છેલ્લા કેટલાક દિવસોથી શૈક્ષણિક સંકુલમાં બની રહેલા હિંસક બનાવો સમાજ માટે ચિંતાપ્રેરક છે. પ્રશ્ન એ છે કે શા માટે અવરનવર આ પ્રકારની હિંસક ઘટનાઓ એજ્યુકેશનલ પરિસરમાં બની રહી છે? શું મોબાઈલના વધારે પડતા ઉપયોગનું પરિણામ તો નથી ને? આચાર્ય કે અધ્યાપકો પણ લાચાર બનીને આવા દુ:ખદ બનાવો સામે કંઈ કરી શકતા નથી. તાજેતરમાં અમદાવાદની સેવનથ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતારી દીધો એ અતિ શરમજનક અને ખૂબ જ દુઃખદ બનાવથી વાલીઓ, શિક્ષકો અને સમાજના જાગૃત નાગરિકોને વિચારતા કરી મૂક્યા છે. વિદ્યાર્થી દ્વારા પોતાના જ ગુરુ કે શિક્ષકને ગોળી મારી દેવાનો બનાવ ઉતરાખંડમાં બની ગયો. પહેલા વિદ્યાર્થી શિક્ષકથી ગભરાતો હતો. હવે શિક્ષક અને આચાર્ય એ વિદ્યાર્થી થકી ડરતો થયો છે.
શિક્ષણના પવિત્ર વ્યવસાયમાં આ પ્રકારની ઘટનાઓ અવરનવર બનતી રહેશે એવું તો કોઈએ ક્યારેય વિચાર્યું પણ ન હતું. રાષ્ટ્ર માટે સાવધાન થઈ જવાની ઘંટડી વાગી ચૂકી છે. પ્રશ્ન એ છે કે જો બાળકો કિશોર અવસ્થાથી જ આટલા હિંસક બની જાય છે તો પછી મોટા થઈને શું કરશે? જો આપણે સમયસર જાગી જઈશું નહીં તો આવનારા સમયમાં ગંભીર પરિણામો ભોગવવાની તૈયાર રાખવી પડશે. અખબારમાં કેટલીક હિંસક ઘટનાઓ પ્રકાશિત થતી નથી કારણ કે જે તે શાળાના સંચાલકો પોતાની શાળાની ઈમેજ સાચવવા માટે આવા બનાવો દબાવી દેવામાં આવે છે.
નવસારી – ડૉ. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.