નવી દિલ્હી : મહિલા પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ)ની પહેલી સિઝનની સફળતાથી ઉત્સાહિત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) (આઇપીએલ) કમિશનર અરૂણ ધૂમલે મંગળવારે કહ્યું હતું કે અમે ડબલ્યુપીએલની (WPL) બીજી સિઝન હોમ અને અવે ફોર્મેટમાં રમાડવાનું આયોજન કરી રહ્યા છીએ. જો કે સાથે જ તેમણે એવી સ્પષ્ટતા કરી દીધી હતી કે આગામી ત્રણ વર્ષ સુધી ટીમની સંખ્યા પાંચ જ રહેશે. પ્રથમ ડબલ્યુપીએલ ઘણી લોકપ્રિય રહી હતી. જો કે વ્યસ્ત કાર્યક્રમને કારણે આ ટૂર્નામેન્ટનું આયોજન મહિલા ટી-20 વર્લ્ડકપ પછી તરત જ થયું હોવાથી તેની તમામ મેચો મુંબઇમાં જ બે સ્થળે રમાડવામાં આવી હતી.
ડબલ્યુપીએલના આયોજનને પોતાના કાર્યકાળનો સૌથી મોટો પડકાર ગણાવતા ધૂમલે કહ્યું હતું કે હોમ અને અવે ગ્રાઉન્ડ પર મેચના ફોર્મેટથી ટીમને ચાહકોમાં પોતાનો બેઝ બનાવવામાં ઘણી મદદ મળશે અને બોર્ડ ઇચ્છે છે કે આવતા વર્ષથી તેને લાગુ કરી દેવામાં આવે. ધૂમલે પીટીઆઇને જણાવ્યું હતું કે સારી શરૂઆતનો સીધો અર્થ એ થાય છે કે અડધુ કામ થઇ ગયું છે. ડબલ્યુપીએલની શરૂઆત સારી રહી અને ભવિષ્યમાં અમે અત્યાર સુધી જે જોયું તેનાથી ઘણું સારું થશે. અમે પાંચ ટીમો સાથે શરૂઆત કરી પણ ખેલાડીઓના પુલને જોતા ભવિષ્યમાં વધારાની ટીમની સંભાવના છે.
તેમણે કહ્યું હતું કે અમને ટીમની સંખ્યામાં વધારાની આશા છે, પણ આગામી ત્રણ સિઝન સુધી પાંચ જ ટીમ રહેશે. અમે ચોક્કસપણે હોમ અને અવે ફોર્મેટ પર કામ કરી રહ્યા છીએ. ભારતની ઇન્ટરનેશનલ પ્રતિબદ્ધતાઓને જોતા અમે જોઇશું કે કયો સમય ઉપલબ્ધ છે અને તે પછી નિર્ણય કરશું.
ગર્બાઇન મુગુરૂઝા ફ્રેન્ચ ઓપન અને વિમ્બલડનમાં આ વર્ષે નહીં રમે
મેડ્રિડ : માજી વર્લ્ડ નંબર વન ટેનિસ ખેલાડી ગર્બાઇન મુગુરૂઝાએ કહ્યું છે કે તે ટેનિસમાંથી લાંબો વિરામ લેશે અને આ દરમિયાન તે ફ્રેન્ચ ઓપન અને વિમ્બલડનમાં નહીં રમે. મુગુરૂઝાએ આ વર્ષે 30 જાન્યુઆરી પછી કોઇ મેચ નથી રમી. તેણે આ વર્ષે જે ચાર મેચ રમી છે તે તમામમાં તેનો પરાજય થયો છે. તેણે સોમવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું હતું કે તે આ સિઝનમાં ક્લે કોર્ટ અને ગ્રાસ કોર્ટની ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લે. તેણે કહ્યું હતું કે હું મિત્રો અને પરિવાર સાથે સમય ગાળી રહી છું.