ગાંધીનગર : દુનિયાનું સૌથી મોટું મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ લોથલમાં (Lothal) તૈયાર થઈ રહ્યું છે. કેન્દ્રીય પોર્ટ અને શિપિંગ મંત્રી સર્વાનંદ સોનોવાલે લોથલ ખાતે આકાર લઈ રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષની સાઇટની મુલાકાત દરમિયાન કામગીરી સંદર્ભમાં રિવ્યું બેઠક યોજી હતી. આ સમીક્ષા બેઠકમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર, ગુજરાત મેરિટાઇમ બોર્ડના સીઈઓ અવંતિકાસિંહ, અમદાવાદના કલેક્ટર સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા સહિત ઉચ્ચ અધિકારીઓ, પ્રોજેક્ટના ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
રિવ્યુ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના વિઝન અનુસાર એક સમયના આ વિખ્યાત બંદરના અમૂલ્ય વારસાને ફરી એક વખત સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવશે. દુનિયાનું સૌથી મોટું મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ લોથલમાં તૈયાર થવાનું છે. લોથલ ખાતે આકાર લઈ રહેલા 35 એકરમાં વિસ્તરેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષની કામગીરી આગામી એક વર્ષમાં પૂરી કરી દેવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કુલ ૪,૦૦૦ કરોડના આ પ્રોજેક્ટ થકીનો લાભ લોથલની આસપાસનાં લોકોને મળશે. આ કોમ્પ્લેક્ષને કારણે ટૂરિઝમનો વિકાસ થશે અને રોજગારીની અનેક નવી તકો સર્જાશે. આપણી સભ્યતાની તાકાત આખી દુનિયા જોઈ શકશે. અહીં મેરિટાઇમ ઇન્સ્ટિટ્યૂટ પણ બનવાની છે, જેમાં દુનિયાભરના લોકો બંદર અને વહાણવટા અંગે શીખવા માટે આવશે. આ પ્રોજેક્ટમાં રાજ્ય સરકારનો પણ ખૂબ જ સારો સહયોગ મળી રહ્યો છે.
રેલવે ટૂંક સમયમાં 100 ટકા રિજનરેટેડ ઊર્જાનો ઉપયોગ કરશે: કેન્દ્રીય રેલવે મંત્રી
અમદાવાદ: કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે ગુજરાત વેપારી મહામંડળ ખાતે ‘ડ્રીમ્સ મીટ ડીલીવરી’ પુસ્તક વાંચન અને ચર્ચા વિચારણા સત્ર દરમિયાન કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે રેલ્વે દ્વારા ઉપયોગમાં લેવાતી રિજનરેટેડ ટેકનોલોજીના મહત્વ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી છે, અને ટૂંક સમયમાં જ રેલવે 100 ટકા રીજનરેટેડ ઉર્જાનો ઉપયોગ કરશે. આ પ્રસંગે ગુજરાત વેપારી મહામંડળના પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની દુરંદેશી વિચારો, દુરંદેશી અભિગમ અને નીતિઓના વ્યુહાત્મક અમલીકરણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્તરે ભારતે ઘણા માપદંડને હાંસલ કર્યા છે. નિર્ધારિત સમય પહેલા ત્રણ ટ્રીલીયનનું અર્થતંત્ર બની ગયું છે, અને હવે પાંચ ટ્રીલીયનના આંક તરફ આગળ વધી રહ્યું છે.