Business

તમે તમારા બાળકને માથું ટેકવીને રડતો જોવા માંગો છો કે સામે કાંઠે પુરુષાર્થ કરતો?

કમાલની સમસ્યા છે. જેમને હિંદુરાષ્ટ્ર જોઈએ છે એ મેધાવી અને મૌલિક હિંદુ પેદા કરી શકતા નથી અને જે મેધાવી અને મૌલિક હિંદુ છે તેને હિંદુ રાષ્ટ્ર જોઈતું નથી. આવી વિડંબના માત્ર હિંદુ રાષ્ટ્રવાદીઓ સામે જ છે એવું નથી, તમામ પ્રકારના ધાર્મિક રાષ્ટ્રવાદીઓ સામે છે. એટલે તો જગતમાં એવો એકેય દેશ જોવા નહીં મળે જ્યાં ધાર્મિક બહુમતી રાષ્ટ્રવાદી શાસનનું મોડેલ સફળ થયું હોય. ઈસાઈ, ઇસ્લામ, બૌદ્ધ કે બીજા કોઈ પણ ધર્મ આધારિત રાષ્ટ્રવાદમાં માનનારો દેશ આગળ નીકળીને ખાટી ગયો હોય અને આપણે રહી ગયા હોઈએ એવો એક દાખલો બતાવો.

(ઇઝરાયેલનો દાખલો આપવાનો કોઈ અર્થ નથી. ઇઝરાયેલ મુંબઈ શહેર કરતાં પણ નાના ખોબા જેવડો દેશ છે અને તેને અમેરિકા અને વિદેશોમાં વસતા યહુદીઓનો ટેકો છે. એ લોકો જ ઇઝરાયેલને ટકાવી રહ્યાં છે એમ કહીએ તો પણ ખોટું ન કહેવાય.) એ શક્ય જ નથી. જે શાસકો પ્રજાને ભૂત અને ભવિષ્યમાં જીવાડતા હોય અને વર્તમાનથી દૂર ભાગતા હોય અને પ્રજાને દૂર ભગાડતા હોય ત્યાં પુરુષાર્થ શક્ય નથી અને સુખ અને સમૃદ્ધિ માટે પુરુષાર્થ જરૂરી છે અને પુરુષાર્થનો સીધો સંબંધ વર્તમાન સાથે છે. જે શાસકો પ્રજાને રડાવતા હોય, ડરાવતા હોય અને વર્તમાનને ચાતરીને ભવિષ્યનાં મનોહર સપનાં બતાવતા હોય ત્યાં સુખ અને સમૃદ્ધિ શક્ય નથી.

ભારતને આઝાદી મળી એ પછી કોંગ્રેસના કેટલાક ટોચના નેતાઓ વેરાવળમાં સોમનાથનું મંદિર બાંધવાના કામે લાગ્યા હતા. સરદાર વલ્લભભાઇ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, કનૈયાલાલ મુન્શી અને બીજા દિગ્ગજ નેતાઓએ સોમનાથના મંદિરને બાંધવાના કામને પ્રાથમિકતા આપી હતી. તેઓ હિંદુઓના ઘવાયેલા ગર્વને પુન: સ્થાપિત કરવા માગતા હતા. એ સમયે આપણા જાણીતા કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીએ જેરુસલેમની વેઈલીંગ વૉલ સાથે સોમાનાથની સરખામણી કરતો એક લેખ લખ્યો હતો. તેમાં તેમણે જવાહરલાલ નેહરુને પણ ટાંક્યા છે.

એમાં તેમણે લખ્યું હતું કે સૌકાઓથી યહુદીઓ જેરુસલેમમાંના તોડી નાંખવામા આવેલા યહુદી મંદિરના અવશેષરૂપ બચેલી પશ્ચિમ દિશાની દીવાલનો ઉપયોગ રોવા અને છાતી પીટવા માટે કરી રહ્યા છે. આમ તો એ દીવાલનું મૂળ નામ વેસ્ટર્ન વૉલ છે પણ સદીઓથી યહુદીઓ તેનો ઉપયોગ જખમ યાદ કરીને રડવા માટે કરતા હોવાથી તેનું નામ વેઈલીંગ વૉલ પડી ગયું છે. અક્ષરસઃ યહુદીઓ જેરુસલેમ જઇને એ દીવાલ ઉપર હાથ ફેરવીને ધ્રુસકે ધ્રુસકે રડે છે. વેઈલીંગનો અર્થ થાય છે, રુદન કે રોકકળ.ઈશુની ક્રોસ ઉપર ખીલ્લા ઠોકેલી લોહી નિંગળતી તસ્વીર તમે જોઈ હશે. શિયા મુસલમાનોને મોહરમમાં કરબલાની શહાદતને યાદ કરીને જાહેરમાં રડતા અને છાતી પીટતા જોયા હશે.

