Business

“यदक्षरंवेदविदोवदन्ति”

અક્ષરબ્રહ્મને પામવા માટે આવશ્યક એવાં બે તત્ત્વો બ્રહ્મચર્ય અને વૈરાગ્યના માહાત્મ્યને સમજ્યા. હવે ભગવાન કૃષ્ણ આ જ શ્લોકમાં અક્ષરબ્રહ્મનો જે અપાર મહિમા જણાવે છે તેની ચર્ચા કરીએ. 
ઝળહળતા સૂર્ય વિના “ગગન”ની કલ્પના થઈ શકે? અરે, પૂર્ણિમાની રાતે ચમકતો ચંદ્ર જ ન હોય તો…?
હા, ગગનમાં સૂર્ય-ચંદ્રનું સ્થાન અતિ મહત્ત્વનું છે એવી જ રીતે તત્ત્વજ્ઞાનના ગગનમાં ‘અક્ષરબ્રહ્મ’ તત્ત્વ આગવું સ્થાન ધરાવે છે.
જેની ચર્ચા ઉપનિષદ્, બ્રહ્મસૂત્ર તથા અનેક પ્રાચીન ગ્રંથોમાં કરવામાં આવી છે. આ જ તત્ત્વને ઓળખાવતાં ભગવાન કૃષ્ણ શ્રીમદ ભગવત ગીતામાં કહે છે કે
“यदक्षरंवेदविदोवदन्ति
विशान्तियद्यतयोवीतरागा:।
यदिच्छन्तोब्रह्मचर्यंचरन्ति
तत्तेपदंसंग्रहेणप्रवक्ष्ये।।”(8/11)
 “અક્ષરધામને પામવા ઇચ્છુક ભક્તો જગતના પંચવિષયોથી અલિપ્ત થઈ બ્રહ્મચર્યનું આચરણ કરે છે અને એવા નિર્વાસનિક ભકતો જ અક્ષરધામને પામે છે, જેને વેદના વિદ્વાનો અક્ષરબ્રહ્મ કહે છે. એ અક્ષરબ્રહ્મનું નિરૂપણ હવે હું કરીશ.” આ અક્ષરબ્રહ્મ એક અને અદ્વિતીય તત્ત્વ છે, જે ચાર સ્વરૂપે કાર્ય કરે છે, જેમ એક જ વ્યક્તિ ‘પિતા’, ‘વકીલ’, ‘ભાઇ’, ‘મિત્ર’ જેવા અનેક રૂપે વ્યવહાર કરે છે એવી જ રીતે અક્ષર કાર્ય કરે છે. પરંતુ તત્ત્વતઃ અક્ષરબ્રહ્મ છે તો એક અને અનન્ય જ. તેના સ્વરૂપમાં અનેકતા આવતી નથી. ચાલો, તેનાં ચાર સ્વરૂપને જાણીએ.

 પ્રથમ સ્વરૂપ છે “અક્ષરબ્રહ્મ ચિદાકાશરૂપે” જે સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. પ્રત્યેક જીવ-ઈશ્વરો કે વૃક્ષમાં તથા નશ્વર આકાશ આદિમાં રહેલું છે. આ સ્વરૂપનું જ્ઞાન પ્રત્યેક માનવોને ‘સર્વત્ર ઈશ્વર જોવાની દૃષ્ટિ’ પ્રેરે છે, જેથી અયોગ્ય આચરણ દૂર કરી શકાય. બીજું સ્વરૂપ છે “અક્ષરબ્રહ્મ દિવ્ય દેશરૂપે.”  જેમ માનવો પૃથ્વીથી બીજા લોકને‘સ્વર્ગ લોક’ તરીકે સ્વીકારે છે, એવી જ રીતે અહીં અનેકગણો દૂર એક દિવ્ય દેશ રહેલો છે. જેનું વર્ણન કરતાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે “તે ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે, સચ્ચિદાનંદ છે, અનંત છે અને અખંડ છે. તેને દૃષ્ટાંતે કરીને કહીએ છીએ, જેમ પર્વત-વૃક્ષાદિકે સહિત અને મનુષ્ય, પશુ, પક્ષ્યાદિકની જે આકૃતિ તેણે સહિત એવી જે આ સમગ્ર પૃથ્વી તે કાચની હોય અને આકાશને વિષે જે સમગ્ર તારા તે સર્વ સૂર્ય હોય, પછી તેને તે જે કરીને તે સમગ્ર આકૃતિએ સહિત કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભાએ યુક્ત ભગવાનનું ધામ છે; એવું જે ભગવાનનું ધામ તેને ભગવાનના ભક્ત છે તે સમાધિને વિષે દેખે છે અને દેહ મૂક્યા પછી એ તેજોમય જે ભગવાનનું ધામ તેને પામે છે.” (વચનામૃત ગઢડા પ્રથમ ૧૨) સર્વ શુદ્ધ    મુમુક્ષુઓ માટે આ ધામપ્રાપ્તવ્ય છે.

