Entertainment

વો જવાનીથી દિવાની

દિપીકા પાદુકોણ નરેન્દ્ર મોદી સાથેની ‘પરીક્ષા’ પે ચર્ચા’ માં પોતે એક સમયે ખૂબ હતાશ થઈ ગયેલી તેની વાત કરી હતી પણ લાગે છે કે તે ફરી હતાશામાં સરી શકે છે. મા બનવું તો ખૂબ સારું છે પણ મા બનવાના કારણે તેણે લાંબી રજા લેવી પડી છે. આ રજાએ તેની કારકિર્દી ઘણી પાછળ ધકેલી દીધી છે. તેની પાસે અત્યારે ‘ધ ઈન્ટર્ન’ નામની એક જ ફિલ્મ છે અને તેનું શૂટિંગ પણ અટકી ગયેલું છે. દિપીકા જેવી અભિનેત્રી પરદા પર સતત દેખાતી રહેવી જોઈએ પણ એવું બની નથી રહ્યું. તે શું તેનો પતિ રણવીર પણ અત્યારે કારકિર્દીની પછડાટમાંથી બહાર આવવા પ્રયત્ન કરી રહ્યો છે. આવા સંજોગોમાં ડિપ્રેશન ન આવે તો જ નવાઈ! દિપીકાએ ઝડપભેર તેની સ્થિતિ સુધારવી જરૂરી છે. ‘યે જવાની હે દીવાની’, ‘હેપી ન્યુ યર’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’માં તે બધાની નજરમાં વસી ગયેલી. ‘ગોલીયોં કી રાસલીલા રામ-લીલા’ અને ‘પિકુ’ એ તેના સ્થાનને શિખરની ગતિ આપી હતી પરંતુ તે પોતાને હજુ ઉપરના શિખર તરફ દોરવી નથી શકતી. ‘પઠાણ’ અને ‘કલ્કી 2898 એડી’ ફિલ્મે દિપીકાની ઈમેજમાં ઈજાફો નથી કર્યો. તેણે 2019માં લગ્ન કરેલા એટલે છ વર્ષે મા બને તે તો વાજિબ ગણાય પરંતુ શું છે કે તેણે લાંબી રજા લેવી પડી અને ત્યારે તેની પાસે વધારે ફિલ્મો હતી પણ નહીં. દિપીકા અત્યારે ટ્રાન્ઝેકશન ટાઈમ અનુભવી રહી છે. તે જે જે સ્ટાર્સ સાથે કામ કરતી હતી તે બધા હમણાં દોઢ-બે વર્ષે એકાદ ફિલ્મમાં કામ કરવા માંડ્યા છે અને તે બધા દિપીકાના જ આગ્રહ હોય એવું નથી. દિપીકાએ કોઈ સ્ટાર્સ સાથે લોકપ્રિય જોડી નથી બનાવી અને રણવીર સિંઘ સાથે બનાવેલી તેની સાથે જોડીમાં આગળ વધાય એમ નથી કારણ કે રણવીર પોતે જ નિષ્ફળતા સામે ઝઝૂમી રહ્યો છે.
દિપીકા અત્યારે 39 વર્ષની થઈ છે એટલે યૌવનનું નૂર તો ઘટી જ ગયું છે એવામાં કયા નવા સ્ટાર સાથે તેની જોડી બને? ‘ઓમ શાંતિ ઓમ’ 2007ની ફિલ્મ છેને તેમાં તે ફ્રેશ લાગતી હતી. ‘બચના એ હસીનો’માં તો તે રણબીર કપૂર સાથે હતી જેના તે પ્રેમમાં હતી. પ્રેમમાં તો સૌંદર્ય ખીલી જ ઉઠતું હોય છે પણ અત્યારે તેના જીવનમાં આવા ઈમોશનલ ધક્કા નથી અને મોટા બેનરોએ મોઢુ ફેરવી લીધું છે. સંજય લીલા ભણશાલીએ તેને ‘લવ એન્ડ વૉર’માં સાવ નાકડી ભૂમિકા આપી છે. (રણબીર કપૂરની ફિલ્મમાં દિપીકા હવે હીરોઈન તો ન જ હોય ને!) દિપીકાએ પ્રિયંકા ચોપરાની જેમ હોલીવુડ માટે પણ પ્રયત્ન કર્યા અને એક એકશન ફિલ્મમાં કામ કર્યું પરંતુ ત્યાં તેની ડિમાન્ડ નથી. હવે આ સંજોગોમાં તેને ડિપ્રેશન ન આવે તો બીજું શુ આવે? દિપીકા ‘છપાક’ અને ‘83’ની નિર્માગી હતી પણ હવે તે નિર્માત્રી પણ નથી રહી. દિપીકાની કારકિર્દી પૂરી થવા આવી છે એવુ સમજવું? કેટરીના વગર કહ્યે લગભગ નિવૃત્તિનું જીવન વિતાવવા માંડી છે તેમ દિપીકાએ દિકરી દુવાને રમાડતી રમાડતી પતિ રણવીરની રાહ જોતી ગૃહિણી બની જશે? •

Most Popular

To Top