નવી દિલ્હી : લંડનમાં (London) ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ની ફાઈનલ રમવા માટે મંગળવારે વહેલી સવારે ઈંગ્લેન્ડ જવા રવાના થનારા ભારતીય ખેલાડીઓના પહેલા જથ્થામાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો પણ સમાવેશ થાય છે. કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો સાથી મહંમદ સિરાજ પણ આ જ ફ્લાઇટમાં લંડન પહોંચશે. ઈંગ્લેન્ડ માટે રવાના થનારી પ્રથમ બેચમાં સ્પીનરો રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલ તેમજ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર ઉપરાંત રાહુલ દ્રવિડના નેતૃત્વમાં સપોર્ટ સ્ટાફનો સમાવેશ થાય છે. આગામી 7થી 11 જૂન દરમિયાન લંડનના ઓવલ ખાતે ડબલ્યુટીસીની ફાઇનલ રમાશે.
- વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મહંમદ સિરાજ તેમજ રાહુલ દ્રવિડ અને સપોર્ટ સ્ટાફ આજે ઇંગ્લેન્ડ જવા રવાના
- રોહિત શર્મા, શુભમન ગીલ, ઇશાન કિશન, મહંમદ શમી, કેએસ ભરત અને અજિંક્ય રહાણે મોડેથી ઇંગ્લેન્ડ પહોંચશે
ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ના સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય ટીમના ખેલાડીઓ બે કે ત્રણ બેચમાં ઈંગ્લેન્ડ પહોંચશે. પ્રથમ બેચ આવતીકાલે સવારે 4.30 કલાકે રવાના થશે. જે ખેલાડીઓની ટીમ આઇપીએલ પ્લેઓફમાં પહોંચી છે તેઓ પછીથી ઈંગ્લેન્ડ પહોંચશે. જેમાં કેપ્ટન રોહિત શર્મા, ઈશાન કિશન, શુભમન ગિલ, મહંમદ શમી, કેએસ ભરત અને અજિંક્ય રહાણેનો સમાવેશ થાય છે. ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારા પહેલાથી જ ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે.
ભારતના મોટાભાગના ખેલાડીઓ બે મહિના સુધી આઇપીએલમાં રમ્યા બાદ ડબલ્યુટીસીની ફાઈનલમાં ભાગ લેશે, જ્યારે નિર્ણાયક મેચ માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં માત્ર ત્રણ ખેલાડીઓ જ ભારતીય ટી-20 લીગમાં રમી રહ્યા હતા. ડબલ્યુટીસીમાં ભારત 2021માં રનર્સ અપ હતું. અને હવે તેઓ છેલ્લા 10 વર્ષમાં પ્રથમ આઇસીસી ટ્રોફી જીતવાના ઉદ્દેશ્ય સાથે મેદાનમાં ઉતરશે.