પાણી વિના જીવન શક્ય નથી. દરેક વ્યક્તિને શુદ્ધ પાણી મળવું એ મૂળભૂત માનવ અધિકાર છે. છતાં હકીકત એ છે કે વિશ્વમાં કરોડો લોકો સુરક્ષિત પીવાનાં પાણીથી વંચિત છે. પાણીના સ્રોતો પર વધતાં ભારણ, હવામાન પરિવર્તન અને વસ્તીવૃદ્ધિના કારણે આ સમસ્યા વધુ ગંભીર બની રહી છે. પાણીનો બેફામ ઉપયોગ અને એના વપરાશમાં જોવા મળતું બિનજવાબદાર આયોજને દુનિયામાં પાણીનાં સંકટને અતિ ગંભીર બનાવ્યું છે. આ વિશે જાગૃતિ લાવવા અને લોકોને પાણીના સંરક્ષણ અને યોગ્ય સંચાલન માટે યોગ્ય પગલાં ભરી શકાય એ હેતુથી સંયુક્ત રાષ્ટ્ર દર વર્ષે ૨૨ માર્ચના દિવસને ‘વિશ્વજળ દિવસ’ તરીકે ઉજવે છે.
એની શરૂઆત છેક 1993માં કરવામાં આવી, પણ વર્ષો જતાં પ્રશ્નનો હલ આવવાને બદલે એ વધુ ને વધુ વણસી રહ્યો છે! પાણી માનવજાત સામે વિવિધ સ્વરૂપે પડકાર ઊભા કરતું રહે છે. ક્યારેક અચાનક વરસી ગયેલા બેસુમાર વરસાદનાં પાણીનો નિકાલ કરવાની સમસ્યા તો ઉનાળાની શરૂઆત સાથે સુકાતાં નદી-નાળાં સાથે ઊભી થતી પાણીની અછત. વાદળ ફાટવાથી થયેલા જળપ્રપાતે કરેલા જાન-માલના નુકસાનને પહોંચી વળવાનો પડકાર તો વળી પાણીનાં તળ ઊંડાં જતાં વધતી પાણી અને જમીનની સાંદ્રતા. આ બધી સમસ્યાઓ પાણીના બિનજવાબદાર ઉપયોગ અને જળ-વાયુ પરિવર્તનની ઘટનાઓ વચ્ચેનો ગાઢ સંબંધ દર્શાવે છે.
પાણીનો પ્રશ્ન માત્ર પર્યાવરણ કે વિકાસનો મુદ્દો નથી; તે સામાજિક ન્યાય અને લિંગ સમાનતાનો પણ પ્રશ્ન છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને ‘વિશ્વજળ દિવસ’નો ૨૦૨૬નો થીમ છે “Water and Gender: Where water flows, equality grows”-એટલે કે જ્યાં પાણી પહોંચે છે ત્યાં સમાનતાનો વિકાસ થાય છે. આ થીમ ખાસ કરીને મહિલાઓ અને પાણી વચ્ચેના સંબંધને કેન્દ્રમાં રાખે છે. પાણીની અછત, પાણીનું પ્રદૂષણ અને પાણીના સંચાલન (અથવા ગેરસંચાલન)ને કારણે ઊભી થતી મુશ્કેલીઓનો ભાર પિતૃસત્તાક સામાજિક મૂલ્યોને કારણે સ્ત્રીઓના ભાગે અનેકગણો વધારે આવે છે. વિશ્વના ઘણા દેશોમાં પાણી લાવવાની જવાબદારી મહિલાઓની ગણાય છે.
ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરવાની જવાબદારી હજુ પણ મોટા ભાગે સ્ત્રીઓના માથે જ છે અને એ માટે સ્ત્રીઓ આખા વર્ષ દરમ્યાન ૨૧૦ કલાક ફાળવી ૧૭૩ કિલોમીટર ચાલે છે – એટલે કે ૨૭ આખા દિવસ. અંતરિયાળ ગામોમાં અતિ ગરીબીમાં જીવતાં કુટુંબોમાં આ સમય સાઠ દિવસ જેટલો પણ હોઈ શકે! એટલો સમય કામના કલાકોમાંથી કપાય એટલે એટલી આવક ઓછી અને ગરીબી માટે રસ્તો ખુલ્લો! જ્યાં ઘરમાં નળ દ્વારા પાણી ઉપલબ્ધ નથી એવાં ઘરોમાં લોકો મળીને દરરોજ ૬૬.૬ મિલિયન કલાક પાણી લાવવામાં ખર્ચે છે, જેમાંથી લગભગ ત્રણ ચતુર્થાંશ સમય મહિલાઓ ખર્ચે છે.
