Comments

જી ટવેન્ટીના ભારતીય રંગમાં ભંગ પાડવા ઝિનપિંગ પુિતન તૈયાર બેઠા છે

ગ્રુપ ઓફ ટવેન્ટી અથવા જી ટવેન્ટી એ જગતમાં આર્થિક સહયોગ અને સહકાર માટેનું એક મહત્ત્વનું ફોરમ છે. 1999માં સ્થાપાયેલી આ સંસ્થાના જમા ખાતામાં ઘણી બાબતો બોલે છે. જોતજોતામાં ફોરમે આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા અને દરજ્જો પ્રાપ્ત કરી લીધાં, જગતના લગભગ તમામ આર્થિક બાબતોના મુદ્દાઓનો જીટવેન્ટી દ્વારા સૌહાર્દપૂર્ણ અને તટસ્થ રીતે નિવેડો લાવવામાં આવ્યો છે. જીટવેન્ટીના પ્રમુખ તરીકે દર વરસે તેના સભ્ય દેશોમાંથી કોઇ એક દેશને પસંદ કરાય છે.

સદ્દનસીબે હાલના 2023માં જી20માં પ્રેસિડન્સી ભારતને મળી છે. કમનસીબે તેના લગભગ પચ્ચીસ વરસના ઇતિહાસમાં આ વરસે પ્રથમ વખત એવું ઘટવાનું છે જેમાં ચીનના અને રશિયાના બન્ને પ્રમુખો હાજરી નહીં આપે. તે માટે બન્ને પાસે પોતપોતાનાં મૂર્ખતાપૂર્ણ કરાણો અને જલનકારક મજબૂરીઓ છે. તેઓની આ આડોડાઈમાં ભારતના વધી રહેલા મહત્ત્વનો, દરજ્જાનો સ્વીકાર નહીં કરવાની ચેષ્ટા જરૂર છે, પણ તેનાથી વધુ મહત્ત્વનાં કારણો એ છે કે બન્ને દેશો અને તેના પ્રમુખો, દુનિયામાં બીજાઓને હરાવવા, ફસાવવા માટે જાળ ગૂંથી રહ્યા હતા.

તે જાળમાં પોતે જ ફસાઈ ગયા છે. બન્ને જણ આવે તો પણ સન્માનનીયપણે દુનિયાને મોં બતાવી શકે તેમ નથી. થોડા દિવસો  અગાઉ દક્ષિણ આફ્રિકામાં બ્રિકસ દેશોનું સંમેલન યોજાયું હતું તેમાં મોદી અને ઝિનિપિંગ બન્ને હાજર રહ્યા હતા, પણ પુતીન સમજદારીથી કે શરમથી પ્રેરાઈને ગેરહાજર રહ્યા છે. ગેરહાજર રહેવા માટે એમણે ઘરઆંગણાની યુદ્ધકીય અગ્રિમતાનું કારણ આપ્યું હતું. હવે નવી દિલ્હી ખાતે જી-20ની પરિષદમાં હાજર નહીં રહેવા માટે એ જ કારણ દોહરાવી રહ્યા છે. યાદ રહે કે બ્રિકના નામમાં જે ચાર અક્ષર રહેલા છે તે રશિયાનો છે. જો કે રશિયાના વિદેશ મંત્રી સગેંઇ લાવરોફ હાજર રહ્યા હતા. અહીં બીજી નોંધપાત્ર હકીકત એ છે કે હમણાંથી રશિયાને ભારતની અમુક નીતિઓ પણ પસંદ નથી. ગેરહાજર રહેવા પાછળ એ નારાજીને મેગ્નિફાય કરી મસમોટી બતાવવાનો ઉદ્દેશ પણ છે.

બ્રિકસ દેશો તો જૂના પાંચ અને નવા આમંત્રાયેલા છ દેશોનું એક સંગઠન હવે બનશે. આ સંગઠનના કદ અને કાઠી એવડા ગંજાવર નથી કે તેને ટકાવી રાખવું અનિવાર્ય બને. બ્રિકસમાંના મહત્ત્વના બે દેશો ચીન અને ભારત જન્મજાત દુશ્મનો બની ગયા છે. ભારતે ચીનની અનેક ડિજિટલ અર્થ અને વેપાર વ્યવસ્થાઓ પર પ્રતિબંધો લાગુ પાડયા છે. સેંકડો ડિજિટલ એપ્લિકેશનો (એપ્સ)ને ભારતમાં ઓપરેટ કરવાની છૂટ આપી નથી. હથુઆવેઇ જેવી ઘણી તોતિંગ ચીની મૂળની કંપનીઓને ભારતમાં તેઓના વેપાર વણજને ચાલુ રાખવાની છૂટ અપાઇ નથી.

