આજે એપ્રિલથી માર્ચ સુધી હિસાબનીશ વર્ષ ગણાય છે. પહેલા ગુજરાતમાં દિવાળી થી દિવાળી વિક્રમ સંવત વરસના કારતક થી આસો હિસાબનીશ વર્ષ ગણાતું હતું. કોમ્પ્યુટર પહેલા વેપારીઓ ચોપડા માં હિસાબ રાખતા હતા.હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારમાં ચોપડાપૂજન નું મહત્વ હતું. દિવાળી પહેલા ધનતેરસ ના દિવસે શુભ મુહૂર્તમાં ચોપડા લાવતા. રોજમેળ,ખાતાવહી,લેજરબૂક,ખરીદ વેચાણ રજીસ્ટર વિ. જેવા ચોપડાઓ અગાઉથી સ્ટેશરીવાળા ને નોંધાવા પડતા હતા. ધનતેરસના દિવસે શુભમુહૂર્ત માં ચોપડા ઘરે લાવવામાં આવતા ત્યાંરે ઘરના છોકરાઓ શેરીમાં ફટાકડા ફોડતા.સુરતમાં પેઢીઓ નો વહીવટ ઘરેથી થતો હતો ઘરમાં જ ગાદી તકીયાવાળી ઓફીસ હોય. દિવાળીના દિવસે સાંજે શુભમુહુર્ત માં ચોપડા પૂજન કરવામાં આવતું જેમાં કુટુંબમાં બધા લોકો ભેગા થતા.દીકરી જમાઈ અને ભાણેજોની ખાસ હાજરી હોય.
ચોપડામાં પહેલા પાના ઉપર કલમથી શ્રી ગણેશાય નમઃ વિ.દેવી દેવતાઓ ના નામ લખવામાં આવતા.ચોપડા પર વિવિધ પૂજાની સામગ્રી મૂકી પૂજન કરવામાં આવતું.આરતી થાય અને પૂજન સંપન્ન થયા બાદ છોકરાઓ શેરીમાં ફટાકડા ફોડતા જેમાં લાંબી ફટાકડાની લૂમ ખાસ ફોડવામાં આવતી.જેટલી સધ્ધર પેઢી હોય એટલી લાંબી ફટાકડાની લૂમ ફોડવામાં આવતી. ચોપડાપૂજન ના સમયે સુરતની શેરીઓ ફટાકડાથી ગુંજી ઉઠતી.રાત્રે પરિવારના સભ્યો સાથે ભોજન કરી દિવાળીની રંગેચંગે ઉજવણી કરતા.આજે ચોપડાનું સ્થાન કોમ્યુટરે લીધું છે પરિણામે ચોપડાપૂજન નું મહત્વ ઘટ્યું છે.છતાં અમુક પેઢીઓમાં આજે પણ દિવાળીમાં ચોપડા પૂજનની પરંપરા યથાવત છે.
સલાબતપુરા, સુરત – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.