મુંબઈ ટીમના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) અંગે એક મોટી અપડેટ સામે આવી રહી છે. હકીકતમાં મંગળવારે મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ને એક ઈમેલ લખીને તેમણે આગામી સfઝનથી તેમની રાજ્ય ક્રિકેટ ટીમને મુંબઈથી ગોવા બદલવા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) માંગ્યું છે.
23 વર્ષીય જયસ્વાલ માટે આ એક મોટું પગલું હશે. ખાસ કરીને ગોવા (Goa) રણજી નોક-આઉટ રાઉન્ડ માટે ક્વોલિફાય થયા પછી. તે અર્જુન તેંડુલકર અને સિદ્ધેશ લાડ જેવા ખેલાડીઓના પગલે ચાલતો જોવા મળે છે, જેમણે પોતાની કારકિર્દીમાં ગોવાનું પ્રતિનિધિત્વ કર્યું છે.
એમસીએના એક સૂત્રએ જણાવ્યું કે તેમણે અમારી પાસેથી NOC માંગ્યું છે અને કહ્યું છે કે ગોવા જવાનું કારણ વ્યક્તિગત છે. જયસ્વાલના નજીકના લોકો સાથે પણ વાત કરી અને તેમણે પુષ્ટિ આપી કે તે મુંબઈથી ગોવામાં રમવા જવા માંગે છે.
જયસ્વાલ ગયા સિઝનમાં મુંબઈ માટે રમ્યા હતા જ્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય મેચ ન રમતા હોય તો ડોમેસ્ટીક મેચ રમવાની સૂચના આપી હતી. તેણે જમ્મુ અને કાશ્મીર સામેની રણજી ટ્રોફી મેચમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કર્યું, જેમાં તેણે 4 અને 26 રન બનાવ્યા.
આ વર્ષની શરૂઆતમાં, જયસ્વાલને ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો પરંતુ તેમને નોન-ટ્રાવેલ રિઝર્વ યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. હવે 17 ફેબ્રુઆરીએ વિદર્ભ સાથેની સેમિફાઇનલ મેચ પહેલા જયસ્વાલને ફરીથી મુંબઈ રણજી ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
જોકે, તેણે મેચની પૂર્વસંધ્યાએ પગની ઘૂંટીમાં દુખાવો હોવાનું કારણ આપીને મેચમાંથી ખસી જવાનો નિર્ણય લીધો. જયસ્વાલ તેના અંડર-19 દિવસથી મુંબઈ માટે રમી રહ્યો છે અને થોડા સમય પહેલા વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ માટે બેવડી સદી ફટકાર્યા બાદ તે ચર્ચામાં આવ્યો હતો.
ડોમેસ્ટીક ક્રિકેટમાં તેમના પ્રદર્શનથી તેમને બે વર્ષ પહેલા ભારતીય રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું હતું અને ત્યારથી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. આ વિસ્ફોટક ડાબા હાથના ઓપનરે 2024-25 બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પણ પ્રભાવિત કર્યા, પાંચ ટેસ્ટમાં 43.44 ની સરેરાશથી 391 રન બનાવ્યા, જેમાં એક સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે.
યશસ્વી જયસ્વાલ આંકડા
23 વર્ષીય યશસ્વી જયસ્વાલે અત્યાર સુધીમાં ૩૬ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. તેણે 60.85ની સરેરાશથી 3712 રન બનાવ્યા છે. તે દરમિયાન તેણે 13 સદી ફટકારી. તેનો સર્વોચ્ચ સ્કોર 265 છે.
યશસ્વીએ 19 ટેસ્ટ મેચ રમી છે. સૌથી લાંબા ફોર્મેટમાં તેણે 52.88 ની સરેરાશથી 1798 રન બનાવ્યા છે જેમાં 4 સદીનો સમાવેશ થાય છે, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 214* છે. તેણે ફક્ત એક જ વન ડે ઇન્ટરનેશનલ (ODI) મેચ રમી છે. 23 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેણે 36.15 ની સરેરાશથી 723 રન બનાવ્યા છે. તેના બેટમાંથી એક સદી પણ આવી છે.
