ગાંધીનગર: ‘વિશ્વ સ્વાસ્થ્ય દિવસ’ (World Health Day) ૭ મી એપ્રિલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ સમીક્ષા બેઠકમાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઇને રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગેનો ચિતાર રજૂ કર્યો હતો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આરોગ્ય ક્ષેત્ર એ આર્થિક ઉપાર્જન નહીં, પરંતુ સેવાનું માધ્યમ હોવાનું જણાવીને વિશ્વ આરોગ્ય દિવસે દેશના તમામ હેલ્થકેર વર્કસને શુભેચ્છાઓ પાઠવી હતી. આ બેઠકમાં વિશ્વમાં કોરોનાના XBB 1.16 સહિતના વિવિધ સબ વેરિયન્ટની અસરોને પગલે વિસ્તૃત ચર્ચા હાથ ધરીને ભારતમાં તેની અસરો પર રીવ્યુ કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક તારણમાં જાણવાં મળ્યું કે, XBB 1.16 સ્વરૂપની ઘાતકતા દેશમાં ઓછી છે. આ વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓમાં હોસ્પિટલમાં દાખલ થવાનો દર અને મૃત્યુ દર નહિવત છે. કોમોર્બિડ, સિનિયર સિટીઝન અને કિડની, કેન્સર જેવી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ બીમારી ધરાવતાં દર્દીઓએ જરૂરથી આ સંક્રમણથી તકેદારી અને સાવચેતી રાખવાની જરુર છે.
રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં પ્રતિદિન 20 થી 22 હજાર જેટલા કોરોના ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે. તેમજ કોરોના સંક્રમિત દર્દીઓના જીનોમ સિક્વન્સીંગ પણ કરાઇ રહ્યા છે. વહેલા નિદાન અને સમયસર સારવારને કારણે હોસ્પિટલાઈઝેશન દર ૩ ટકા કરતાં પણ ઓછો હોવાનું ઉમેર્યુ હતું.
રાજ્યની તમામ સરકારી ખાનગી હોસ્પિટલોમાં ૧૦ અને ૧૧ એપ્રિલે મોક ડ્રીલ યોજાશે. જેમાં હોસ્પિટલ્સમાં ઓક્સિજન, વેન્ટિલેટર, દવાના જથ્થા સહિતની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવશે. રાજ્યભરમાં ટેસ્ટ -ટ્રેક- ટ્રીટમેન્ટના આધારે કોવિડના કેસો કે શંકાસ્પદ લક્ષણો ધરાવતાં વ્યક્તિઓને વહેલા નિદાન અને સમયસર સારવારની વ્યવસ્થા આરોગ્ય વિભાગે ગોઠવી છે. આયુર્વેદિક વિભાગ દ્વારા પણ ઉકાળા વિતરણ અને હોમિયોપેથી દવાનું વિતરણ રાજ્યમાં કરવામાં આવે છે.