સૌથી મોટો ઝગડો તો ગલવાન ઘાટી, તિબેટ સરહદ પર ચાલી રહ્યો છે, જેમાં ભારત પ્રથમ વખત પ્રોએકિટવ બની ચીનીઓના ડેરા તંબુઓને ઉખેડીને ફેંકી દીધા. એ ઘટનામાં બન્ને તરફ જાનહાનિ થઇ. ચીને પોતાનો મરણ આંકડો હજી ચાર વરસ બાદ જાહેર કર્યો નથી. શરમ આવે છે તો ! ભારતના વીસ સપૂતો શહીદ થયા. આ ઘટનાએ ચીનને એના મનસૂબામાં આગળ વધતું રોકી દીધું છે. બેશરમને ભારત સાથે વેપાર પણ કરવો છે અને જમીન પણ પચાવી પાડવી છે. ટૂંકમાં શિન ઝિનપિંગને જાહેરમાં કે ખાનગીમાં, ભારત પ્રત્યે ધૃણા હોય તે સમજી શકાય છે.

તેમાં વળી હાલના વરસમાં ભારતની આર્થિક સ્થિતિ ચીનને ‘અને બીજા ઘણા વિકાસશીલ તેમજ વિકસિત દેશોને) શરમાવે તેવી છે. છેલ્લાં દોઢેક વરસથી ચીનનો જીડીપી અથવા વાર્ષિક વિકાસ વૃદ્ધિ દર બેથી અઢી ટકાની આસપાસ ચાલી રહ્યો છે, જે એક સમય ચૌદથી અઢાર ટકા વચ્ચે રહેતો હતો. શી ઝિનપિંગની કોઇક નરંગી આર્થિક વિચારધારાને પગલે ચીન હાલમાં મંદીના વમળમાં બૂરી રીતે ફસાઈ ગયું છે અને આવો કે આનાથી નીચેનો વૃદ્ધિદર હજી ચારથી પાંચ વરસ ચાલશે. તેની સામે ભારત સાડા છ ટકાથી લગભગ સાડા આઠ ટકાના દરે વધતું રહેશે તેમ આર્થિક નિષ્ણાતો કહે છે.

આવા ઉમંગમય વાતાવરણમાં દુનિયા શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતની સિદ્ધિઓની ગુલાબી ગુલાબી પ્રશંસા કરે તો ઝિનપિંગથી સહન થાય ખરું? નથી જ થઇ રહ્યું. માટે મહાશય પોતાનું નાક કપાવીને ભારતને અપશુકન કરાવશે. ગેરહાજર રહેશે એ હકીકતથી જ એવો સંદેશો જગતને મળશે કે ચીન દુનિયાના આર્થિક મંચ પરથી બાજુએ ખસેડાઈ ગયું છે. જો કે આ લખાય છે ત્યાં સુધીમાં ઝિનપિંગ હાજર રહેશે જ નહીં તેવી સ્પષ્ટતા સાથેનું કોઇ ચીની નિવેદન બહાર પડયું નથી. પરંતુ ચીની પ્રિમિયર, જે સત્તા, હોદ્દો અને રૂઆબમાં પ્રમુખ પછી બીજા ક્રમે આવે છે તે લી કીઆંગ જી ટવેન્ટીમાં હાજર રહેશે એમ કહેવાયું છે.

જીનપિંગના આ વર્તનને ભારત પોતાની રીતે મૂલવે તે સ્વાભાવિક છે, કારણ કે સંમેલન ભારતમાં અને સૌ પ્રથમ વખત ભારતમાં યોજાઈ રહ્યું છે. આવતા સપ્તાહમાં દિલ્હી ખાતે તેની શિરમોર ગણાતી પરિષદનું મિલન અને ઉજવણી થશે. દુનિયાના અન્ય સમર્થ દેશો, ખાસ કરીને પશ્ચિમના દેશો, ઝિનપિંગની આ આડોડાઈને પશ્ચિમની વિરુદ્ધ ગણશે અને ગણાવશે. કારણ કે તેમ કરવા –કહેવા માટેનાં પૂરતાં કારણો પશ્ચિમના દેશો પાસે છે. ઝિનપિંગની ગેરહાજરી ભારતના ઉત્સાહને અમુક અંશે ઠંડો પાડી દેશે પણ આખરી માર તો ખુદ ચીને જ સહન કરવો પડશે. આવી રહેલા મહામંદીના દૌરમાં ભારત ચીન સાથેની આર્થિક પ્રવૃત્તિઓ સંકેરવા માંડશે તો? સભ્યો વિખૂટા પડવાની કુઅસર ખુદ જીટવેન્ટી સંસ્થા અને તેના ભવિષ્ય પર પણ પડશે.

