નવી દિલ્હી: (New Delhi) રમત મંત્રાલય (Sports Ministry) દ્વારા રવિવાર 24 ડિસેમ્બરના રોજ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) પર સસ્પેન્શનને લઈને પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે તેઓણે કુસ્તીમાંથી નિવૃત્તિ (Retirement) લઈ લીધી છે અને તેઓનું સંપૂર્ણ ધ્યાન આગામી લોકસભા ચૂંટણી પર છે. આ વર્ષે જાન્યુઆરીમાં કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ સામે વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ તેમને અધ્યક્ષ પદ પરથી હટી જવું પડ્યું હતું. તેઓએ કહ્યું કે સંજય સિંહ મારા સંબંધી નથી અને મારે હવે કુસ્તી સંઘ સાથે કોઈ નાતો રહ્યો નથી.
બ્રિજ ભૂષણે કહ્યું મેં 12 વર્ષ સુધી કુસ્તી માટે કામ કર્યું. શું સાચું કે ખોટું થયું તેનું મૂલ્યાંકન સમય જ કરશે. એક રીતે મેં કુસ્તીમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. મેં કુસ્તીની રમત સાથે નાતો તોડી નાખ્યો છે. હવે જે પણ નિર્ણય લેવાનો છે, સરકાર સાથે વાત કરવી કે કાનૂની પ્રક્રિયા અપનાવવી તે ફેડરેશનના ચૂંટાયેલા લોકો નક્કી કરશે. મેં કુસ્તીમાંથી નિવૃત્તિ લીધી છે. મારી લોકસભાની ચૂંટણી આવી રહી છે. અને મારી પાસે ચૂંટણીને લઈને ઘણું કામ છે. અત્યારે જે પણ કામ ચાલી રહ્યું છે તેની સાથે મારે કોઈ લેવાદેવા નથી. સરકારની ઈચ્છા અને સુપ્રીમ કોર્ટના આદેશ પર લોકશાહી ઢબે ચૂંટણી યોજાઈ હતી. તમામ સભ્યો ચૂંટાયા છે. હવે તેમણે સરકાર સાથે વાત કરવી છે કે પછી કાયદાકીય સલાહ લેવી છે તે મારું કામ નથી.
સાક્ષીએ સંન્યાસ લીધો તો મૈં પણ..
સરકારના પગલા બાદ બ્રિજભૂષણ શરણે સાક્ષીની નિવૃત્તિ અને સરકારની કાર્યવાહી વિશે કહ્યું કે જ્યારે સાક્ષી નિવૃત્ત થઈ ત્યારે મેં પણ નિવૃત્તિ લીધી. મારી ભૂમિકા પૂરી થઈ ગઈ છે. હું શક્ય તેટલી વહેલી તકે ટુર્નામેન્ટ શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મેં 12 વર્ષ કુસ્તીની સેવા કરી છે. સસ્પેન્શનની બાકીની બાબતમાં નવી કારોબારી સરકાર સાથે વાત કરશે. હવે મારો કોઈ રોલ નથી.
બ્રિજ ભૂષણે કહ્યું કે સંજય સિંહ મારા સંબંધી નથી. અંડર-15 અને 20 વિશે જૂની કમિટીએ ઉતાવળમાં નિર્ણય લેવો પડ્યો. કારણ કે આ સિઝન 31 ડિસેમ્બરે સમાપ્ત થશે. જો તે પછી આ ટુર્નામેન્ટ થશે તો તેઓ એક વર્ષ ગુમાવશે. આ કારણોસર તમામ ફેડરેશનોએ સાથે મળીને નિર્ણય કર્યો કે કોઈક રીતે રમતગમતનું વાતાવરણ શરૂ કરવું જોઈએ.
જણાવી દઈએ કે WFI ની ચૂંટણી 21 ડિસેમ્બરે યોજાઈ હતી જેમાં ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની નજીકના સંજય સિંહ અને તેમની પેનલે મોટા માર્જિનથી જીત મેળવી હતી. આ પછી તરત જ હોબાળો મચી ગયો જ્યારે ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિકે રડતા રડતા નિવૃત્તિની જાહેરાત કરી. બીજા દિવસે સ્ટાર કુસ્તીબાજ બજરંગ પુનિયા જેઓ મુખ્યત્વે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ લાંબા સમયથી વિરોધ પ્રદર્શનમાં સામેલ હતા તેમણે તેમનો પદ્મશ્રી એવોર્ડ પીએમના નિવાસસ્થાનની સામે ફૂટપાથ પર મૂકી દીધો હતો.