હજુ એક ફિલ્મ સફળતાપૂર્વક ચાલતી હોય ને બીજી પણ રજૂ થાય, અને એવું ગુજરાતી ફિલ્મ સંદર્ભે બને તો તમે એ ફિલ્મના સ્ટાર્સને ‘ખાસ’ કહી શકો. હમણાં ‘નાડી દોષ’ ફિલ્મ ચાલે છે અને ‘ફકત મહિલાઓ માટે’ 19મીએ આવી છે. યશ સોની પોતાને સ્ટાર માને તો હમણાં વાંધો ન લઇ શકીએ. હા, મલ્હાર ઠક્કર વાંધો લે કારણ કે તેની પાસે જ વધારે ફિલ્મો હોય છે. પણ યશની પહેલી ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં મલ્હાર ઠક્કર પણ હતો. એ ફિલ્મ પછી જ મલ્હાર પણ જરા જોરમાં આવ્યો અને યશ સોની પણ. જો કે યશે ત્યાર પછી ત્રણેક ફિલ્મોમાં જ કામ કર્યું છે પણ તે ત્રણે સફળ રહી છે. ‘શું થયું?’ પણ છેલ્લો દિવસની જેમ કોમેડી ફિલ્મ જ હતી અને ફરી મલ્હાર ઠક્કર સાથે હતો.
પણ ‘ચાલ જીવી લઇએ’ તો સિધ્ધાર્થ રાંદેરિયા સાથેની ફિલ્મ હતી અને ખૂબ જ સફળ રહી. હમણાં ‘નાડી દોષ’ આવી તેમાં યશ સાથે રોનક કામદાર ને જાનકી બોડાવાલા છે. કૃષ્ણદેવ યાજ્ઞિકની પ્રતિષ્ઠા ‘છેલ્લો દિવસ’થી જ જામી છે ને તેની જ ‘શું થયું’માં પણ યશ હતો અને ‘નાડી દોષ’ પણ એજ દિગ્દર્શકની છે. હમણાં ‘રાડો’ આવી તેમાં પણ યશ સોની છે. કૃષ્ણદેવ યાજ્ઞિકનો તે ફેવરીટ એકટર બની ગયો છે. ગુજરાતી ફિલ્મમાં કોઇ સફળ દિગ્દર્શકના ફેવરીટ બને એ એકટર હવામાં ચાલી શકે છે. યશની ત્રણ ફિલ્મો 2022માં આવી છે એટલે તે રાડો પાડે ય ખરો.
અત્યારે ગુજરાતી ફિલ્મ પોતાનો ટ્રેક શોધી રહી છે અને જે કેટલાંક અભિનેતા-અભિનેત્રીની માંગ રહે છે તેમાં યશ સોની પણ શામિલ થયો છે. ‘ફકત મહિલાઓ માટે’ તો અમિતાભ બચ્ચન પણ છે એટલે યશને વધારે આશા છે. અમદાવાદમાં જન્મેલો યશ નાટકોમાં અભિનય કરતો હતો અને હવે ગુજરાતી ફિલ્મોમાં સારી પોઝીશન પર છે પણ તે કોમેડીમાં ટાઇપ્ડ થઇ જશે તો આગળ મુશ્કેલી વધશે.
યશે યશસ્વી રહેવું હોય તો જૂદી ફિલ્મો પણ વિચારવી જોઇએ. જો કે ગુજરાતીમાં ફિલ્મો જ ઓછી બનતી હોય ને ‘હીરો’ થવાની લાઇનમાં ઘણા હોય ત્યારે યશ પોતે નક્કી ન કરી શકે. હા, તે ફિલ્મોમાં સ્વીકારાય ગયો છે ને ગુજરાતી પ્રેક્ષકોને ગમે છે એજ મોટું એચિવમેન્ટ.