વળી, વજન ઊંચકીને લાંબુ ચાલવાને કારણે તંદુરસ્તી પર પણ અસર પડે છે. રોજે રોજ આ પ્રક્રિયામાં મહિલાઓનો બહુ મોટો સમય અને શક્તિ ખર્ચાય છે. આ પ્રશ્ન એટલો ગંભીર છે કે મહારાષ્ટ્રના પાણીની અછતવાળા પ્રદેશોમાં બહુ પત્નીત્વની પ્રથા ફરીથી શરૂ થઇ હોવાનું નોંધાયું છે જેથી એકથી વધુ પત્નીઓ પાણી ભરવા વારા રાખી શકે! શહેરોમાં પણ પરિસ્થિતિ બહુ સારી તો નથી. ટેન્કર દ્વારા પાણી પહોંચતું હોય ત્યાં લાંબી લાઈનમાં ઊભા રહેવાનું અને એમાંથી ઊભા થતા ઝઘડાનું દૃશ્ય ઘણું સામાન્ય છે.
પાણીની સમસ્યા માત્ર અછત સુધી મર્યાદિત નથી. પ્રદૂષિત પાણીની સમસ્યા પણ એટલી જ ગંભીર છે. અસુરક્ષિત પાણીના કારણે ડાયરિયા, કોલેરા અને ટાઇફોઇડ જેવી બીમારીઓનું પ્રમાણ ઘણું વ્યાપક છે. ઘરમાં માંદગી આવે ત્યારે પરિવારજનોની સંભાળ રાખવાની મુખ્ય જવાબદારી સામાન્ય રીતે મહિલાઓ પર જ હોય. પરિણામે જ્યારે બીમારીઓ વધે છે ત્યારે મહિલાઓ પર અવેતન કામનો ભાર પણ વધે.
ચિત્રકામના વર્ગમાં બાળકો પાસે ‘પનિહારી’નું ચિત્ર દોરાવીએ છીએ ત્યારે બાળકને માથે ઉંચકાયેલા બેડાં પાછળ છુપાયેલા કષ્ટથી વાકેફ નથી કરતા અને આડકતરી રીતે પાણી ભરવાની જવાબદારી સ્ત્રીઓની જ ગણતાં સામાજિક મૂલ્યનું મહિમાગાન કરીએ છીએ! હકીકતમાં આ “સમયની ગરીબી” (time poverty)નું ઉદાહરણ છે. જ્યારે પાણી લાવવા પાછળ મહિલાઓએ લાંબો સમય આપવો પડે છે, ત્યારે તેમને શિક્ષણ, રોજગાર અથવા સામાજિક જીવનમાં ભાગ લેવા માટે પૂરતો સમય મળતો નથી. ઘણી જગ્યાએ છોકરીઓને સ્કૂલ પણ છોડવી પડે છે અથવા નિયમિત રીતે અભ્યાસ કરી શકતી નથી.
કહેવાની જરૂર ખરી કે જો આ સમય જો શિક્ષણ, રોજગાર અથવા આવક સર્જન માટે વપરાય તો મહિલાઓની આર્થિક અને સામાજિક સ્થિતિમાં મોટો ફેરફાર આવી શકે! વિશ્વજળ દિવસ 2026નો સંદેશ સ્પષ્ટ છે: પાણીનો પ્રશ્ન માત્ર સંસાધનોના અભાવનો પ્રશ્ન નથી, પરંતુ તે સમાનતા અને ન્યાયનો પ્રશ્ન પણ છે. જ્યારે ઘરની નજીક સુરક્ષિત પાણી ઉપલબ્ધ થાય ત્યારે છોકરીઓ વધુ શિક્ષણ મેળવી શકે, મહિલાઓને રોજગાર માટે સમય મળે અને સમગ્ર સમાજ વધુ સ્વસ્થ બની શકે. આ માટે સંયુક્ત રાષ્ટ્રે મહિલાઓને પાણી સંબંધિત નિર્ણયો લેવામાં સમાન અવાજ અને નેતૃત્વનો અધિકાર મળે એ અભિગમ સાથે જળસુરક્ષાનું કામ આગળ વધારવાનું આહ્વાન કર્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે