નવી દિલ્હી: રેસલર્સ (Wrestlers) અને ડબ્લ્યુએફઆઈના (WFI) ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ વચ્ચેના વિવાદમાં શનિવારે સોનીપતમાં ખાપ પંચાયત યોજાઈ હતી. આ પંચાયતમાં સાક્ષી મલિક અને બજરંગ પુનિયા પહોંચ્યાં હતાં. બંનેએ ખાપ પ્રતિનિધિઓને ગૃહ મંત્રી અમિત શાહ અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથેની બેઠક વિશે જણાવ્યું હતું.
- જો 15 જૂન સુધીમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમે ફરી આંદોલન શરૂ કરીશું: રેસલર્સ
- બજરંગે કહ્યું- સરકાર બ્રિજ ભૂષણની ધરપકડ કરવા તૈયાર નથી
આ દરમિયાન સાક્ષી મલિકે કહ્યું કે, ”અમને સતત ધમકીભર્યા કોલ આવી રહ્યા છે. સમાધાન કરવાનું કહેવામાં આવી રહ્યું છે. સમાધાન નહીં કરશો તો આખી કારકિર્દી ખતમ થઈ જશે. જ્યારે અમે પહેલા દિવસથી જ કહી રહ્યા છીએ કે બ્રિજ ભૂષણને કસ્ટડીમાં લેવામાં આવે. જો તે બહાર રહે છે તો અન્ય લોકો પર દબાણ આવશે. પોક્સો એક્ટથી છોકરી તૂટી ગઈ છે. ધીમે ધીમે વધુ છોકરીઓ તૂટી જશે. જ્યારે આ સમગ્ર મામલો ઉકેલાઈ જશે ત્યારે જ અમે એશિયન ગેમ્સ રમીશું.” સાથે જ બજરંગે કહ્યું કે, સરકાર બ્રિજ ભૂષણની ધરપકડ કરવા તૈયાર નથી. કેન્દ્રએ 15 જૂન સુધીનો સમય આપ્યો છે. જો કોઈ કાર્યવાહી નહીં થાય તો બ્રિજભૂષણની ધરપકડ માટે વધુ એક ધરણાં કરવામાં આવશે. હજી સુધી વિરોધ સ્થળ અંગે નિર્ણય લીધો નથી અને તે જંતર-મંતર અથવા રામ લીલા મેદાન હોઈ શકે છે.
ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકે કહ્યું કે પીડિતોને તોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કુસ્તીબાજ સાક્ષી મલિકે શનિવારે કહ્યું હતું કે, જ્યારે તેઓ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેનું નિરાકરણ આવે તે પછી જ તે અને અન્ય કુસ્તીબાજો એશિયન ગેમ્સમાં ભાગ લેશે. મલિક કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબ્લ્યુએફઆઈ) અને તેના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહની આસપાસના તેમના મુદ્દાઓનો સંકેત આપી રહ્યા હતા.