વિશ્વની નંબર-1 ખેલાડી અને ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલારુસની આરીના સબાલેન્કાએ (27) સતત બીજી વખત યુએસ ઓપન ટાઇટલ જીત્યું છે. તેણે શનિવારે રાત્રે આર્થર એશે સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં અમેરિકાની અમાન્ડા અનિસિમોવાને 6-3, 7-6 (7/3) થી હરાવી હતી.
આ તેનો ચોથો ગ્રાન્ડ સ્લેમ છે. આ વર્ષે સબાલેન્કાની ત્રીજી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ હતી. અગાઉ તે બે વખત અમેરિકન ખેલાડીઓ સામે હારી ગઈ હતી. તે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેડિસન કીઝ સામે અને જૂનમાં ફ્રેન્ચ ઓપનમાં કોકો ગૌફ સામે હારી ગઈ હતી. પુરુષોની શ્રેણીનો ફાઇનલ મેચ આજે રવિવારે કાર્લોસ અલ્કારાઝ અને જેનિક સિનર વચ્ચે રમાશે.
ગયા વર્ષે સબાલેન્કાએ યુએસ ઓપનમાં અમેરિકન ખેલાડી જેસિકા પેગુલાને હરાવીને તેનું પ્રથમ યુએસ ઓપન ટાઇટલ જીત્યું હતું. એટલું જ નહીં તે 2012-14માં સેરેના વિલિયમ્સ પછી યુએસ ઓપનમાં સતત ટ્રોફી જીતનાર પ્રથમ મહિલા પણ બની હતી.
જુલાઈમાં વિમ્બલ્ડનની સેમિફાઇનલમાં સબાલેન્કા અનિસિમોવા સામે હારી ગઈ હતી. ફાઇનલ પહેલા આ બે ખેલાડીઓ વચ્ચે નવ મેચ રમાઈ હતી. અનિસિમોવાએ તેમાંથી 6 જીતી છે. ઓલ ઇંગ્લેન્ડ ક્લબમાં સબાલેન્કાને હરાવ્યા બાદ અનિસિમોવા તેની પહેલી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં ઇગા સ્વિયાટેક સામે 6-0, 6-0થી હારી ગઈ હતી.