ચિંતા અને ચિંતનમાં ઘણો તફાવત છે. ચિંતા એટલે સામાજીક, આર્થિક, રાજકીય, ધાર્મિક, સાહિત્યિક બાબતો વિશે ચિંતા કરવી. જ્યારે ચિંતન એટલે કોઇપણ બાબતો, વિષય વસ્તુ વિશે ઘટિત ઘટના બની હોય તો તેના વિશે ભવિષ્યમા શું રણનીતિ ઘડવી તે. ગુજરાત મિત્ર દૈનિક ની તારીખ 9-11-2025ની રવિવારીય પૂર્તિમાં કેશુભાઈ દેસાઈ લિખિત કોલમ મન કા સિતારામાં સોનાની થાળીમાં લોઢાની મેખ, માણસ માણસ વચ્ચેનો ભેદભાવ અને “રમેશ ઓઝા લિખિત- નો નોન્સેન્સ કોલમમાં કમાલની સમાનતા 19મી સદીમાં અને 21મી સદીમાં” ઉકત બન્ને લેખો ભારતીય તરીકે દરેક માનવીને ચિંતન કરે તેવાં છે. આમ તો રાજકીય, સામાજીક વગેરે બાબતો વિષ ચિંતન શિબિરોનું આયોજન કરીએ છીએ તો ઉકત લેખોમાં જે હકીકત જણાવી છે તેના વિશે ચિંતન કરવાની જરૂર હોય એવું નથી લાગતું?
સુરત – ચંદ્રકાંત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ડિજિટલ યુગનાં લગ્નો
મોબાઈલ અને કોમ્પ્યુટર જ્યારે અસ્તિત્વમાં ન હતા તે જમાનામાં ઘરમાં લગ્ન પ્રસંગ હોય, કે કોઈ પણ શુભ પ્રસંગ હોય તેની આમંત્રણ પત્રિકા મહેમાનોના ઘરે રૂબરૂ જઈને હાથોહાથ અપાતી, સાથે યથાશક્તિ ભેટ સોગાત અપાતી, અને મહેમાન પણ શ્રીફળ કે સોપારી આપી શુકન કરાવી તેનો સ્વીકાર કરતા. સાથે મહેમાનોને આગ્રહ પૂર્વક આવવા માટેની શાબ્દિક વિનંતી તો ખરી જ. જે હૃદય સ્પર્શી આગ્રહને વશ થઈ ને પણ મહેમાનોને આવવાની ફરજ બનતી. હવે એનાથી વિપરીત જમાનો આવ્યો છે.
કંકોત્રી સીધી જ ડિજિટલ માધ્યમથી તૈયાર કરી મહેમાનોને વોટ્સએપ દ્વારા મોકલી દેવામાં આવે છે જેમાં લખાણ પણ ટુંકુ ને ટચ. ઉપરથી પૂછવામાં આવે કે ‘તમે કેટલા સભ્યો હાજર રહેશો?’ હા ! આમાં ફાયદો એ છે કે નાણાં અને સમયની ઘણી બચત થાય છે. પણ એકબીજાને રૂબરૂ મળવાનું, લાગણીઓ વ્યક્ત કરવાનું, પેલો આગ્રહ, ભાવભરી ભેટ સોગાત, વિગેરેની ગેરહાજરી વર્તાય છે. જાણે આપણે પરંપરાગત રિવાજોને થપ્પડ મારતા હોય એવુ લાગે.
સુરત – રેખા એમ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.