સુરત: કેન્દ્ર સરકારના ટેક્સટાઇલ (Textile) મંત્રાલય દ્વારા ચલાવવામાં આવેલી યાર્ન બેંક (Yarn Bank) સ્કીમને માત્ર સુરતમાં સફળતા મળી હોવા છતાં સરકારે સ્કીમ બંધ કરી દેતાં સુરતની વિવિંગ સોસાયટીઓએ જાતે પહેલ કરી છે. પાંડેસરા વિવર્સ કો.ઓપ.સોસાયટી અને કતારગામ-વેડ રોડ વિવર્સ સોસાયટી દ્વારા દેશમાં સહકારી ધોરણે યાર્ન બેન્ક શરૂ કરવાનો પ્રયોગ સફળ રહ્યો છે.
પાંડેસરા વિવર્સ કો.ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, કો.ઓપરેટિવ ધોરણે સોસાયટીના કોપર્સ ફંડમાંથી 1.50 કરોડ અને 1.50 કરોડ વિવર્સના મળી 3 કરોડના ફંડથી નાના વિવર્સ માટે દેશમાં પ્રથમવાર કો.ઓપરેટિવ મોડેલ પર યાર્ન બેન્ક શરૂ કરવામાં આવી છે.
- ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવેલી યાર્ન બેંક સ્કીમને માત્ર સુરતમાં સફળતા મળી હોવા છતાં સરકારે સ્કીમ બંધ કરી દેતાં સુરતની વિવિંગ સોસાયટીઓએ જાતે પહેલ કરી
- આ અગાઉ સરકારની 1.48 કરોડની વિના વ્યાજની લોનથી 6 વર્ષ સુધી સફળતાપૂર્વક યાર્ન બેન્ક ચલાવવામાં આવી હતી
- 6 વર્ષ સુધી ટેક્સટાઇલ કમિશનર કચેરીએ વિના વ્યાજે ગ્રાન્ટ આપી હતી
આ અગાઉ સરકારની 1.48 કરોડની વિના વ્યાજની લોનથી 6 વર્ષ સુધી સફળતાપૂર્વક યાર્ન બેન્ક ચલાવવામાં આવી હતી. એ અનુભવને આધારે સહકારી ધોરણે બજાર ભાવ કરતાં થોડા ઓછા ભાવે નાના વિવર્સને યાર્ન બેન્ક થકી યાર્ન આપવામાં આવી રહ્યું છે. 6 વર્ષ સુધી ટેક્સટાઇલ કમિશનર કચેરીએ વિના વ્યાજે ગ્રાન્ટ આપી હતી. એ અનુભવના આધારે પહેલ કરી છે. યાર્ન બેંકના મોડેલમાં યાર્નના ભાવો તૂટ્યા હોય ત્યારે ખરીદી કરવામાં આવે છે.
સરકારની વિના વ્યાજની લોનથી 6 વર્ષમાં 100 કરોડનું ટર્ન ઓવર કર્યું હતું: આશિષ ગુજરાતી
ટેક્સટાઇલ કમિશનરની ઓફિસ દ્વારા અપાયેલી વિના વ્યાજની લોન અને સોસાયટીના ફંડથી યાર્ન બેંકની યોજના બંધ થઈ તેના છેલ્લાં 6 વર્ષમાં સોસાયટીએ 100 કરોડનું ટર્ન ઓવર કર્યું હતું. એક વર્ષમાં સર્વાધિક 27 કરોડ સુધી ટર્ન ઓવર રહ્યું હતું. સરકારના અનુદાનથી શરૂ થયેલી યાર્ન બેન્ક બંધ થયા પછી આત્મનિર્ભર ભારતની પરિકલ્પનાને સાકાર કરવા સોસાયટીએ જાતે યાર્ન બેન્ક ચલાવવાનો નિર્ણય લીધો હતો, જેમાં બેંકોનો પણ સહયોગ મળી રહ્યો છે.