ઓડિશા અને બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાત ‘યાસ’ (Yaas Cycline) બુધવારે મોડી રાત્રે 75 કિમી પ્રતિ કલાકની ઝડપે અને ભારે વરસાદ સાથે ઝારખંડની સીમામાં પ્રવેશ્યું હતું. જેના કારણે અહીં ભારે વરસાદ પડી રહ્યો છે. એટલું જ નહીં, આ તોફાનની અસર બિહાર (Bihar), ઉત્તર પ્રદેશ (UP) અને રાજસ્થાન (Rajasthan) સહિતના ઘણા રાજ્યોમાં જોવા મળી રહી છે. બિહારમાં પટના અને દરભંગા એરપોર્ટ હાઈએલર્ટ પર છે. હવામાન ખાતાના જણાાવ્યાં મુજબ વાવાઝોડાના કારણે ગુરુવાર સાંજ સુધીમાં તોફાનના કારણે કોલ્હાન વિસ્તારમાં 90 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવવાની શક્યતા છે. હવામાન વિભાગ આઇએમડી દ્વારા 28 મે સુધી રાજ્યભરમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ગુરુવારે સવારે 5.30 વાગ્યે તોફાન દક્ષિણ ઝારખંડ પહોંચ્યું હતું અને નબળું પડ્યું હતું. અહીંથી તોફાન ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. તે ધીરે ધીરે નબળું પડતું જઈ રહ્યું છે. જોકે તોફાનને કારણે બિહારના 26 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
ચક્રવાતને કારણે રાજ્યમાં લોકોને આગામી 24 કલાક સુધી ઘરોમાં રહેવાનું કહેવાયું છે. આ સાથે જ કોલ્હાન પ્રમંડલના પૂર્વ સિંહભૂમ, સરાયકેલા, પશ્ચિમ સિંહભૂખ, બોકારો ઉપરાંત ખૂંટી અને પશ્ચિમ સિંહભૂમ જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવાનું કામ ચાલુ છે. બુધવારે રાત્રે 1 વાગ્યાની આસપાસ યાસ તોફાન પશ્ચિમ સિંહભૂમથી ઝારખંડમાં પ્રવેશ્યું હતું.
આ સમયે પવનની ગતિ પ્રતિ કલાક 60 કિલોમીટર હતી. વાવાઝોડાને કારણે ઝારખંડના રાંચી સહિત 24 જિલ્લામાં 24 કલાક વરસાદ ચાલુ રહ્યો હતો. જમશેદપુર અને ધનબાદમાં જોરદાર પવનને કારણે અનેક વૃક્ષો અને ઇલેક્ટ્રિક થાંભલા પડી ગયા હતા. જેના પગલે 200 ગામોમાં અંધકાર ફેલાયો છે.
26મીએ 130-140 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાતા પવન સાથે વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠા વિસ્તારોમાં ભારે કેર વર્તાવ્યો છે. યાસની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા અને દક્ષિણ 24 પરગણા ઉપરાંત પૂર્વ મેદિનીપુર જિલ્લામાં પડી. કોરોનાના કહેર વચ્ચે દક્ષિણ 24 પરગણા જિલ્લાના કાકદ્વીપમાં એક હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા જેના કારણે દર્દીઓએ ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
માત્ર બંગાળમાં યાસથી એક કરોડ લોકો પ્રભાવિત થયા છે. સતત વરસાદને કારણે ઓડિશા-બંગાળના કેટલાંક જિલ્લાઓ પાણીમાં ભરાયા છે. નદીઓનું જળસ્તર વધ્યું છે અને સેંકડો પાળા તૂટી ગયા છે. રાહત અને બચાવ ટીમો લોકોને સુરક્ષિત બહાર કાઢવાનું કામ કરી રહી છે.
બાલાસોરમાં પણ ભારે તબાહી જોવા મળી. બાલાસોરમાં જળસ્તર વધ્યા બાદ ગામડાઓ પાણીમાં ડૂબવા લાગ્યા. ત્યારપછી તો એનડીઆરએફના જવાનોએ આકરી મહેનત પછી તેમને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા. આ દરમિયાન લોકોએ ઘરોની છત પર જઈને જીવ બચાવ્યા.