એક સરસ વાર્તા છે. એક જંગલમાં વિવિધ પ્રકારનાં પ્રાણીઓ રહે અને બધાં પ્રાણીઓ વચ્ચે સારો સંપ અને બધાં એકબીજાને મદદ કરતાં રહે અને કયારેય કોઈ વાતની ના ન પાડે.એક દિવસ નદી પાસે એક ખિસકોલી ક્યારની આંટા મારતી હતી.તેને સામે કિનારે જવું હતું.નદી પર વર્ષો જૂનો પુલ હતો, પણ નદીમાં બહુ પાણી હતું અને પાણીના પ્રવાહનો વેગ પણ બહુ હતો અને એટલે તેને પુલ પર પગ મૂકતાં ડર લાગતો હતો.
એટલામાં ત્યાંથી એક હાથી પસાર થયો.ખિસકોલીએ હાથીને પૂછ્યું, ‘હાથીભાઈ, તમે ક્યાં જાવ છો?’ હાથીએ કહ્યું, ‘નદીની સામે પાર મારા મિત્રો રહે છે તેમને મળવા જાઉં છું.’ ખિસકોલી આ સાંભળી ખુશ થઇ ગઈ અને તરત બોલી, ‘હાથીભાઈ, તમે મને તમારી સાથે સામે પાર લઇ જશો?’ હાથીએ હા પાડી અને ખિસકોલી તરત હાથીની સૂંઢ પરથી ઉપર ચઢી હાથીની પીઠ પર બેસી ગઈ.
હાથી ધીમે ધીમે જૂના પુલ પર ચાલવા લાગ્યો અને હાથીના ચાલવાથી વર્ષો જૂનો પુલ હાલવા લાગ્યો અને ધ્રૂજવા લાગ્યો.હાથીએ સમજીને પોતાની ચાલ હજી વધારે ધીમી કરી અને સામે કિનારે પહોંચી ગયો. ખિસકોલી હાથીની સૂંઢના સહારે ગર્વથી નીચે ઉતરી અને જાણે બહુ મોટું કામ કર્યું હોય તેમ ખુશ થઈને નાચવા લાગી.હાથીએ પૂછ્યું, ‘અરે, ખિસકોલી સામે કાંઠે પહોંચી ગઈ તેમાં આટલી બધી ખુશ થઈને કેમ નાચે છે?’
ખિસકોલી બોલી, ‘આજે મેં બહુ મોટું કામ કર્યું એટલે?’ હાથીએ મજાકમાં કહ્યું, ‘કયું મોટું કામ, મારી પીઠ પર બેસી તે કામ કે પીઠ પર બેસીને સામે કિનારે આવી ગઈ તે કામ ….’ આટલું બોલી હાથી હસવા લાગ્યો.ખિસકોલી બોલી, ‘અરે હાથીભાઈ, અજબ કામ એ કર્યું છે કે તમે અને મેં આપણે બંનેએ મળીને આ જુના પુલને કેવો હચમચાવી નાખ્યો.જુઓ હજી ધ્રૂજે છે.હાથી મૂર્ખ ખિસકોલીના ખોટા અહમ્ પર હસતો કંઈ બોલ્યા વિના આગળ વધી ગયો.પુલ ધ્રૂજ્યો હતો. હાથીના વજનને લીધે અને તેનું અભિમાન ખિસકોલી કરતી હતી.
આ વાર્તામાં આપણે બધાં ખિસકોલીઓ છીએ.આપણાં કામ ઈશ્વરકૃપાથી થાય છે અને જીવનમાં આપણે આગળ વધતાં રહીએ છીએ અને આપણે મારામાં કેટલી આવડત છે…હું હોશિયાર છું …આ કામ તો હું જ કરી શકું તેવા અહમ્ પાળીએ છીએ અને માણસોના ખોટા અહમ્ પર ઈશ્વર હસતો રહે છે.ખોટો અહમ્ છોડી દરેક થતા કામ માટે અભિમાન કરવાની જગ્યાએ દરેક વખતે બે હાથ જોડી ઈશ્વરનો આભાર માનતા રહો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.