જ્યારે તમને રડાવવામાં આવે છે ત્યારે રડવાનું કારણ આપવામાં આવે છે અને એ કારણનો રાજકીય ખપ હોય છે. સદીઓથી યહુદીઓની અને શિયા મુસલમાનોની એક પેઢી બીજી પેઢીને રડવાનું કારણ આપીને જાય છે. જુઓ આપણી સાથે દુશ્મનોએ શું કર્યું હતું! એ પછી એ દુશ્મન કે દુશ્મનોનું ચિત્ર તૈયાર કરવામાં આવે છે, એમાં પેઢી-દરપેઢી દુષ્ટતાનાં આવરણો ચડાવવામાં આવે છે, રડવા માટેનાં કારણોની દાસ્તાનો વધારેને વધારે હૃદયસ્પર્શી બનાવવામાં આવે છે વગેરે. એ પછી? તમે જાણો છો કે જ્યાં દ્વેષ હોય ત્યાં વેર હોય અને વેરવૃત્તિનો રાજકીય ખપ હોય છે.

કૃષ્ણલાલ શ્રીધરાણીએ નેહરુને ટાંકીને લખ્યું છે કે ઈતિહાસને માત્ર ભૂલીને ભૂંસી શકાય છે. સોમનાથનું નવું મંદિર પરાજીત હિંદુઓના ઘવાયેલા ઈતિહાસની યાદ ભૂલાવવાનું નથી, પણ કાયમ રાખવાનું છે. તો પછી પ્રતિષ્ઠાની પુન:સ્થાપના ક્યાં થઈ? એનાથી ઉલટું જો વર્તમાનમાં પુરુષાર્થ કરીએ, પ્રજાની અંદર આત્મવિશ્વાસનું આરોપણ કરીને તેને પુરુષાર્થી બનાવીએ તો તેઓ આધુનિક યુગનાં એવાં મંદિરોનું નિર્માણ કરી શકશે કે દુનિયા જોતી રહે. માત્ર વર્તમાન જ ભવિષ્ય રચે છે જે આગળ જતાં પ્રજા ગર્વ લઈ શકે એવો ભવ્ય ભૂતકાળ કે ઈતિહાસ બનવાનો છે.અતીતમાં પરાજીત થયા તો પરાજીત થવા માટેનાં કારણો હતાં અને વર્તમાનમાં વિજયી થઈને ભવિષ્ય બનાવવું હોય તો વિજય માટેનાં કારણો શોધવા અને અપનાવવાં જોઈએ.

તો વાતનો સાર એ છે કે સફળ લોકો સમયનું મુલ્ય જાણે છે. તેઓ ભૂતકાળના જખમોને યાદ કરતા રહીને રડીને સમય વેડફતા નથી કે નથી સપનાંઓ જોતાં રહીને ભવિષ્યમાં, તેઓ પુરુષાર્થ કરીને વર્તમાનમાં સમયનું રોકાણ કરે છે. માટે હજારોની સંખ્યામાં એવા ઐશ્વર્યવાન હિંદુઓ મળી આવશે જેઓ પોતાને હિન્દુત્વવાદી તો કહેતા નથી, પણ હિંદુ કોમી રાષ્ટ્રનો વિરોધ કરે છે. તેઓ સમયનું અને જીંદગીનું મુલ્ય જાણે છે. બીજી બાજુએ હિન્દુત્વવાદીઓ તેના સો વરસના ઇતિહાસમાં એવા દસ હિંદુ આપી શક્યા નથી જેનાં જીવન અને કવનને જોઇને આપણે નતમસ્તક થઈ જઈએ. હા, રાજકારણમાં સફળ થઈ શકાય. અલગ અલગ પ્રકારની વેઈલીંગ વૉલ્સ ઉપલબ્ધ છે જે પ્રજાની અંદર દીવાલો રચી આપે છે, જેનો રાજકીય ખપ છે. રાજકીય અને ધાર્મિક સત્તા સિવાય વેઈલીંગ વૉલ્સનો કોઈ ખપ નથી. નાઉ, ધ ચોઈસ ઈઝ યોરર્સ. તમે તમારા બાળકને આ કાંઠે વેઈલીંગ વોલ પર માથું ટેકવીને રડતો જોવા માંગો છો કે સામે કાઠે પુરુષાર્થ કરતો?

Most Popular

To Top