Charchapatra

વિશ્વ યોગ દિન

હમણાં જ 21મી જૂન (બુધવાર)ના રોજ વિશ્વ યોગ દિનની સમગ્ર વિશ્વમાં ઉજવણી થઇ. 2014માં યુનાઈટેડ નેશન્સમાં આપણા વ.પ્ર. નરેન્દ્ર મોદીએ સૂચન કર્યું કે આપણે યોગ માટે વર્ષમાં એક દિવસ નિશ્ચિત રાખવો જોઈએ, જે દિવસે સમગ્ર વિશ્વનાં લોકો યોગ કરે અને એ દિવસ ‘વિશ્વ યોગ દિન’ તરીકે ઓળખાય. આ માટે તેમણે 21 જૂનના દિવસનું સૂચન કર્યું, કેમ કે 21 જૂન એ વર્ષનો સૌથી લાંબો દિવસ છે. વળી આ દિવસ સૂર્ય દક્ષિણાયનનો દિવસ પણ છે. એમના સૂચનને આધારે 21 જૂન યુનાઈટેડ નેશન્સ તરફથી ‘વિશ્વ યોગ દિન’ તરીકે જાહેર થયો અને 2015 થી 21મી જૂને વિશ્વનાં લોકો યોગ કરતાં થયાં. પતંજલી મુનિની વિશ્વને માટે યોગ એ સર્વશ્રેષ્ઠ ભેટ છે.

યોગ સંસ્કૃત શબ્દ યુજ્ પરથી બન્યો યુજ્ એટલે જોડવું. યોગ શરીરને આત્મા સાથે જોડે છે. યોગ કરવાથી શારીરિક અને માનસિક સ્વસ્થતા પ્રાપ્ત થાય છે. એટલું જ નહિ પણ તેનાથી મન આધ્યાત્મિક દિશામાં પણ પ્રગતિ કરે છે.આ વર્ષે વિશ્વ યોગ દિનનો થીમ વસુધૈવ કુટુમ્બકમ્ રાખવામાં આવ્યો છે. આ 21મી જૂને સુરત માટે એક ગૌરવપ્રદ ઘટના ઘટી. લગભગ 1/1-2  લાખ માણસોએ યોગમાં ભાગ લીધો હતો જેને કારણે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સુરતનું નામ નોંધાયું!  વાચકમિત્રો, મારે આ યોગ માટે બે વિશેષ વાત લખવી છે.

એક તો શબ્દ ‘યોગ’ છે અને ઘણા લોકો ‘યોગા’ બોલે છે જે યોગ્ય નથી. બીજું એ કે માત્ર 21મી જૂનના દિવસે જ યોગ કરવાનો અને પછી યોગને ભૂલી જવાનું તે પણ યોગ્ય નથી. યોગ રોજ પ્રાત:કાલે ભૂખે પેટે કરવું જોઇએ. તો જ યોગના ફાયદા જણાશે. ગુરુકુલની  શાળાઓમાં વિદ્યાર્થીઓ રોજ દિવસની શરૂઆત યોગથી કરે છે! એટલી વાત તો નિશ્ચિત છે કે 21મી જૂનની આંતરરાષ્ટ્રિય યોગ દિવસ તરીકે જાહેરાત થઇ ત્યારથી વિશ્વનાં લોકોમાં યોગ અંગે જાગૃતિ આવી છે. આશા રાખીએ કે વિશ્વનાં બધાં લોકો યોગ ક્રિયાને સ્વીકારે અને રોજ યોગક્રિયામાં પ્રવૃત્ત થાય.
સુરત- ડૉ. કિરીટ એન. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

વાહનો ટ્રોલ કરવાથી ટ્રાફિક સમસ્યાઓનો ઉકેલ આવે છે
દેશનાં દરેક મોટાં શહેરોમાં ટ્રાફિક સમસ્યાઓ છે. “નો પાર્કિંગ ઝોન “માં મુકાયેલ વાહનો ટ્રોલ કરવાથી વાહનચાલક અને ટ્રાફિક પોલીસ, ક્રેઈનવાળા તેમજ પ્રજા વચ્ચે ઘર્ષણના કિસ્સાઓ વારંવાર અખબારમાં પ્રકાશિત થતા રહે છે. ટ્રાફિક સમસ્યા એ સિક્કાની બે બાજુ છે.વાહનોની સંખ્યા માનવી કરતાં વધુ થઈ ગઈ છે. કોઈ પણ ટૂંકા અંતરે જવા માટે પણ વાહનનો જ ઉપયોગ થાય.કેટલીક વખત તો વાહન ચાલકો અજાણતામાં વાહનો મૂકી દે ત્યાં કોઈ “નો પાર્કિંગ કે ચિહ્ન મૂકવામાં આવેલ નથી હોતું “આવા સમયે ક્રેઈનવાળા વાહન ટ્રોલ કરે ત્યારે ઘર્ષણ થવાનો સંભવ રહે છે.

શહેરમાં દરેક જગ્યાએ પાર્કિંગ મળતું નથી અને પોલીસ લોકોનાં વાહન ઉંચકી લે છે. ત્યારે ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ફક્ત વાહનો ટ્રોલ કરી લઇ જવા એ કોઈ કાયમી ઉપાય નથી. નવા વ્યક્તિ ફરીથી ત્યાં વાહન મૂકી દેશે તો લોકોની હેરાનગતિ ન થાય તેમજ ટ્રાફિક પણ સરળતાથી ચાલે તેવાં કોઈ નક્કર પગલાં લેવાની જરૂર છે. બાકી તો પ્રજા અને ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણ થયા જ કરશે. કેટલીક વખત તો વાહનચાલકની વય પણ ધ્યાને નથી લેવાતી કેમકે વાહન ટ્રોલ કરનારા તેમની ફરજ બજાવે, પણ થોડી સમજણ કે માર્ગદર્શન બન્ને પક્ષે આપવું જરૂરી છે.
સુરત     – ચંદ્રકાન્ત રાણા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top