નવી દિલ્હી : વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં (World Wrestling Championship) ટોચના છ નહીં, પરંતુ તમામ 18 વેઇટ કેટેગરીમાં ટોચના પાંચ રેસલર જ પેરિસ ઓલિમ્પિક્સ 2024 માટે ક્વોટા મેળવવા માટે ક્વોલિફાય (Qualify) થશે. આમ, 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી 18 ક્વોટા સ્થાનો દૂર કરવામાં આવ્યા છે અને વર્લ્ડ ક્વોલિફાયર્સમાં ઉમેરવામાં આવ્યા છે, જે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવાની છેલ્લી તક હશે. યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (યુડબલ્યુડબલ્યુ)ના પ્રમુખ નેનાદ લાલોવિચે રેસલિંગની વૈશ્વિક ગવર્નીંગ બોડીની સત્તાવાર વેબસાઈટ પર કહ્યું હતું કે આ ફેરફાર વર્લ્ડ ચેમ્પિયનશિપ અને વર્લ્ડ ક્વોલિફાયર વચ્ચે ક્વોટા સ્થાનોની વહેંચણીમાં ન્યાયીતા સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યો હતો.
- વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી પેરિસ ઓલિમ્પિક્સ માટેના 18 ક્વોટાને દૂર કરીને વર્લ્ડ ક્વોલિફાયર્સમાં ઉમેરવામાં આવ્યાં
- વર્લ્ડ ચેમ્પિયનશિપ અને વર્લ્ડ ક્વોલિફાયર્સ વચ્ચે ક્વોટાની ન્યાયી વહેંચણીના ઉદ્દેશથી ફેરફાર કરાયો : યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ
રશિયામાં આવતા વર્ષે 16 થી 24 સપ્ટેમ્બર દરમિયાન વર્લ્ડ ચેમ્પિયનશિપ રમાશે. વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ 2023 ઉપરાંત, 2024માં યોજાનારી એશિયા, આફ્રિકા, પાન-અમેરિકા, યુરોપિયન કોન્ટિનેન્ટલ ક્વોલિફાયર અને 2024 વર્લ્ડ ઓલિમ્પિક્સ ક્વોલિફાયર પણ ગેમ્સ માટે ક્વોટા ઓફર કરશે. અગાઉ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં દરેક વેઇટ કેટેગરીના 6 સ્થાન સાથે કુલ 108 ક્વોટા સ્થાનો અપાતા હતા પરંતુ હવે તેમની સંખ્યા ઘટીને 90 થઈ ગઈ છે. ભારત તરફથી બજરંગ પુનિયા (65 કિગ્રા), રવિ દહિયા (57 કિગ્રા), દીપક પૂનિયા (86 કિગ્રા) અને વિનેશ ફોગાટ (53 કિગ્રા) નૂર સુલ્તાનમાં 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી ટોક્યો ગેમ્સ માટે ક્વોલિફાય થયા હતા, જ્યારે અંશુ મલિક (57 કિગ્રા) અને સોનમ મલિક (62 કિગ્રા)એ અલ્માટી, કઝાકિસ્તાનમાં એશિયન ચેમ્પિયનશિપ દ્વારા ક્વોલિફાય કર્યું હતું.