોરેજ સુધી. ઉદાહરણ તરીકે, એક Chat GPT મોડેલને તાલીમ આપવા માટે 10,000 GPU યુનિટની જરૂર હતી.
મોટા ડેટા સેન્ટરોમાં આ GPUને સતત ચલાવવાથી ઊર્જા ઉત્પન્ન થાય છે અને ત્યાં તાપમાન વધે છે. તેને ઠંડું રાખવા માટે ભરપૂર શુદ્ધ પાણીનો ઉપયોગ કરવો પડે છે. ચિલર જેવી સિસ્ટમમાંથી વહેતું એકદમ ઠંડું પાણી. આ એક પ્રકારની સિસ્ટમ છે, જેમાં પાણીની પાઈપો દ્વારા ઊંચા તાપમાનને નિયંત્રિત કરવામાં આવે છે. સ્વાભાવિક છે કે આના પર ઘિબલીનું દબાણ એટલું વધી ગયું કે એકંદર જે તસ્વીરો પહેલા દિવસે બનીને આવી એ પછીથી તેની ક્વોલિટી બગડી ગઈ. એટલું જ નહીં, GPU પર એટલું પ્રેશર વધ્યું કે, પ્રોસેસિંગમાં તે વધુ સમય લેવા લાગ્યું હતું. જો કે, આ એકમાત્ર કારણ ન હોઈ શકે. તમે કયા પ્રકારની તસ્વીર કન્વર્ટ કરી રહ્યા છો તે પણ મહત્ત્વપૂર્ણ છે. ઇન્ટરનેટ સ્પીડ અને પ્રોસેસર પણ ભૂમિકા ભજવે છે.
તમે જે પ્રોમ્પ્ટ Chat GPTને આપી રહ્યા છો તે પણ મહત્ત્વનું છે. ઉદાહરણ તરીકે, જો તમે ઘિબલીમાં ચોક્કસ તસ્વીર બનાવવા માટે પ્રોમ્પ્ટ આપ્યું હોય, તો સર્વરે તેના મગજનો ઉપયોગ કર્યો અને એકદમ ડિટ્ટો તસ્વીર બનાવી આપી. પણ તમે એમાં ખાસ કોઈ પ્રોમ્પ્ટ ઉમેરશો એટલે સર્વરે પોતાનું દિમાગ લગાડવું પડે છે. હવે દિમાગ લગાડે એટલે પ્રેશર આવવાનું જ છે. આવું વારંવાર થયું હતું અને થઈ રહ્યું છે. પરિણામે ઘિબલીનું રિઝલ્ટ જોઈએ એટલું સારું હવે નથી આવી રહ્યું. એક રીતે એવું કહી શકાય કે, માનવજાતે આખરે AIને પણ હંફાવી દીધું ખરું..!
જેમ-જેમ AI દ્વારા નિર્મિત ઘિબલી તસ્વીરો સામાન્ય લોકો સુધી પહોંચી રહી છે એમ લોકો તેનો વધુમાં વધુ ઉપયોગ કરી રહ્યા છે. ચૅટબૉટ બનાવનારી કંપની Open AIના CEO સૅમ ઑલ્ટમેને કહ્યું કે, આ કારણે ચૅટબૉટનું કામકાજ વધી ગયું છે. ત્યાં સુધી કે એમના ઍક્સ-સાઇટ અકાઉન્ટના કવર ઇમેજ તરીકે પણ ઘિબલીની તસ્વીર છે.
સૅમ ઑલ્ટમેને 27 માર્ચના ઍક્સ સાઇટ પર એક પોસ્ટમાં લખ્યું, આ જોઈને ખુશી અનુભવાય છે કે લોકો Chat GPTમાં આ પ્રકારની તસ્વીરો બનાવી રહ્યા છે. પણ GPU (ગ્રાફિક્સ કાર્ડ) ખૂબ ગરમ થઈ રહ્યાં છે અને પિગળી રહ્યાં છે એટલે અમે આ કાર્યક્ષમતામાં સુધાર લાવવા સુધી કેટલાક પ્રતિબંધો લગાવી રહ્યા છીએ.
આ પછી Chat GPTએ મફતમાં Chat GPTનો ઉપયોગ કરતા હોય એ લોકો માટે રોજની ત્રણ ઘિબલી ઇમેજ બનાવવાની પરવાનગી આપી છે, જ્યારે લોકો આનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે સૅમ ઑલ્ટમેને ઍક્સ સાઇટ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, મહેરબાની કરીને ઓછી ઇમેજ બનાવો, આ વધારે પડતું છે.
હવે વાત એનિમેટર હાયાઓ મિયાઝાકી અને ઘિબલી સ્ટુડિયોની. ઘિબલી સ્ટુડિયો નામની ઍનિમેશન ફિલ્મ નિર્માણ કંપનીની સ્થાપના 1985માં જાપાનમાં દિગ્દર્શકો હયાઓ મિયાઝાકી અને ઈસાઓ તાકાહાટા તથા પ્રોડ્યુસર તોશિયો સુઝુકીએ કરી હતી. ઘિબલી સ્ટુડિયોમાં બનેલી ફિલ્મોમાં જાપાની લોકોનું દૈનિક જીવન ધબકતું જોવા મળતું હતું. આ ફિલ્મોએ સિનેમાને એક અલગ ઊંચાઈ આપી હતી. આ ફિલ્મોમાં ઉપયોગમાં લેવાતા રંગોએ કહાનીની ભાવના અને પાત્રોની ભાવનાને વ્યક્ત કરી. જેનાથી ઘિબલી ફિલ્મો દર્શકોના વિશાળ સમૂહ સુધી પહોંચવામાં સફળ બની શકી છે. તમે જુઓ, તમારી ઘિબલી તસ્વીરમાં પણ જાપાની અણસાર આવશે જ.
માય નેબર ટોડોરો, પ્રિન્સેસ મોનોનેકે અને સ્પિરિટેડ અવે સ્ટૂડિયો ઘિબલીની કેટલીક પ્રસિદ્ધ ઍનિમેશન ફિલ્મો છે. ઘિબલી પદ્ધતિનો ઍનિમેશન ફિલ્મો પર વ્યાપક પ્રભાવ પડ્યો છે. કેટલાંય ઍનિમેશન ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોએ પોતાના કામમાં ઘિબલી પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. ફિલ્મો, ટેલી એડ અને શૉર્ટ ફિલ્મો ઘિબલી શૈલીમાં બનાવવામાં આવી હતી.
હયાઓ મિયાઝાકીને જાપાન ઍનિમેશન ઉદ્યોગના જનક માનવામાં આવે છે.
એમનાં દ્વારા બનાવવામાં આવેલી એનિમેશન ફિલ્મોને દુનિયાભરમાં વ્યાપક પ્રશંસા મળી છે. એમની ફિલ્મોમાં પ્રકૃતિનું મહત્ત્વ, મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ અને યુદ્ધની ભયાવહતા જેવા વિષયો પર આધારિત હોય છે. 2003ની ફિલ્મ સ્પિરિટેડ અવે માટે સર્વશ્રેષ્ઠ ઍનિમેશન ફીચર ફિલ્મનો એકેડમી પુરસ્કાર અને ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. એમને 2015માં લાઇફટાઇમ અચિવમેન્ટ માટે પણ એકેડમી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

  • દીપક આશર

Most Popular

To Top