આજથી લગભગ ચાર દાયકા પહેલાંની સાતમની ઉજવણીની વાતમાં મન પહોંચી ગયું. રાંધણ છઠના દિવસે મારી મા રસોઇ બની ગયા પછી સગડી ઠારતા હતા. મતલબ કે સગડીને ઠંડા પાણીથી ઠારતા હતા. સગડી ઠંડા પાણીથી ઠારી લાલ ઘેરું લગાડે. આ સગડી નવી થઇ જતી. તેને કંકુ ચોખાના ચાંદલા કરે. બધા સગડીની પૂજા કરી પગે લાગતા. આવું કાયમ ચાલતું. હવે તો સગડી પણ નથી, પણ મા ગેસના ચુલે કરો એમ કરાવતા!
આ પ્રક્રિયા કે વિધિમાં આજે એવું સમજાયું કે અહીં પર્વ સાથે પ્રકૃતિનું સ્મરણ અને પર્યાવરણના સંવર્ધન ને સંરક્ષણની ભાવના રહેલી છે. આ કોઇ અંધશ્રદ્ધા નથી પણ પ્રકૃતિ અને પર્યાવરણની પૂજાનો ભાવ છે. નાગ પાંચમના દિવસે લોટનો નાગ અને નોળિયા નોમના દિવસે લોટના નોળિયાની પૂજા પ્રાણીઓ અને પ્રકૃતિના રક્ષણનો ભાવ છે. ટોપલીમાં જવારા ઉગાડવા અને કાજલી ત્રીજના દિવસે જવારાની પૂજા કરવી એ પણ પ્રકૃતિ તત્ત્વોની પૂજા છે. સુરત -કિરીટ મેઘાવાલા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.