સુરત: ચાલુ વર્ષે ટીબી દિવસ(world tuberculosis day)ની ઉજવણી સમગ્ર વિશ્વમાં ‘ટીબીને સમાપ્ત કરવા માટે રોકાણ કરો, જીવન બચાવો’ થીમ ઉપર કરાશે. ત્યારે સુરત(surat) શહેરમાં સરકારે(goverment) છેલ્લા 3 વર્ષમાં આશરે 50 કરોડના ખર્ચે બીડાકુલીન દવા(bedaquiline tablet)ના ઉપયોગથી 300 જેટલા દર્દીને નવજીવન આપ્યું છે અને આ દવાને કારણે મૃત્યુદરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
વિશ્વભરમાં 24 માર્ચના દિવસને વિશ્વ ક્ષય એટલે કે ટીબી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સુરત શહેરમાં ટીબીના 12 હજાર કેસ છે. જેમાંથી 7 હજાર દર્દી સારવાર હેઠળ છે. અને તેમાંથી ગંભીર 400 દર્દીઓની સરકારી ખર્ચે સારવાર ચાલે છે. ટીબીની આધુનિક સારવાર બીડાકુલીન છે. જે ખુબ જ મોંઘી મનાય છે. એક દર્દી પાછળ આ દવાનો ખર્ચ 15 લાખ રૂપિયા છે. છેલ્લા ત્રણેક વર્ષમાં માત્ર સુરતમાં 300 જેટલા દર્દીઓને આ સારવાર આપવામાં આવી છે. એટલે કે અત્યારસુધી અંદાજે 50 કરોડ રૂપિયાનો ખર્ચ ટીબીના દર્દીઓને બચાવવા માટે કરાયો છે. આ તો થઈ સુરતની વાત હવે એક આંકડા મુજબ દર વર્ષે ક્ષય એટલે કે ટીબીનાં ભારતમાં 26 લાખ દર્દીઓ નોંધાય છે. ટીબી રોગના જે 26 લાખ આંકડો વિશ્વભરના આંકડા સામે 27 ટકા જેટલો છે. ત્યારે દેશમાં નાગરિકોમાં આ રોગ પ્રત્યે જાગૃતિ આવે તે ખુબ જ જરૂરી છે.
પલ્મોનરી ટીબીના કેસમાં પણ વધારો
મુખ્યત્વે ટી.બી. સિગારેટ, તમાકુ સહિતના વધુ પડતા સેવનથી આ રોગ થતો જોવા મળે છે. ટી.બી. (માઇક્રોબેક્ટેરિયલ સુબરક્લોસીસ) નામના બેક્ટેરીયાથી ફેલાઇ છે. જે સામાન્ય રીતે ફેફસા પર અસર કરે છે. જેને પલ્મોનરી ટી.બી. કહે છે. પરંતુ આ રોગ શરીરના કોઇપણ ભાગમાં અસર કરી શકે છે. અને ફેફસા સિવાય કોઇપણ અંગના ટી.બી.ને એકસ્ટ્રા પલ્મોનરી ટી.બી. કહે છે. શહેરમાં યુવાનોમાં વધતા વ્યસનને કારણે મલ્મોનરી ટીબીના કેસમાં વધારો થઈ રહ્યો છે.
વર્ષ-1882થી ટીબી દિવસની ઉજવણી કરવામાં આવે છે
દર વર્ષે તા.૨૪મી માર્ચ વિશ્વ ટી.બી.દિવસની ઉજવણી કરવામાં આવે છે. ટી.બી જેવા અસાધ્ય રોગ સામેની લડત માટે સરકાર અને આરોગ્ય સંસ્થા સંપુર્ણ રીતે કટિબદ્ધ છે. વર્ષ 1882 ના વર્ષમાં આજના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય અર્થાત ટી.બી. રોગનાં જંતુઓ શોધ્યા હતા. એમની યાદમાં દર વર્ષે આ દિવસે ક્ષય નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ટીબીનાં લક્ષણો
ટી.બી.ની બિમારીમાં સૌથી મોટુ લક્ષણ ઉધરસ છે. પરંતુ મોટા ભાગે લોકો સામાન્ય ઉધરસ સમજીને અવગણના કરે છે. પરંતુ સતત ૨ અઠવાડિયા કે વધુ સમય સુધી ઉધરસ આવવાની સમસ્યા હોય અથવા સાંજના સમયે ઓછા તાપમાનથી તાવ આવવો, ભુખ ઓછી લાગવી, વજનમાં ઘટાડો થતો હોય, રાત્રે સુતા સમયે પરસેવો થતો હોય તો નજીકના સરકારી દવાખાને તપાસ કરાવી ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવી ખુબ જરૂરી છે.