Columns

યે ભી ગેંગ કા આદમી હૈ….

કોઈ પણ શિક્ષણપદ્ધતિમાં મૂલ્યાંકન નહીં, બલ્કે વિદ્યાર્થીની સમગ્રતયા કેળવણી કેન્દ્રસ્થાને હોવી જોઈએ. તેને બદલે આપણી શિક્ષણપદ્ધતિ મૂલ્યાંકનકેન્દ્રી  બની ગઈ છે. એ જ રીતે કોઈ પણ દેશમાં રાષ્ટ્રના સમગ્રલક્ષી વિકાસની દિશા મહત્ત્વની હોવી જોઈએ. ચૂંટણી એ પ્રક્રિયાનું એક પગથિયું હોઈ શકે. તેને બદલે સમગ્ર વ્યૂહરચના ચૂંટણીકેન્દ્રી  બની રહી છે.

શાસનની, તેના થકી આવતી સત્તાની અને તેના દ્વારા મળનારી તાકાતની એ કમાલ છે. રાષ્ટ્રના વિકાસની વાતો કરતા શાસકો જોતજોતામાં પોતાના પક્ષને રાષ્ટ્ર માનતા થઈ જાય એમાં વર્તમાન સરકાર અપવાદ નથી. ભૂતકાળમાં અનેક દેશોમાં, અનેક શાસકો આ ભ્રમણાનો ભોગ બનતા આવ્યા છે, અને પોતાના શાસનકાળને યાવત્ચન્દ્રદિવાકરૌ માનવાના વહેમને પોષતાં પોષતાં કાળની ગર્તામાં વિલીન થઈ ગયા છે.

વક્રતા એ છે કે સુશાસન થકી તેઓ આ માટે પ્રયત્ન કરતા હોય એમ મોટે ભાગે બનતું નથી. પ્રત્યક્ષ સરમુખત્યારશાહી અથવા તો અન્ય કોઈ પણ શાસનપદ્ધતિના ઓઠા હેઠળની પરોક્ષ સરમુખત્યારશાહીના તોરતરીકા તેઓ અપનાવતા આવ્યા છે. આવા શાસકોને સૌથી અણગમતી બાબત હોય તો તેમને પૂછાતા સવાલો. એવું નથી કે નાગરિકો દ્વારા પૂછાતા સવાલો જ તેમને નાપસંદ છે. પોતાના પક્ષના અન્ય નેતાઓ સવાલ પૂછે એ પણ તે સાંખી શકતા નથી. દેશની આંતરિક સુરક્ષાને આગળ કરીને શક્ય એટલી રીતે તેઓ આવા અભિગમને ડામવાનો પ્રયત્ન કરતા આવ્યા છે.

આ વર્ષે જાન્યુઆરીના મધ્યમાં ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. એ મુજબ, કોઈ પણ સરકારી સંસ્થા, જાહેર ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓ કે વિશ્વવિદ્યાલયોએ આંતરરાષ્ટ્રીય સ્તરના ઑનલાઈન સેમિનાર, તાલીમ કે સંમેલન વગેરે યોજવાં હોય તો સંબંધિત વહીવટી સેક્રેટરીની આગોતરી મંજૂરી લેવાની રહેશે. આવા કોઈ કાર્યક્રમ રાજ્ય, સરહદ, ઈશાન ભારતનાં રાજ્યો, જમ્મુ અને કાશ્મીર કે પછી દેશના આંતરિક મામલા સાથે સંબંધિત ન હોય એ સુનિશ્ચિત કરવું જરૂરી છે.

આ અગાઉ વિદેશી વક્તાઓને ભારત નિમંત્રવામાં આવતાં પહેલાં રાજકીય મંજૂરીની આવશ્યકતા હતી, પણ તેઓ કયા વિષય પર બોલશે એ અંગે કોઈ આગોતરી મંજૂરી જરૂરી નહોતી.

સરકારના આ નવા નિયમનો ખૂલીને વિરોધ કરવામાં આવ્યો છે. ખાસ કરીને શૈક્ષણિક અને વૈજ્ઞાનિક બિરાદરીએ આ અંગે ગંભીર ચિંતા પ્રગટ કરી છે. બેંગ્લોરસ્થિત ઈન્ડિયન એકેડેમી ઑફ સાયન્સીસના પ્રમુખ પાર્થ મઝૂમદારે શિક્ષણ પ્રધાનને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે આપણા દેશની સલામતી જરૂરી છે, છતાં ઑનલાઈન યોજાનારા વિજ્ઞાનલક્ષી મિટિંગ કે તાલીમો માટે આગોતરી પરવાનગીની જરૂરિયાત દેશમાં વિજ્ઞાનની પ્રગતિ માટે બાધારૂપ નીવડશે. દિલ્હીસ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈમ્યુનોલૉજીના ચન્દ્રિવમા સાહાએ પણ મઝૂમદારની વાતને સમર્થન આપ્યું હતું.

