Sports

ક્રિકેટ વિશ્વકપની ટ્રોફીનું પૃથ્વીથી 1,20,000 ફૂટની ઊંચાઈએ અંતરિક્ષમાં લોન્ચિંગ!

મુંબઈ: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ વર્ષે ભારતમાં (India) યોજાનાર ODI વર્લ્ડ કપ (World Cup2023)ની ટ્રોફીનું (Trophy) અનાવરણ ખૂબ જ અનોખી રીતે કર્યું છે. વર્લ્ડ કપની ટ્રોફી અવકાશમાં લોન્ચ કરવામાં આવી છે. તેનું પૃથ્વીથી 1,20,000 ફૂટ એટલે કે આશરે 36 કિમીની ઉંચાઈ પર આવેલા સ્પેસ સ્ટ્રેટોસ્ફિયરમાં અનાવરણ કરવામાં આવ્યું હતું.

તે ઊંચાઈ પર તાપમાન માઈનસ 65 ડિગ્રી હતું. ICC એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે અમેરિકાની ખાનગી સ્પેસ એજન્સી ‘સેન્ટ ઇનટુ સ્પેસ’ની મદદથી ટ્રોફીને બલૂનમાં અવકાશમાં મોકલી હતી. ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.

ક્રિકેટ વિશ્વ માટે આ એક અનોખી ક્ષણ
જો કે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આ ટ્રોફીનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. BCCI સેક્રેટરી જય શાહે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. BCCI સેક્રેટરી જય શાહે ટ્વીટ કર્યું કે ભારતીય ક્રિકેટ વિશ્વ માટે આ એક અનોખી ક્ષણ છે જ્યારે ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ટ્રોફીનું અવકાશમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. તે અવકાશમાં મોકલવામાં આવેલી સ્પોર્ટ્સ ટ્રોફીમાંની એક છે અને તે એક નવું સીમાચિહ્નરૂપ છે.

18 દેશોમાં પ્રવાસ કરશે આ ટ્રોફી
આ ટ્રોફીનો વિશ્વ કપ પ્રવાસ 27 જૂનથી શરૂ થયું છે. જે કુવૈત, બહેરીન, મલેશિયા, યુએસએ, નાઇજીરીયા, યુગાન્ડા, ફ્રાન્સ, ઇટાલી અને યજમાન ભારત સહિત વિશ્વના 18 દેશોમાં જશે. લાખો ક્રિકેટ ચાહકો આ પ્રવાસ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી ચમકતી ટ્રોફીને નિહાળી શકશે. ICCના ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસે કહ્યું કે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી ટૂર એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ક્રિકેટના એક અબજથી વધુ ચાહકો છે. અમે ઈચ્છીએ છીએ કે શક્ય તેટલા વધુ લોકો આ ટ્રોફીને નજીકથી જોઇ શકે.

અગાઉ ફિફા વર્લ્ડ કપના મેચના બોલ્સ બાહ્ય અવકાશમાં મોકલ્યા હતા
ગયા વર્ષે આ જ રીતે કતાર એરવેઝે ફિફા વર્લ્ડ કપના સત્તાવાર મેચના બોલ્સ બાહ્ય અવકાશમાં મોકલવામાં આવ્યા હતા. આ માટે કતાર એરવેઝે એલોન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે ભાગીદારી કરી હતી. ફાલ્કન-9 રોકેટના પ્રથમ તબક્કામાં બોલ પેક કરવામાં આવ્યા હતા અને પૃથ્વીથી 123 કિમીની ઉંચાઈ પર લઈ જવામાં આવ્યા હતા.

Most Popular

To Top