દુનિયાભરના 500 અમીરો માટે નવું વર્ષ ઝટકાવાળું રહ્યું છે. જાન્યુઆરીના 28 દિવસોમાં આ અમીરોની સંપત્તિમાં રૂ. 47.62 લાખ કરોડ ઘટીને 582 લાખ કરોડ ડોલર રહી છે. જેઓની 3જી જાન્યુઆરીના રોજ સંપત્તિ 630 લાખ ડોલરની હતી. જેમાં સૌથી વધુ સંપત્તિ એલન મસ્કની ઘટી છે.
3જી જાન્યુઆરીથી વિશ્વભરના બજારોમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી અને વૈશ્વિક બજારોમાં ભારે કડાકો બોલાયો છે. જેમાં યુક્રેન અને રશિયા વચ્ચેના ટકરાવ, વિદેશી રોકાણકારોની સાવધાનીપુર્વકના રોકાણ અને અમેરિકાની સેન્ટ્રલ બેન્ક ચાલુ વર્ષમાં ચારથી પાંચ વખત વ્યાજદર વધારવાની શકયતાથી બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. જેમાં વૈશ્વિક બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હોવાથી અમીરોની સંપત્તિમાં ઘટાડો જોવાયો હતો.
જોકે, આ બજારના ઘટાડાની અસરમાં ચાલુ સપ્તાહમાં બે દિવસ માટે એશિયાના સૌથી અમીર બિઝનેસ મેન મુકેશ અંબાણી બીજા નંબરે આવી ગયા હતા, જ્યારે ગૌતમ અદાણી પ્રથમ ક્રમે પહોંચી ગયા હતા. 28મી જાન્યુઆરીના રોજ બપોરના પાંચ મીનીટ માટે અદાણી નંબર વન હતા, ત્યારે અંબાણી બીજા નંબરે પહોંચ્યા હતા. અદાણીની સંપત્તિ 90.3 અબજ ડોલરની થઇ છે, જ્યારે અંબાણીની 90 અબજ ડોલરની હતી. આમ, આ બંને ધનવાનો વચ્ચે મામુલી અંતર જોવા મળી રહ્યો છે.
આ સપ્તાહમાં બીજો ફેરફાર થયો છે, જેમાં દુનિયાના સૌથી મોટા રોકાણકાર વોરેન બફેટ માર્ક ઝુકરબર્ગથી અમીર થઇ ગયા છે. 28મી જાન્યુઆરીએ 91 વર્ષના વોરેન બફેટે આ સ્થાન હાંસલ કર્યું હતું, જે દુનિયાના ટોપ ટેનમાં એકમાત્ર અમીર છે, કે જેની સંપત્તિમાં ચાલુ વર્ષમાં વૃદ્ધિ થઇ છે. જેમની કંપની બાર્કશાયર હેથવેના શેરમાં ચાલુ વર્ષમાં દોઢ ટકાનો વધારો થયો છે.
માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં ચાલુ વર્ષમાં 15 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે. દુનિયામાં સૌથી અમીર બિઝનેસમેન ટેસ્લાના માલિક એલન મસ્કની સંપત્તિમાં 25.8 અબજ ડોલરના ઘટાડા સાથે 216 અબજ ડોલર પર આવી છે. ચાલુ વર્ષમાં તેમની સંપત્તિમાં 54 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે. જ્યારે મેટા પ્લેટફોર્મના ફાઉન્ડર ઝુકરબર્ગની સંપત્તિ 27 અબજ ડોલર ઘટી છે. ત્રીજા નંબરના અમીર બિઝનેસ મેન બર્નાર્ડ અનોલ્ટની સંપત્તિમાં 18.4 અબજ, બિલ ગેટસની સંપત્તિમાં 11 અબજ ડોલરનો ઘટાડો થયો છે. જ્યારે અંબાણીની સંપત્તિમાં 15 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો જોવાયો છે અને અદાણીની સંપત્તિમાં 6 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો જોવાયો છે. આમ, અદાણી-અંબાણીની સંપત્તિમાં પાતળી સરસાઇ છે. અંતમાં ચેંગપેંગ ઝાઓની સંપત્તિમાં 30 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે, જેની મસ્ક બાદ સૌથી વધુ સંપત્તિ ઘટી છે.