જીટવેન્ટીના સભ્ય દેશોના અને સંસ્થાના અધિકારીઓ સભ્ય દેશો વચ્ચેનો વિખવાદો, વૈચારિક મતભેદો, રાવ- ફરિયાદોનો અંત આણવા માટે ઘણા લાંબા સમયથી ખૂબ મહેનત કરી રહ્યા છે.આરોગ્યના વિષયોથી માંડીને પર્યાવરણ સુધીની અનેક બાબતોમાં સભ્યો વચ્ચે મતભેદો છે. વળી યુક્રેન યુદ્ધ વિશે એક તરફ ચીન-રશિયા અને તેના એક બે જરખ મિત્રો એક બાજુએ છે અને બીજી બાજુએ લગભગ સમગ્ર દુનિયા છે. ચીન અને રશિયા સાથે કોઇ મંચ પર આવીને દુનિયાને જવાબ આપવાની સ્થિતિમાં નથી રહ્યા.

યુદ્ધ ક્ષેત્રે યુક્રેન હમણાં હમણાંથી રશિયાના પ્રદેશોમાં ઘૂસી રશિયા પર અવકાશી હુમલા કરી રહ્યું છે. જે જોઈતાં હતાં તેવાં શસ્ત્રો યુક્રેને વિકસાવી લીધાં છે. રશિયામાં સાતસો કિલોમિટર અંદર જઇ હુમલો કરે એવી મિસાઈલો તૈયાર કરી અને થોડા દિવસ પૂર્વે તે રશિયાની જમીન પરથી રશિયાનાં જ શહેરો પર છોડવામાં આવી. સામે પક્ષે પુતીન પોતાની લશ્કરી અધિકારીઓની ખટપટ અને રાજકારણમાં ફસાયા છે. સમાંતરે અર્થતંત્ર સાવ ખાડે નથી ગયું તો કોઇ આરોગ્યપૂર્ણ સ્થિતિમાં પણ નથી રહ્યું.

પુતીનને હવે એ ડર સતાવી રહ્યો છે કે પોતે કયાંક વિદેશ જશે તો પાછળથી ક્રેમલીનમાં લશ્કરી વડાઓ બળવો પોકારી દેશે. હમણાં પ્રિગોઝીન માર્યો ગયો તે પણ આ પ્રકારની ખટપટનો એક વિન્ડો જ હતો. પુતીન માટે વિદેશમાં જઇને પણ ખાસ કંઇ મેળવવાનું નથી. આર્થિક પ્રતિબંધો લદાયેલા જ છે. બાંધી મુઠ્ઠી ખૂલી ગઇ છે તેથી પુતીનને હવે પોતાની પૈસા ભૂલી યુવાન લલના મિત્રો સિવાય અન્ય કોઇ જગ્યાએથી સલામ, નમસ્કાર કે ગરમી મળે તેવી શકયતા રહી નથી. સારું એ છે કે બન્ને નેતાઓ પોતાના ઘરે જ રહે, જેથી દુનિયાના બીજા નેતાઓને શીખવાની ફરજ પડે કે આટઆટલી છકી ન જવાય. છાકટા ન થવાય. દુનિયાની કે પોતાની પ્રજાઓને સુખી કરવી હોય તો કુદરતે એક ભૂલો અને બીજો લો તેવા પારાવાર વિકલ્પો આપ્યા છે.

કોઇને સુખી કરવા માટે કોઇને અનહદ દુ:ખી કરવા પડે એ લોજિક આજકાલની વિશ્વ-વસતિને ગળે ઊતરતું નથી. શ્રી મોદીએ કહ્યું હતું તેમ આજે યુદ્ધ કોઇ વિકલ્પ રહ્યો જ નથી. ઝિનપિંગ અને પુતીન ઘમંડમાં ભીંત ભૂલી ગયા છે. ચીનની પોતાની રમતો ખુલ્લી પડી ગઈ છે. ધંધા રોજગારો, વિકાસ ઠપ થઇ ગયા છે છતાં તેની પ્રમુખ ઇચ્છા ભારતના રંગમાં ભંગ પડાવવાની છે.ભારત સાથેના સંબંધો જોતાં પુતીનની કદાચ આવી ઇચ્છા નહીં હોય, છતાં ભારતનો કાયમી ઝુકાવ અમેરિકાતરફી રહ્યો છે અને રહેશે તે વાસ્તવિકતાને કારણે પુતીન અંદરખાનેથી નારાજ જરૂર હશે. છો રહ્યા! હુ કેઅર્સ?