વિજ્ઞાન અને ટેક્નોલોજી સેક્રેટરી આશુતોષ શર્માએ અલબત્ત, આ બાબતે પુનર્વિચાર કરાઈ રહ્યો હોવાની જાણકારી આપતાં જણાવ્યું હતું કે આમ કરવા પાછળ સરકારનો આશય વૈજ્ઞાનિક પરિચર્ચાઓ પર કાપ મૂકવાનો ન હતો.

દેશના એક ભાગમાં ચીન લશ્કરની જમાવટ કરે, એ પછી ગણતરીપૂર્વકની પીછેહઠ કરે કે દેશના અન્ય વિસ્તારમાં આખેઆખું ગામ તે વસાવી દે એવા સ્પષ્ટ સમાચારો છતાં દેશના વડાપ્રધાન આવું કશું થયું હોવાનો સાફ નનૈયો ભણે ત્યારે એમ થાય કે આ વલણથી વધુ મોટો ખતરો બીજો કયો હોઈ શકે?

દેશની આંતરિક સુરક્ષાના મામલા એટલા નાજુક છે કે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા યોજાનારા ઑનલાઈન આંતરરાષ્ટ્રીય સેમિનારથી એની પર ખતરો તોળાવા માંડે? મૂળ વાત એ છે કે પોતાના વિરોધમાં કોઈએ હરફ સરખો ઉચ્ચારે એ સરકારને પસંદ નથી. એમ ન હોત તો દિશા રવિ જેવી બાવીસ વર્ષીય યુવતી માટે સરકાર કીડી પર કટકનું વલણ ન અપનાવત!

સંસ્કૃતિગૌરવ કે ધર્મગૌરવનું અફીણ નાગરિકોને પાઈ દેવાથી કંઈ પોતાની સંસ્કૃતિ કે ધર્મ મહાન થઈ જતાં નથી, પણ આવું અફીણ નાગરિકોના એક મોટા હિસ્સાને ઘેનમાં રાખે છે. આવાં નાગરિકોને પોતે સંસ્કૃતિનું ગૌરવ અને રક્ષણ કરતા હોવાનો કેફ એવો ચડે છે કે તેઓ પોતાની જાણ બહાર પક્ષના કે નેતાના સૈનિકો બનીને રહી જાય છે.

વાણીસ્વાતંત્ર્ય આપણા દેશના નાગરિકોના મૂળભૂત હક પૈકીનો એક છે અને ભિન્ન મત એ વાણીસ્વાતંત્ર્યનો જ હિસ્સો છે. દેશના આંતરિક મામલાના નામે જે પાબંદીઓ લાગુ પાડવાનો બદઈરાદો સેવવામાં આવે છે એ હકીકતે ભિન્ન મતને દાબવાનો જ પ્રયાસ હોય છે. 

વક્રતા કહો કે રમૂજ, વાસ્તવિકતા એવી હોય છે કે પોતાના મહાન નેતાને વિરાટ કદનો માનનારા નાગરિકોને એટલી સાદી, સરળ વાત સમજાતી નથી કે પોતાનો નેતા જો ખરા અર્થમાં વિરાટ કદનો હોય તો આવી તુચ્છ બાબતો એને સ્પર્શી પણ ન શકે!

શેક્સપિયરના નાટક કૉમેડી ઑફ એરર્સ પર આધારિત, ગુલઝાર દિગ્દર્શિત,૧૯૮૨ માં રજૂઆત પામેલી ફિલ્મ અંગૂરમાં અશોક અને બહાદુરનાં પાત્રો બેવડી ભૂમિકામાં હતાં. એક અજાણ્યા શહેરમાં પહેલી વાર જતા અશોકને જાસૂસી નવલકથાઓના વાંચનના અતિરેકને લીધે લાગે છે કે એક મોટી ગેંગ તેની પાસેનાં નાણાં હડપી લેવા માટે તેની પાછળ પડી છે.

પોતાની સહેજ પણ પૂછપરછ કરનારને તે ગેંગ કા આદમી માનીને શંકાથી જુએ છે. અલબત્ત, હીરોના આવા વલણ થકી રમૂજ પ્રેરવાનો દિગ્દર્શકનો આશય છે. તેની સરખામણીએ પોતાને સવાલ પૂછનારને ગેંગ કા આદમી ઠેરવીને તેની પર કાનૂની કાર્યવાહી કરવા માટે તૂટી પડવાનું સત્તાધારીઓનું વલણ રમૂજ નહીં, ચિંતા પ્રેરે એવું છે. આગોતરી મંજૂરીની નવી જોગવાઈ તેમના આવા જ વલણનો અંશ છે, એ સમજવા માટે વિચક્ષણ નહીં, કેવળ સામાન્ય બુદ્ધિની જરૂર છે.         

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top