Sports

વર્લ્ડ બોકસિંગ ચેમ્પયનશીપ 2023: નિકહત ઝરીન અને લવલીના બોર્ગોહેને ભારતને અપાવ્યો ગોલ્ડ

નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) આયોજિત વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં (Women’s World Boxing Championship) નિખત ઝરીન અને લવલીના બોર્ગોહેને ભારતને (India) ત્રીજો ગોલ્ડ મેડલ (Gold Medal) અપાવ્યો છે. નિખતે ફાઇનલમાં વિયેતનામની નગુયેન થી ટીમને હરાવી હતી. નિખતે ફાઈનલ મેચમાં (Final Match) શરૂઆતથી જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પ્રથમ રાઉન્ડમાં 5-0ની લીડ મેળવી હતી. આ પછી તેણે બીજા રાઉન્ડમાં પણ પોતાની લીડ જાળવી રાખી હતી. ત્રીજા રાઉન્ડમાં, તેણીએ વિયેતનામી બોક્સર પર શક્તિશાળી મુક્કા માર્યા. આ પછી, રેફરીએ વિયેતનામી બોક્સરની સ્થિતિ વિશે પૂછવા માટે મેચ અટકાવી દીધી. નિખતની જીત અહીંથી નક્કી થઈ ગઈ હતી. અંતે, તેણે 5-0ના માર્જિન સાથે મેચ જીતી અને સતત બીજી વખત બોક્સિંગ ચેમ્પિયનશિપ જીતી. જયારે 75 કિગ્રા વજન વર્ગમાં, લોવલિના બોર્ગોહેન પણ ઓસ્ટ્રેલિયાની કેટલિન પાર્કરને 5-2થી હરાવીને ગોલ્ડ જીતવામાં સફળ રહી હતી. આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતે કુલ ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા.

નિખત વિશ્વ ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ જીતનારી માત્ર બીજી ભારતીય મહિલા બોક્સર
સૌથી મહત્વની વાત એ છે કે નિખત ઝરીન વિશ્વ ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ જીતનારી માત્ર બીજી ભારતીય મહિલા બોક્સર છે. 26 વર્ષની નિખાત ઝરીને ગયા વર્ષે પણ મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય અનુભવી એમસી મેરી કોમે આ ચેમ્પિયનશિપમાં રેકોર્ડ 6 વખત (2002, 2005, 2006, 2008, 2010 અને 2018) ગોલ્ડ મેડલ જીત્યો છે. તે જ સમયે, સરિતા દેવી (2006), જેની આરએલ (2006), લેખા કેસી (2006), નીતુ ઘંઘાસ (2023) અને સ્વીટી બૂરા (2023) પણ આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય બોક્સર છે.

શનિવારે બે ભારતીય બોક્સર ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી
જણાવી દઈએ કે 25 માર્ચ (શનિવાર)ના રોજ બે ભારતીય બોક્સર ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. કોમનવેલ્થ ગેમ્સ 2022ની સુવર્ણ ચંદ્રક વિજેતા નીતુ ઘંઘાસે 48 કિગ્રા વજન વર્ગમાં અને અનુભવી બોક્સર સ્વીટી બુરાએ 81 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડન સફળતા હાંસલ કરી હતી. નીતુએ શાનદાર પ્રદર્શન કરતા ફાઈનલ મેચમાં મંગોલિયાની લુત્સાઈખાન અલ્તાનસેતસેગને 5-0થી પરાજય આપ્યો હતો. તે જ સમયે, 30 વર્ષીય સ્વીટીએ લાઇટ હેવીવેઇટ કેટેગરીમાં ચીનની વાંગ લીનાના પડકારને પછાડીને 4-3થી જીત મેળવી હતી.

Most Popular

To Top