સાઉદી અરેબિયાના કડક કાયદાઓ અને માનવાધિકારોના ઉલ્લંઘનની છબીથી દરેક વ્યક્તિ વાકેફ હશે. ચોરી કરનારની આંગળીઓ કાપી લેવીથી લઈને આવી આકરી સજાની ઘણી વાતો આપણે સાંભળતા આવ્યા છીએ. સાઉદી અરેબિયા પોતે પણ છેલ્લા કેટલાક સમયથી આ છબિ બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે સાઉદી અરેબિયામાં 24 કલાકની અંદર 81 લોકોને મોતની સજા આપવામાં આવી હતી. ગુનેગારોની પર હત્યા, આતંકવાદ સહિતના અલગ-અલગ કેસ ચલાવવામાં આવ્યા હતા. સાઉદી પ્રેસ એજન્સીના અહેવાલ મુજબ જે 81 લોકોને ફાંસી આપવામાં આવી છે તેમાં સાત યમન અને એક સીરિયન નાગરિકનો પણ સમાવેશ થાય છે. એજન્સીના અહેવાલમાં જણાવાયું છે કે, તેઓ વિવિધ ગુનાઓ માટે દોષિત હતા. તેમાં નિર્દોષ પુરુષો, સ્ત્રીઓ અને બાળકોની હત્યા, ISIS, અલ-કાયદા અને હુથી જેવા વિદેશી આતંકવાદી સંગઠનો પ્રત્યે વફાદારી, ગેરમાર્ગે દોરનારી વિચારસરણી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.
એજન્સીના જણાવ્યા અનુસાર, કેટલાંક લોકો આતંકવાદી સંગઠનમાં જોડાવા માટે ગયાં હતાં. સુરક્ષા અધિકારીઓ પર ઘાતક હુમલા કરવા, પોલીસ સ્ટેશનો અને કાફલાને નિશાન બનાવવા માટે લગભગ 37 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ન્યાયિક પ્રક્રિયા દરમિયાન સાઉદી કાયદા હેઠળ આ આરોપીઓના તમામ અધિકારો સુરક્ષિત હતા. તેમને વકીલ પસંદ કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો હતો. શાસન આતંકવાદી અને ઉગ્રવાદી વિચારધારાઓ સામે મજબૂત પગલાં લેવાનું ચાલુ રાખશે જે સમગ્ર વિશ્વને જોખમમાં મૂકે છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, સરકારે મૃત્યુદંડની સજા કેવી રીતે આપવામાં આવી તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. એવું માનવામાં આવે છે કે એક સાથે આટલાં લોકોને ફાંસીની સજા આપવાનો આ અત્યાર સુધીનો સૌથી મોટો મામલો છે.
સાઉદી અરેબિયામાં 2021માં 67 અને 2020માં 27 લોકોને મોતની સજા ફટકારવામાં આવી હતી. જો કે, છેલ્લી વખત ‘સામૂહિક ફાંસી’ જાન્યુઆરી 2016માં થઈ હતી. જે દરમિયાન એક સાથે 47 લોકોને સજા કરવામાં આવી હતી, જેમાં એક અસરકારક શિયા નેતાનો પણ સમાવેશ થતો હતો. બીજી તરફ સાઉદી અરેબિયાએ જે દાવાઓ કર્યા છે તેના પર સવાલ ઊઠી રહ્યા છે! સાઉદી અરેબિયામાં માનવ અધિકારોનું રક્ષણ કરતાં અધિકાર જૂથો અને પશ્ચિમી દેશોના દાવાઓ પર સવાલ ઊઠ્યા છે. ખાસ કરીને 2018માં ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના પત્રકાર જમાલ ખાશોગીની હત્યા બાદ આ પ્રશ્નો વધુ ઘેરા બની રહ્યા છે. આ સાથે રાજકારણ અને ધાર્મિક અભિવ્યક્તિને દબાવવા માટેના કાયદાઓની પણ ઘણી નિંદા કરવામાં આવી રહી છે. બીજી તરફ સાઉદી અરેબિયા હંમેશાં આવા આરોપોને નકારતું આવ્યું છે. સાઉદીનું કહેવું છે કે તે રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા કાયદા હેઠળ પગલાં લે છે.
અધિકાર સંરક્ષણ જૂથોએ આ વખતે પણ ‘સામૂહિક ફાંસી’ની નિંદા કરી છે. આ જૂથોએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના દાવાઓ પર સવાલ ઉઠાવ્યા છે કે દેશ તેની ન્યાયિક પ્રણાલીમાં સુધારો કરી રહ્યો છે અને મૃત્યુદંડને મર્યાદિત કરી રહ્યો છે, એવો ન્યૂયોર્ક ટાઇમ્સે અહેવાલ આપ્યો છે. અધિકાર જૂથોએ કહ્યું કે મૃત્યુદંડ ‘ન્યાય’ ની વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે મૃત્યુદંડની સજા મેળવનારાઓમાંથી ઘણા એવા કેસ નોંધાયેલા છે, જેમાં લોહીનું એક ટીપું પણ વહ્યું નથી. એવું જોવામાં આવે છે કે ક્રાઉન પ્રિન્સ છેલ્લા કેટલાક સમયથી સાઉદી અરેબિયાની છબિ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમનાં નિવેદનોમાં તેઓ સ્ત્રી અને પુરુષના સમાન અધિકારો, કાયદાના યોગ્ય ઉપયોગ અને પ્રગતિશીલ વિચારધારા વિશે વાત કરે છે, જેથી દેશને વેપાર અને પર્યટનનો વધુ લાભ મળી શકે. આવી સ્થિતિમાં એકસાથે આટલાં લોકોને ફાંસીની સજા જેવા સમાચાર મળવા તે દાવાઓની વિરુદ્ધ લાગે છે.