તો ત્રીજું સ્વરૂપ છે “અક્ષરબ્રહ્મ દિવ્ય દેશમાં સ્થિત સેવકરૂપે.”  જેની વાત વચનામૃતમાં દર્શાવી છે કે “એ અક્ષર પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે” અર્થાત્ સૌના આદર્શરૂપે અક્ષરબ્રહ્મ અનંત કોટિ ભક્તોની સાથે સદા પરબ્રહ્મની દાસભાવે પરિચર્યા કરે છે. આના દ્વારા મહાન પદવી,ધન પ્રાપ્ત કર્યા બાદ પણ સદા નમ્રતા, દાસભાવ રાખી સેવા કરવાનો ઉપદેશ પ્રાપ્ત થાય છે. તો ચોથું સ્વરૂપ છે “અક્ષરબ્રહ્મ મનુષ્યલોકમાં પ્રકટ ગુરુરૂપે.”  માત્ર શાસ્ત્રોમાં જ અક્ષરબ્રહ્મના જ્ઞાનની વાતો પડી રહે તો તેનો શું લાભ ? કારણ કે ચિત્રામણના સૂરજથી જેમ અંધારું ન ટળે ને પ્રખર વક્તાઓ દ્વારા થયેલી ‘આઈસ્ક્રીમ’ પરની પારાયણ પેટના ખાડાને ન પૂરી શકે. એના માટે તો મુખોમુખ આઈસ્ક્રીમનું સ્વાદસુખ લેવું જ રહ્યું. એમ જ્યારે ગુરુરૂપે સાક્ષાત્ અક્ષરબ્રહ્મનો પ્રસંગ થાય ત્યારે જ મનુષ્ય ‘આત્મનિષ્ઠ’ અને ‘મુક્ત’ બની આત્યંતિક કલ્યાણને પામી શકે.

હા, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ સમજાવે છે કે પ્રત્યેક અધ્યાત્મજ્ઞાનના પીપાસુઓની પ્યાસ બુઝાવવા જ અક્ષરબ્રહ્મ ગુરુરૂપે પૃથ્વી પર પ્રગટ થાય છે, જે સમગ્ર જીવ-પ્રાણી ઉપર ભગવાનની અપાર કરુણા, કૃપા છે. મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે “ગુરુ (પ્રગટ અક્ષરબ્રહ્મ) વિના કાંઈ ન થાય. શાસ્ત્રમાં શબ્દે કરીને જ્ઞાન તો થાય, પણ વર્ત્યા વિના સુખ ન આવે. ગુરુ વિના કેવળ શાસ્ત્રે કરીને જ્ઞાન થાય છે તે જેમ ફળ વિનાનાં ફૂલ ખરી જાય છે તેમ છે. ને ફળ તો ગુરુ સમજાવે ત્યારે જ થાય છે.” (અક્ષરામૃત = ૨૩/૧૨) ગીતામાં કથિત અક્ષરબ્રહ્મનો મહિમા પ્રગટ ગુરુરૂપ અક્ષરબ્રહ્મ સત્પુરુષ દ્વારા જ જાણી શકાય છે. પરંતુ તે માટે આવા ભગવતસ્વરૂપ સંતનો પ્રસંગ અનિવાર્ય છે.

Most Popular

To Top