Charchapatra

સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાની વિદાય

સાહિત્યની દુનિયાના જાણીતા ગુજરાતી ભાષાના પ્રખર અભ્યાસુ લગભગ દરેક ક્ષેત્રમાં ખેડાણ કરનાર રજનીકુમાર પંડ્યાનું તાજેતરમાં અવસાન થયું. તેઓ એક બહુ સારા વક્તા પણ હતા. ફિલ્મી દુનિયાનું પણ બહોળુ જ્ઞાન ધરાવતા હતા. હિન્દી ફિલ્મો વિશે પણ તેઓની કેટલાંક ગુજરાતી અખબારોમાં રસપ્રદ કોલમ ચાલતી હતી. સુરતની જાણીતી ‘સાહિત્ય સંગમ’ સંસ્થામાં એક વાર એમને સાંભળવાની તક મળી હતી. એમના નામથી હોલ ખીચોખીચ ભરાય ગયો હતો. મુ.શ્રી ભગવતીકુમાર શર્મા અને મુ.શ્રી નાનુ ભાટ્ટનાયક એમની સાથે મંચ પર બેઠા હતા. સાહિત્યની ચર્ચા પર શ્રોતાઓને જકડી રાખ્યા હતા. રજનીકુમાર પંડ્યાની એ સાંજ યાદગાર બની ગઈ હતી. કાર્યક્રમના અંતમાં પ્રશ્નોતરી રાખવામાં આવી હતી. જેમાં મે પણ ભાગ લીધો હતો.

આ લખનારનો પ્રિય વિષય ફિલ્મનો હોવાથી ફિલ્મો વિશે કેટલીક જાણકારી મળી હતી. હિન્દી ફિલ્મની એક જમાનાની બહુ જાણીતી ત્રિપુટી દિલીપકુમાર, રાજકપુર અને દેવઆનંદની એમના કેરિયરની કોઈ એક સૌથી ધી બેસ્ટ ફિલ્મ તમારા મતે કંઈ ગણાય? મારા પ્રશ્નનો એમને ઉત્તર આપ્યો હતો. દિલીપકુમારના ‘મુગલે આઝમ’ રાજકપુરની ‘જાગતે રહો’ અને દેવ આનંદની ‘ગાઈડ’ ફિલ્મના એમને નામ આપી શ્રોતાઓને ખુશ કરી દીધા હતા. ૮૮ વર્ષના પાકટ વયે એમને આ જગતમાંથી વિદાય લીધી. એમની યાદ ભુલાય એમ નથી. એમની આત્માને શાંતિ મળે એવી પ્રભુ પ્રાર્થના.
સુરત     – જગદીશ પાનવાલા.આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top