કોઈ ચીની પ્રમુખ દ્વારા અને શી ઝિનપિંગ દ્વારા પણ જીટેવન્ટી પરિષદમાં આ ગેરહાજરી પ્રથમ વખત હશે. ઝિનપિંગે અગાઉની તમામમાં હાજરી આપી છે. અમુક પશ્ચિમી નિષ્ણાતોનું કહેવું છે કે જો આ સમૃદ્ધ આંતરરાષ્ટ્રીય ફોરમમાંથી ચીન વિદાય લઇ લે તો ફોરમનું ટકી રહેવાનું પણ મુશ્કેલ બનશે. અસ્તિત્વ જોખમાઈ જશે. જો કે બધા આ ફળકથન સાથે સહમત નથી. એક ખાનગી ભારતીય થિંક ટેન્ક નામે અનંત એસ્પેન સેન્ટરના વડા અધિકારી ઇન્દિરા બાગચી કહે છે તે મુજબ, ‘ફોરમાં જયાં સહમતિ સધાવાની હોય કે સધાઈ રહી હોય તેવા તમામ મહત્ત્વના મુદ્દાઓ, વિષયોની બાબતમાં ચીન વર્તન પહેલેથી જ પ્રિન્સીપલ (પ્રમુખ) વિરોધ પક્ષ જેવું રહ્યું છે.’

અમુક અમેરિકી વિચારકો, ચિંતકોને લાગે છે કે, જીટવેન્ટીમાં ઝિનપિંગ ગેરહાજરી જ જીટવેન્ટીના અસ્તિત્વ પર ખતરો બની રહેશે.’પણ જો ખરેખર આવી સ્થિતિ હોય તો બાકીના દેશો માટે તે શરમજનક બાબત ગણાવી જોઈએ. માત્ર એક દેશ સાથે ન હોય તે કારણથી જ કોઇ મહાન સંસ્થા લહાન, નાની બની જાય તો તેમાં ચીનને દોષ ન દઇ શકાય. આવી કોઈકને કોઇક ક્રાઈસિસ દર બે-ચાર વરસે આવતી જ હોય છે.

તેવી આવનારી સ્થિતિ સામે સંસ્થાને પ્રુફ બનાવવી જોઈએ. ચીન આ વખતે હાજર ન રહે તે ઘટના પણ ભવિષ્યમાં જીટેવન્ટીને અસ્તિત્વ માટે મદદરૂપ બનશે. કોઇ હાજર ન રહે. આર્થિક રૂપરેખામાં ના જોડાય તો વિચારવાની જરૂર પડે કે આવું થાય ત્યારે શું કરવું? હવેની નવી સ્પર્ધાયુકત આર્થિક વ્યવસ્થાઓમાં ચીન અને અમેરિકા વચ્ચેનાં ખટરાગો, કાવતરાં પણ લાંબો સમય ચાલતાં રહેવાના, અનેક દશકો માટે ચાલશે. તો તેમાં હંગામી હવામાન મહત્ત્વનો ભાગ ના ભજવી જાય તે પ્રકારનું મિકેનિઝમ જોડવું પડશે. સ્થિતિ સામાન્ય હોય ત્યારે પણ સભ્ય દેશો વચ્ચે લમણાઝીક કરીને એક મજિયારા ઇરાદાઓ વ્યક્ત કરતા પત્ર પર સહીઓ કરાવવાનું મુશ્કેલ બનતું હોય છે ત્યારે કટોકટીકાળની ઘેરી અસર પડવાની જ.

ગયા વરસે બધું બરાબર હતું તો પણ સમાન શુભ ઇરાદાઓ વ્યક્ત કરતા પત્ર પર સભ્ય દેશોના વડાઓની સહીઓ મેળવવામાં યજમાન દેશ ઇન્ડોનેશિયા પસીનો છૂટી ગયો હતો.ઇન્ડોનેશિયાના વડા નેતાઓએ સમૃદ્ધ રાષ્ટ્રોના નેતાઓને સમજાવવા માટે અલગ અલગ રીતે તેઓના દેશ સુધી જવું પડયું હતું. પરંતુ ત્યાર બાદ યુક્રેન યુદ્ધમાં જે પરિણામો આવ્યાં છે તેનાથી લોકશાહી દેશો અને બીજી તરફ ચીન-રશિયા વચ્ચે ખૂબ ઊંડી ખાઈ પેદા થઇ છે. ભારતને પણ એક નિવેદન પર સર્વસહમતી માટે હજી સુધી એક સહી મળી નથી. ભારતમાંની જીટેવન્ટી પરિષદ કદાચ ભારતને મળવી જોઈએ. એટલો યશ નહીં અપાવે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top